તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
રાજકોટમાં વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો ઈંધણ નહીં મળે: માથાકૂટ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : જાહેરનામું
રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક આદેશ અપાયો કે નંબર પ્લેટ વિનાના કોઈપણ ટુ-વ્હીલર કે ફોર વ્હીલર વાહનોને ઈંધણ ન આપવું.

રાજકોટ : શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા અને ગુનાખોરી ડામવા માટે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનોમાં નંબર પ્લેટ ન રાખતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. આ નવા જાહેરનામાથી શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બની છે.
રાજકોટ પોલીસ કમિશનરના નવા જાહેરનામા અનુસાર, હવેથી જો કોઈપણ વાહનમાં નંબર પ્લેટ નહીં હોય, તો તેવા વાહનચાલકને પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં. રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક આદેશ આપવામાં આવ્યો છે કે, નંબર પ્લેટ વિનાના કોઈપણ ટુ-વ્હીલર કે ફોર વ્હીલર વાહનોને ઈંધણ ન આપવું. આ કડક પગલાંનો મુખ્ય હેતુ ગુનાખોરીમાં વપરાતા નંબર પ્લેટ વગરના વાહનો પર લગામ કસવાનો છે.
આ મહત્વપૂર્ણ જાહેરનામું આજથી એટલે કે 17 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યું છે અને તે આગામી બે મહિના સુધી, એટલે કે 16 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઘણીવાર અસામાજિક તત્વો ગુનો આચર્યા બાદ પોલીસથી બચવા માટે નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આ નિર્ણયથી આવા તત્વોને પેટ્રોલ પંપ પરથી જ અટકાવી શકાશે અને શહેરની એકંદર સુરક્ષામાં વધારો થશે.
પોલીસ કમિશનરે પેટ્રોલ પંપ સંચાલકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. જો કોઈ વાહનચાલક નંબર પ્લેટ ન હોવા છતાં ઈંધણ માંગે અને પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે માથાકૂટ કે ઘર્ષણ કરે, તો સંચાલકો તાત્કાલિક પોલીસને જાણ કરી શકશે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા તે વાહનચાલક સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસનો આ નવતર પ્રયોગ ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં અને અકસ્માત કે ગુના સમયે વાહનની ઓળખ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનોમાં RTO માન્ય નંબર પ્લેટ અચૂક લગાવે અને પોલીસના આ સુરક્ષાલક્ષી અભિયાનમાં સહકાર આપે.
(9:46 PM IST)










