<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

‘હું આત્‍મકથા છું' ગુરૂવારે નવતર નાટય પ્રયોગ

ગુજરાતી ભાષાના છ સાક્ષરોની આત્‍મકથાના અંશનું થશે મંચનઃ ઇન્‍ટાકના સહયોગથી આયોજન : પ્રવેશ નિઃશુલ્‍ક પણ રજીસ્‍ટ્રેશન જરૂરી

રાજકોટ તા. ૧૭ : ગુજરાતી ભાષામાં પ્રથમ આત્‍મકથા લખાઈ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ૨૦૧૮માં રાજકોટના જ કેટલાક કલાકારોએ એક પ્રયોગ કર્યો હતો, હું આત્‍મકથા છું...આ ગુજરાતી સાહિત્‍ય અને રંગભૂમિ પર તદ્દન નવો-નોખો અને આજે પણ અદ્વીતિય તેવો આ પ્રયોગ હવે પુનઃ થઈ રહ્યો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ટીમે જણાવેલ કે આગામી તા. ૨૦મી ઓગસ્‍ટ, ગુરુવારે રાજકોટના હેમુ ગઢવી હોલમાં રાત્રે ૯.૩૦ વાગ્‍યે ઈન્‍ટાક સંસ્‍થા દ્વારા આ નાટય પ્રયોગનું આયોજન કરાયું છે.

આપણી ઈમારતો, હેરીટેજની જેમ શબ્‍દોનો પણ વારસો અગત્‍યનો છે. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્‍મકથા લખનાર કવિ નર્મદ, મણિલાલ નભુભાઈ દ્વીવેદી, ક.મા. મુનશી, ગાંધીજી તથા ચંદ્રકાન્‍ત બક્ષીની આત્‍મકથાના અંશનું મંચન તો અગાઉ થયું જ હતું. આ વખતે હવે એક પાત્ર-એક આત્‍મકથા ઉમેરાઈ છે.

સમગ્ર શો માટે ગુજરાતના જાણીતા સંગીતકાર-ગાયક પ્રહર વોરાએ વિશિષ્ટ રીતે સંગીત તૈયાર કર્યું છે, હર્ષ ભટ્ટનું બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિક પણ છે. એઆઈના ઉપયોગથી આખા શોને નવું રુપ અપાયું છે, અગાઉ જોનારને પણ તે નવું જ લાગશે.

આ છ સર્જકોની આત્‍મકથા અભિનેતાઓ મંચ પર આવીને ભજવશે અને આત્‍મકથા પોતાની આત્‍મકથા કહેશે.

હુ આત્‍મકથા છુંનું લેખન જાણીતા લેખક-પત્રકાર જ્‍વલંત છાયાનું છે જ્‍યારે દિગ્‍દર્શન રક્ષિત વસાવડાનું છે. નિર્માણ સહિતની જવાબદારી જલ્‍પા છાયા, બિરદ છાયા લઈ રહ્યા છે. નાટકમાં કાનન છાયા, હર્ષિત ઢેબર, ચેતન ટાંક, ખુશી વ્‍યાસ, શમિક દવે સહિતના કલાકારો પોતાના અભિનયના ઓજસ પાથરશે અને સાથે કેયુર અંજારિયા, ગુલામ હુસેન આગવાન, તુષાર પોટા નેપથ્‍યમાં ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે ઇન્‍ડિયન નેશનલ ટ્રસ્‍ટ ફોર કલ્‍ચરલ હેરીટેજ એટલે કે ઇન્‍ટાક દ્વારા વારસા વિષે અવેરનેશ, નેચરલ હેરીટેજ, બીલ્‍ટ હેરીટેજનું રાજકોટ જિલ્લામાં કામ કરે છે. તેના દ્વારા આ આત્‍મકથાત્‍મક નાટય પ્રયોગનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

દ્વી-અંકી નાટય શોમાં પ્રવેશ નિઃશુલ્‍ક છે. પરંતુ રજીસ્‍ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. આ માટે વોટસએપ નં. ૭૮૫૯૯ ૩૩૭૯૧ ઉપર મેસેજ કરી રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. અગાઉ જે લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવી લીધુ હોય તેમને સાંજે ૬ થી ૮ દરમિયાન હેમુ ગઢવી હોલ વીન્‍ડો પર પાસનું વિતરણ ચાલુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કાનન છાયા, રક્ષિત વસાવડા, બીરદ છાયા, ચેતન ટાંક, કેયુરભાઇ અંજારીયા, મિતેષ જોષી, સાગર પાણખાણીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:37 PM IST)