તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
કન્ઝયુમર રેટને ‘બ્રેક': હવે બજાર ભાવે ડીઝલ ખરીદશે મનપાઃ મહિને રૂા.૪૦ લાખની બચત
રૂા.૧૩૫.૩૬ના બદલે ડિસ્કાઉન્ટ બાદ રૂા.૯૬.૯૭ પ્રતિ લિટરે ડીઝલ મળશેઃ રોજના આશરે ૩૫૦૦ લિટરની ખપત સામે તિજોરીને રૂા. ૧.૩૪ લાખનો દૈનિક ફાયદોઃ ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ સાથે જોડવા રૂા. ૨.૭૬ કરોડ કોઠારિયા વિસ્તારમાં સ્ટોર્ષ વોટર લાઇન નાંખવા, લોક વિજ્ઞાન કેન્દ્ર કેમ્પર્સમાં ઓડિટોરીયમનું નવિનીકરણ સહિતના વિકાસ કામોનો થશે નિર્ણય

રાજકોટ, તા. ૧૮: રાજકોટ મહાનગરપાલિકાને ડીઝલની ખરીદીમાં હવે મોટી આર્થિક બચત થવાનો માર્ગ મોકળો થયો છે. અત્યાર સુધી સરકારના આદેશ મુજબ કન્ઝ્યુમર રેટથી પ્રતિ લિટર રૂ. ૧૩૫.૩૬ના ભાવે ડીઝલ ખરીદતી મહાનગરપાલિકા હવે રિટેલ બજાર ભાવે ડીઝલ ખરીદશે. તેમાં પણ પ્રતિ લિટર ૭૨ પૈસાનું ડિસ્કાઉન્ટ મળતાં મનપાને દરરોજ આશરે રૂ. ૧.૩૪ લાખ અને મહિને રૂ. ૪૦ લાખથી વધુની બચત થવાનો અંદાજ છે. આ અંગેનો નિર્ણય આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં આઈઓસીએલ પાસેથી કન્ઝ્યુમર રેટ મુજબ પ્રતિ લિટર રૂ. ૧૩૫.૩૬ના ભાવે ડીઝલ ખરીદવામાં આવે છે. તેની સામે ડીઝલનો રિટેલ બજાર ભાવ પ્રતિ લિટર રૂ. ૯૭.૬૯ છે. આમ, કન્ઝ્યુમર અને રિટેલ રેટ વચ્ચે પ્રતિ લિટર રૂ. ૩૭.૬૭ જેટલો મોટો તફાવત રહે છે. મનપામાં દરરોજ અંદાજે ૩૫૦૦ લિટર ડીઝલની ખપત થતી હોવાથી આ ભાવતફાવતના કારણે તિજોરી પર દરરોજ રૂ. ૧.૩૪ લાખથી વધુનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
મેયર તરીકે સત્તારૂઢ થયાના દિવસે જ ડો. નેહલ શુક્લએ મહાનગરપાલિકામાં વપરાતા ઈંધણના ખર્ચમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો કરવાના સંકલ્પ સાથે કામગીરી કરવાની વાત કરી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં કન્ઝ્યુમર રેટને બદલે બજાર ભાવે ડીઝલ ખરીદવા માટે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત પણ પસાર કરવામાં આવી હતી.
તાજેતરમાં આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે રિટેલ રેટથી ડીઝલ ખરીદીનો કોન્ટ્રાક્ટ આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
દરખાસ્ત મુજબ શિવાય ફયુઅલ એજન્સી પાસેથી રિટેલ રેટથી ડીઝલ ખરીદવામાં આવશે અને એજન્સી દ્વારા પ્રતિ લિટર ૭૨ પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પરિણામે હાલ રૂ. ૧૩૫.૩૬ પ્રતિ લિટરે ખરીદાતું ડીઝલ મનપાને અંદાજે રૂ. ૯૬.૯૭ પ્રતિ લિટરના ભાવે મળશે.
મનપામાં પ્રતિદિન આશરે ૩૫૦૦ લિટર ડીઝલનો વપરાશ ગણવામાં આવે તો નવી વ્યવસ્થાથી રોજના અંદાજે રૂ. ૧.૩૪ લાખ અને મહિને રૂ. ૪૦ લાખથી વધુની બચત થશે. બીજી તરફ પ્રક્રિયા અને પત્રવ્યવહારમાં આશરે અઢી મહિનાનો સમય પસાર થતાં આ સમયગાળા દરમિયાન મનપાની તિજોરી પર અંદાજે રૂ. એક કરોડ જેટલો વધારાનો બોજ પડયો હોવાનું પણ સામે આવ્યું છે.
સ્ટેન્ડિંગમાં કરોડોના
કામોની દરખાસ્ત
આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડીઝલ ખરીદી સહિત કુલ ૧૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. તેમાં રેસકોર્સ સંકુલ સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્રના કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમના નવીનીકરણ માટે રૂ. ૧.૨૪ કરોડના ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.આ ઉપરાંત વોર્ડ નં. ૫માં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે રૂ. ૨૫.૪૪ લાખનો કોન્ટ્રાક્ટ, વોર્ડ નં. ૧૮માં ઓમ રેસિડેન્સીથી કોઠારિયા મેઈન રોડ સુધી સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવા રૂ. ૨.૮૧ કરોડ તથા સેન્ટ્રલ ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં બગીચા, સિનિયર સિટીઝન પાર્ક અને બાળ ક્રીડાંગણની એક વર્ષ સુધી જાળવણી માટે રૂ. ૧.૩૦ કરોડના ખર્ચની દરખાસ્તો પણ વિચારણા હેઠળ રહેશે.
ફાયર સેવાઓને ડાયલ-૧૧૨ સાથે જોડવાની તૈયારી
મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને ડાયલ-૧૧૨ સાથે ઇન્ટિગ્રેટેડ સેવા તરીકે જોડવાની મહત્ત્વપૂર્ણ દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવશે. આ કામગીરી માટે આર્યા ઓમનીટોક વાયરલેસ કોમ્યુનિકેશન પ્રા. લિ.ની એજન્સી તરીકે નિયુક્તિ કરી રૂ. ૨.૭૬ કરોડના ખર્ચને મંજૂરી આપવા નિર્ણય લેવાશે.
સાથે જ ડ્રેનેજ વોટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સેલ હસ્તકના પોપટપરા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓગમેન્ટેશન સહિત બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા રૂ. ૨.૭૬ કરોડના ખર્ચની દરખાસ્ત સહિત વિવિધ વિકાસકામો અને સેવાઓને લગતી કુલ ૧૫ દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય માટે મુકવામાં આવશે
(3:39 PM IST)










