તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
મહેસૂલ વિભાગે બદલીનો ગંજીપો ચીપ્યોઃ ૧૪૪ ડે. કલેકટરોની બદલીઃ રાજકોટની તમામ જગ્યાઓ ભરાઇ ગઇ
રાજકોટ સીટી પ્રાંત-૧માં પ્રોબેશનર IAS શ્રી અતુલસિંહની આસિ.કલેકટર તરીકે નિમણુંક સીટી પ્રાંત-૧, સીટી પ્રાંત-ર, ગોંડલ તથા રાજકોટ રૂરલ પ્રાંતમાં જગ્યાઓ ભરાતા તંત્રને હાશકારો

રાજકોટ તા.૧૭: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિકળત અધિસૂચના અનુસાર, ગુજરાત વહીવટી સેવા ( જુનિયર સ્કેલ) વર્ગ-૧ સંવર્ગમાં ફરજ બજાવતા ૧૪૪ જેટલા ઉચ્ચ અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
રાજ્યભરમાં વ્યાપક સ્તરે કરવામાં આવેલી આ બદલીઓમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.રાજકોટ પ્રાંત-૧ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની જૂનાગઢ ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.તાપીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરત ચાવડાની રાજકોટ પ્રાંત-૨ તરીકે નિમણૂક કરવામાં આવી છે.ગીર સોમનાથના જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાને ગોંડલના પ્રાંત અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે અને પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાની રાજકોટ રૂરલ પ્રાંત તરીકે નવી નિયુક્તિ કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી આ જ અધિસૂચનામાં અગાઉના કેટલાક બદલીના હુકમો રદ કરવા તેમજ બઢતીના આદેશોમાં આંશિક ફેરફાર કરવા અંગેના સ્પષ્ટ નિર્દેશો પણ સામેલ છે.દાખલા તરીકે, વિભાગની અગાઉની અધિસૂચનામાં સમાવિષ્ટ અધિકારી અમીતકુમાર જી. ગામીતની બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ તેઓ ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતમાં મદદનીશ નિયામક તરીકે પોતાના મૂળ સ્થાને જ સેવાઓ ચાલુ રાખશે.સત્તાવાર યાદી મુજબ આ તમામ ૧૪૪ અધિકારીઓને નવી જગ્યાઓ પર તુરંત જ હોદ્દો સંભાળી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ ફેરબદલીના હુકમો ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશથી સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ વ્યાપક ફેરફારોથી રાજ્ય સરકારની કામગીરીમાં વધુ ઝડપ અને સુગમતા આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. રાજકોટ સીટી પ્રાંત-૧ તરીકે રાજય સરકારે પ્રોબેશનરી IAS શ્રી અતુલસિંહને આસિ.કલેકટર તરીકે નિમણુંક આપી છે, અન્ય ૬ પ્રોબેશનરી IAS શ્રી મિસ રિનીકા આઇમા- ધરમપુર, મિસ અંજલી અજય ઠાકુર- આણંદ, શ્રી અભિષેક પ્રમોદ તાલે- ભચાઉ, મિસ ધારણી એમ- હિંમતનગર, મિસ વૃષાલી સંતરામ કાંબલે- જુનાગઢ, મિસ નેહા બ્સડવાલ મોડાસા મૂકવામાં આવ્યા છે
(10:42 AM IST)










