તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
ગુજરાતના ૧૮ ખેલાડીઓને યોગાનો પ્રતિષ્ઠિત રમત પુરસ્કાર એનાયત : રાજકોટના ૩ ખેલાડીઓને સ્થાન

રાજકોટ તા. ૧૭ : સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત રાજય રમત પુરસ્કાર એનાયત સમારોહ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. જેમાં ગુજરાતના ગુજરાતના ૧૮ પ્રતિભાશાળી યોગાસન ખેલાડીઓની રમત પુરસ્કારો માટે પસંદગી થવા બદલ ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. જેમાં રાજકોટના ૩ ખેલાડીઓએ પણ સ્થાન મેળવ્યુ હતુ.
આ ખેલાડીઓની પસંદગી જયદીપસિંહ બારિયા એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને એકલવ્ય એવોર્ડ માટે કરવામાં આવી હતી. જયદીપસિંહ બારિયા એવોર્ડ - સિનિયર વિભાગમાં અંકિત ગમઢા, કોમલ મકવાણા તેમજ જયદીપસિંહ બારિયા એવોર્ડ - જુનિયર વિભાગમાં કાદમ્બરી ઉપાધ્યાયની આ એવોર્ડ માટે પસંદગી થઇ હતી.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા તમામ એવોર્ડ વિજેતા ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનો, કોચ, જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન અને તેમની સફળતામાં યોગદાન આપનાર તમામ વ્યક્તિઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
યોગાસનના ખેલાડીઓને મળતું આ પ્રતિષ્ઠિત સન્માન ગુજરાતના સમગ્ર યોગાસન પરિવાર માટે ગૌરવની બાબત છે.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ ઉદિતભાઈ શેઠ તથા સચિવ ઉમંગ ડોને તમામ એવોર્ડ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે ગુજરાતના સમગ્ર યોગાસન પરિવાર માટે આ ગૌરવની ક્ષણ છે. આપણા ખેલાડીઓની મહેનત, શિસ્ત, સમર્પણ અને રમતગમતની શ્રેષ્ઠતાને મળેલી આ માન્યતા અત્યંત પ્રેરણાદાયી છે.
રાજકોટ યોગાસન સ્પોર્ટસ એસોસીએશનના પ્રેસીડેન્ટ પિયુષકુમાર જાડેજા (મો.૯૯૨૪૧ ૩૩૭૩૭)એ તમામ અવોર્ડ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એવોર્ડ વિજેતા ખેલાડીઓ અંકિત ગમઢા અને કોમલ મકવાણા સાથે દીપકભાઇ તળાવીયા, હાર્દીકભાઇ કાનાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:14 PM IST)










