તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
કરણપરાના વૃધ્ધને પગની સારવાર માટે દાખલ કરાયા તો વેન્ટીલેટર પર રાખી ફોટા પાડયા!
વૃધ્ધા જયશ્રીબેન શીંગાળાની પોલીસ કમિશનરને ખાનગી હોસ્પિટલના કારસ્તાન અંગે વિસ્તૃત લેખિત ફરિયાદઃ સ્ટાફ અને ડોક્ટરને વૃધ્ધાએ તતડાવ્યાઃ ન્યાયની માંગણી કરી

રાજકોટ તા. ૧૮: શહેરના કરણપરા-૧૨માં રાજહંસ એપાર્ટમેનટ ખાતે બીજા માળે રહેતાં સિનીયર સિટીઝન જયશ્રીબેન ગુણવંતભાઇ શીંગાળા (ઉ.વ.૬૫)એ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ અરજી કરી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો કઇ રીતે દુરૂપયોગ કરી કઇ રીતે દર્દી સાથે ચેડા કરવામાં આવે છે તેની ચોંકાવનારી ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે.
જયશ્રીબેને પોતાની લેખિત ફરિયાદ (જે પોલીસ કમિશનર કચેરી ખાતે તા. ૧૭/૮/૨૬ના કલાક-૧:૧૯ વાગ્યે રીસીવ થઇ છે) તેમાં જણાવ્યું છે કે મારા પતિ ગુણવંતરાય શીંગાળા જેમની ઉમર ૭૫ વર્ષ છે તેઓ સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતાં હોઇ ૧૨-૧૩ દિવસ પહેલા સાધુ વાસવાણી રોડ પર નાઇટ ડયુટીમાં હતાં ત્યારે મોટુ બીલ્ડીંગ બનતું હોઇ ત્યાં પડી જતાં પગમાં સળીયો લાગી ગયો હતો. આ કારણે તેમને ઇજા થતાં અમે ગુંદાવાડી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં સારવાર કરાવી હતી. એ પછી એઇમ્સમાં પણ બતાવ્યું હતું. પણ પગમાં ઇજા હોઇ ઓપરેશન કરવું પડે તેમ હતું. ત્યાં ફ્રી સારવાર માટે આયુષ્યમાન કાર્ડ પણ અમે તત્કાલ કઢાવ્યું હતું.
એ પછી અમે આયુષ્યમાન હોસ્પિટલમાં મારા પતિને દાખલ કર્યા હતાં. જ્યાં શનિ, રવિ પછી સોમવારે હું મારા પતિને આઇસીયુમાં શેઇક આપવા ગઇ ત્યારે પતિએ કહેલું કે આ લોકોએ મને વેન્ટીલેટર પર રાખી મારા ફોટા પાડયા છે. જેથી મેં સ્ટાફના એક ભાઇને પુછતાં તેણે કહેલું કે ગાંધીનગર ફોટા મોકલવા પડે છે એટલે પાડયા છે. જેથી મેં કહ્યું કે અમને પુછ્યા વગર દર્દીને વેન્ટીલેટર ઉપર શું કામ રાખ્યા? ફોટા શું કામ પાડયા? જેથી ત્યાં હાજર વ્યક્તિએ અમારી સાથે નહિ સાહેબ સાથે વાત કરજો તેમ કહી દીધુ હતું. ત્યારબાદ ડોક્ટર આવતાં અમે તેને પણ પુછ્યું હતું કે શા માટે અમારી જાણ બહાર દર્દીને વેન્ટીલેટર પર રાખી ફોટા પાડયા? આવુ કરવામાં દર્દીનું હાર્ટ બેસી જાય તો? મેં ડોકટરને એવુ પણ કહેલું કે ખોટુ અને મોટુ બીલ બનાવવા તમે આવુ ખોટુ કરો છો? ત્યારે ડોક્ટર ઉશ્કેરાઇ ગયા હતાં અને કડકાઇ ભર્યા અવાજે મારી સાથે ગેરવર્તન કર્યુ હતું.
વૃધ્ધા જયશ્રીબેને આગળ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા દર્દીને હાર્ટમાં કોઇ પ્રોબ્લેમ નથી, બી.પી.ની કોઇ તકલીફ નથી તો તેની સારવારની જરૂર નથી, માત્ર પગમાં ઇજા છે તેની જ સારવાર કરજો તેવુ પણ અમે તબિબને કહ્યું હતુ. આ મામલે પોલીસ કાર્યવાહી કરે અને યોગ્ય ન્યાય અપાવે તેવી મારી માંગણી છે.
(3:33 PM IST)










