News of Monday, 17th August 2026
ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવા દલિત-ઓબીસી સમાજનું આક્રમક વલણ
પ્રેમ મંદિર અને સરધાર ખાતે ડો. આંબેડકરની પ્રતિમાનું અપમાન અને બૌદ્ધ વિહાર તોડી પાડવા સામે બહુજન સમાજ, કોળી સમાજ અને સમતા સૈનિક દલ દ્વારા દિલ્હીના જંતર મંતર જેવા ઉગ્ર આંદોલનની ચેતવણી

રાજકોટઃ શહેરમાં સરધાર અને પ્રેમ મંદિર પાસે સ્થાપિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવા તથા ખંડિત કરવા અને બૌદ્ધ વિહાર તોડી પાડવાના વિવાદે હવે ઉગ્ર આંદોલનનું રૂપ ધારણ કરી લીધું છે. વહીવટી તંત્ર, કલેક્ટર અને પોલીસ કમિશનરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં દલિત, ઓબીસી, કોળી અને અલ્પસંખ્યક સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેમ અનુસુચિત જાતિ અધિકાર આંદોલન રાજકોટની યાદીમાં જણાવાયું છે. આ મુદાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રના દલિત, ઓબીસી, કોળી અને અલ્પસંખ્યક સમાજના પ્રમુખ આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે જણાવ્યું હતું કે, કલેક્ટર અને કમિશનરને વારંવાર રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ. હવે ભારતનો દલિત સમાજ સ્વયં બાબા સાહેબની પ્રતિમાનું પુનઃ સ્થાપન કરશે. જો તંત્ર પ્રતિમા સ્થાપિત નહીં થવા દે તો કાયદાની મર્યાદામાં રહીને દિલ્હીના જંતર મંતર જેવું મોટું આંદોલન રાજકોટમાં થશે, જે માટે સરકાર આર્મી તૈયાર રાખે.
સમતા સૈનિક દલના કેપ્ટન પ્રવીણ નિમ્બાડે (IRS) એ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો બંને જગ્યા પર ડો. બાબા સાહેબની પ્રતિમાનું પુનઃ સ્થાપન કરવામાં નહીં આવે તો સમગ્ર ભારતમાંથી સમતા સૈનિક દલના જવાનો ડો. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના નેતૃત્વમાં સરધારમાં ઉતારવામાં આવશે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ પણ આ આંદોલનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, બૌદ્ધ વિહાર અને ડો. આંબેડકરની પ્રતિમાના અપમાનના મુદ્દે કોળી સમાજ પણ તન, મન અને ધનથી આ આંદોલનનો ભાગ બનશે.
આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર ડો. સુરેન્દ્રસિંહ કલોરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટની આ બંને ઘટનાઓની જાણ બહેન માયાવતીજીને કરવામાં આવશે અને જરૂર પડ્યે BSP પણ આ આંદોલનમાં જોડાશે.
આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી (PPP) યોજના હેઠળ ભ્રષ્ટાચાર કરવા માટે ખોટા પુરાવા ઊભા કરીને સરકારી જમીન પર રહેલી પ્રતિમા હટાવી દેવાઈ છે. પ્રતિમાનું અપમાન કરનારા અને બૌદ્ધ વિહાર તોડનારાઓ સામે પોલીસ ફરિયાદ માત્ર કાગળ પર દાખલ કરવામાં આવી છે પરંતુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. આ બેઠકમાં શિક્ષિત વર્ગ, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, નિવૃત્ત અને કાર્યરત સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીરમાં અનુસુચિત જાતિ અધિકાર આંદોલન રાજકોટના માવજીભાઈ રાખશીયા (મો.૯૮૨૫૪ ૯૫૬૯૭), હમીરભાઈ પરમાર, હિંમતભાઈ મિયાત્રા, રમેશભાઈ ડૈયા, જલ્પેશભાઇ વાઘેલા અને બાબુભાઈ નજરે પડે છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(3:10 PM IST)










