તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
તળાવમાં ડૂબતા મોતને ભેટેલા ચારેયની એકસાથે દફનવિધીઃ સોહિલની બે મહિના પછી શાદી હતી
રાજકોટ ખોડીયારપરાના અને રોણકીના અભેસોરા તથા સોરા પરિવારોમાં માતમ : ૬ વર્ષનો સેફાન ડૂબવા લાગતાં જેનો જન્મદિન હતો તે ૧૧ વર્ષનો સોહાન અને કુટુંબી બહેન ૯ વર્ષની અલીફાને બચાવવા જતાં તે પણ ડુબ્યાઃ ત્રણેય ભત્રીજા-ભત્રીજીને બચાવવા જતાં કાકા ૨૦ વર્ષિય સોહિલ પણ ડૂબી ગયોઃ સોહિલનો ભાઇ રિયાઝ પણ કુદ્યો હતો, તેનો ચમત્કારીક બચાવ : ગોંડલ રોડ ખોડીયારનગરમાં રહેતાં સોહાનનો બર્થડે હોઇ રોણકી કુટુંબી કાકા સોહીલને વાત કરતાં તે રાજકોટ આવી રિક્ષામારફત સોહાન, સેફાન અને બંનેના માતાને રોણકી લઇ ગયોઃ ત્યાંથી બધા બેડી નજીક દરગાહે સલામ ભરવા ગયા હતાં: નજીકના તળાવમાં દુર્ઘટના બની

ચારેય હતભાગીના નિષ્પ્રાણ દેહ જાઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા) : તળાવમાં ડૂબી જતાં મોતને ભેટેલા રોણકીના સોહિલ અભેસોરા (ઉ.વ.૨૦) તથા અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.૯), સોહાન સાજીદભાઇ સોરા (ઉ.વ.૧૧) અને સેફાન સાજીદભાઇસોરા (ઉ.વ.૬)ના ફાઇલ ફોટો અને વિલાપ-આક્રંદ કરતાં સગા સ્વજનો જાઇ શકાય છે
રાજકોટ તા. ૧૭: રાજકોટના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડીયાનગરમાં રહેતાં અભેસોરા પરિવારના ૬ અને ૧૧ વર્ષના બે સગા ભાઇઓ, રોણકી ગામે રહેતાં તેના ૨૦ વર્ષિય કાકા અને ૯ વર્ષની કુટુંબી બહેન મળી કાકા-ત્રણ ભત્રીજા-ભત્રીજાના બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ પાસેના તળાવમાં ગઇકાલે ડુબી જતાં ચારેયના મોત નિપજતાં રાજકોટ-રોણકીના અભેસોરા, સોરા પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. ચારેયના જનાજા ઉઠતાં હજારો આંખો રડી પડી હતી. આ ચારેય હતભાગીના પોપટપરા પાસેના કબ્રસ્તાન સાથે એક સાથે દફનવિધી થઇ હતી. કરૂણતા એ છે કે ભત્રીજા-ભત્રીજીઓને બચાવવા જતાં મોતને ભેટેલા વીસ વર્ષના કાકાની સગાઇ થઇ ગઇ હતી અને બે મહિના પછી તેની શાદી હતી. આ યુવાનનો ભાઇ પણ બચાવવા માટે તળાવમાં કૂદયો હતો. તેનો ચમત્કારીક બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ રાજકોટ ખોડીયારનગરમાં રહેતાં પાનની દુકાન ચલાવતાં સાજીદભાઇ અભેસોરાના દિકરા સોહાન (ઉ.વ.૧૧)નો ગઇકાલે જન્મદિવસ હોઇ તેને બેડી નજીક દરગાહે સલામ કરવાની હોઇ માતા સોહાન તથા નાના દિકાર સેફાન (ઉ.વ.૬)ને લઇ કુટુંબી દિયર રોણકી રહેતાં સોહિલ સાજીદભાઇ અભેસોરા (ઉ.વ.૨૦)ની રિક્ષામાં બેસી રાજકોટથી રોણકી ગયા હતાં. સોહિલ રોણકીથી રાજકોટ આ ત્રણેયને તેડવા આવ્યો હતો. બાદમાં રોણકીથી બીજા કુટુંબીજનો મળી પંદરેક લોકો દરગાહે સલામ ભરવા ગયા હતાં. ત્યાં બપોરે જમ્યા બાદ બાળકો નજીકના તળાવ પાસે રમવા ગયા હતાં.
અહિ ૬ વર્ષનો સેફાન સાજીદભાઇ અભેસરા તળાવમાં પગ લપસતાં ડુબવા માંડતા જેનો જન્મ દિવસ હતો તે મોટો ભાઇ સોહાન (ઉ.વ.૧૧) અને અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.૯) સેફાનને બચાવવા તળાવમાં કુદી ગયા હતાં પણ આ ત્રણેય ડૂબવા માંડતા કુટુંબી કાકા સાહીલ જમાલભાઇ અભેસરા (ઉ.વ.૨૦) ઉપરાંત તેનો ભાઇ રીયાઝ (ઉ.વ.૨૩) તળાવમાં કૂદી પડયા હતા. જેમાંથી સાહીલ પણ ડૂબવા લાગ્યો હતો. આ વખતે રીયાઝ કોઇપણ રીતે બહાર નીકળી ગયો હતો. બાકીના ચારેય ડુબી ગયા હતાં. બેભાન હાલતમાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ અને જનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ચારેયને મૃત જાહેર કરતાં પરિવારોમાં માતમ છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર સેફાન અને સોહાન માતા-પિતાના બે સંતાન હતાં, આ બંનેના મોત થતાં કલ્પાંત સર્જાયો હતો. પિતાને પાનની દુકાન છે. જ્યારે સોહિલ બે ભાઇમાં નાનો હતો અને તે રિક્ષા હંકારતો હતો. તેના પિતા પણ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતાનું નામ રશીદાબેન છે. સોહિલની સગાઇ ગોંડલની યુવતિ સાથે થઇ હતી અને બે મહિના પછી તેની શાદી હતી તેમ સગા ઇકબાલભાઇએ જણાવ્યું હતું. અલીફા બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. આ ચારેય કાકા, ભત્રીજા, ભત્રીજીના મૃતદેહોની પોપટપરા કબ્રસ્તાન ખાતે એક સાથે દફનવિધી થઇ હતી. બનાવને પગલે રાજકોટ-રોણકીના પરિવારોમાં માતમ છવાયો હતો. એસીપી ભાવેશ વી. જાધવ, પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં કુવાડવા રોડ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. તાલુકા પંચાયતના ભરતભાઇ ડાભી સહિતના આગેવાનો પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચ્યા હતાં.

બે દિકરાના મોતથી આઘાતમાં ગરક પિતાએ શબવાહીનીમાં એવા માથા પછાડયા કે લોહીલુહાણ થયા અને કાચ ફુટી ગયા
* તળાવમાં ડૂબી જતાં ચારના મૃત્યુ થતાં તેમાં બે સગા ભાઇઓ ખોડીયાનગરના સોહાન અને સેફાનના મોતથી માતા-પિતા સહિતના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આ બંને ભાઇઓના પિતા સાજીદભાઇઆ આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ આઘાતમાં એવા ગરક થઇ ગયા હતાં કે તેમણે ત્યાં પાર્ક કરાયેલી શબવાહનીના આગળ-પાછળના કાચમાં જોર જોરથી માથા પછાડતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતાં અને આ વેનના બંને કાચ ફુટી ગયા હતાં (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










