<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

રાજકોટમાં એનાલોગ પનીર- બટરનું ઉત્‍પાદન કરતા ૮ યુનિટોના પરવાના રદ્‌: કુવાડવામાં આધારકાર્ડ સેવા

ફરિયાદ-સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો ઉખળ્‍યાઃ ભેળસેળિયાઓ સામે ઝુંબેશ વધારવા આદેશો

રાજકોટ, તા.૧૮: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા ક્‍લેક્‍ટર ડો. ઓમપ્રકાશની અધ્‍યક્ષતા અને જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખે કુવાડવામાં આધારકાર્ડની સેવા, સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં ભળેલા પાંચ ગામોમાં પિનકોડ નંબરના થતા પ્રશ્નો, રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં હાઈવે પરની હોટલો અને રેસ્‍ટોરાંમાં ફૂડ ચેકીંગ, ભીચરી માતાજી મંદિરને પ્રવાસન ધામમાં સમાવવા વગેરે પ્રશ્ન રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, કુવાડવામાં આધારકાર્ડની સેવા સપ્તાહમાં ચાલુ થઈ જશે. સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી રાજકોટમાં ભળેલા ગામોના પિનકોડ બાબતે પોસ્‍ટ દ્વારા હાયર ઓથોરિટીને પત્ર લખવામાં આવ્‍યો છે. રાજકોટ ગ્રામ્‍યમાં ૩ માસમાં હવાઈ પરની ૨૦ પેઢીમાં તપાસ કરી, ૨૯ નમૂના લેવાયા છે. જેમાં પાંચ નબળી ગુણવત્તાના હતા. જેની સામે કાયદાકીય પ્રક્રિયા ચાલે છે.

ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ ઉપસ્‍થિત રહીને કોરાટ ચોકથી અમદાવાદ હાઈવેના નિર્માણ, શાપર ગામના બ્રિજ તેમજ એનેલોગ ચીઝ, બટર, પનીરની ફેક્‍ટરીઓમાં તપાસ, પીપરીયા-ભરૂડી રોડના નિર્માણ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, પીપરીયા-ભરૂડી રોડનું ટેન્‍ડર કરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્‍યો છે.

રાજકોટમાં એનેલોગ પનીર, બટરનું ઉત્‍પાદન કરતા આઠ યુનિટના પરવાના રદ કરવામાં આવ્‍યા છે અને તપાસ કરીને ૫૫૦ કિલો જથ્‍થો નાશ કરાયો છે. ઉપરાંત તહેવારોમાં સ્‍પેશિયલ ચેકીંગ ડ્રાઇવ કરાઇ છે. છેલ્લા એક વર્ષમાં મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા ૪૧૫ નમૂના લઈ તપાસ કરાઈ છે. જેમાં ૩૧ નમૂના ફેલ થતાં કાર્યવાહી કરાઈ છે, મસાલામાં ભેળસેળવાળો ૧.૯૬ લાખ કિલો અખાદ્ય જથ્‍થો સીઝ કરાયો છે. આ તકે જિલ્લા ક્‍લેક્‍ટરે ભેળસેળિયાઓ સામે કડક પગલાં લઈ ચેકીંગ ઝુંબેશ વધારવા અને મહત્તમ પેનલ્‍ટી કરવા સૂચના આપી હતી.

ધારાસભ્‍યશ્રી ડો. દર્શિતાબહેન શાહે ઉપસ્‍થિત રહીને હિરાસર એરપોર્ટના ફ્‌લાયઓવર બ્રિજની કામગીરી, રાજકોટ-બામણબોર હાઇવે, સિવિલ હોસ્‍પિટલના નવીનીકરણ, માધાપર ચોકડી અંડરબ્રિજની કામગીરી, બેડીપરા પાસે બ્રિજની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જેના જવાબમાં જણાવાયું હતું કે, હિરાસર એરપોર્ટ ફ્‌લાયઓવર બ્રિજ તેમજ હાઇવેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

કેબિનેટ મંત્રી તથા જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયા તરફથી જસદણ-વિંછિયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિવિધ માળખાકીય સુવિધા, નાગરિકોને પ્‍લોટ સહિતની બાબતોના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા.

(3:39 PM IST)