તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
બે વેપારી યાકીબ અને અરબાઝ પિસ્તોલ-કાર્ટીઝ સાથે ઝડપાયાઃ સાવરકુંડલાના અકીલનું નામ ખુલ્યું
બાલભવન-રેસકોર્ષ પાસે પીસીબીની ટીમની કાર્યવાહીઃ નહેરૂનગર અને હાથીખાના શખ્સ ઝડપાયા પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઅઇા આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયાની ટીમે યાકીબને પકડયા બાદ અરબાઝ ઉર્ફે ફિરોઝ અને અકીલના નામ ખુલ્યાઃ અરબાઝને પણ ઝડપી લેવાયો મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાની બાતમીથી કામગીરી

રાજકોટ તા. ૧૯: શહેરમાં ગેરકાયદે હથીયારો લઇને ફરતાં શખ્સોને શોધી કાઢવા ટીમો કામે લાગી છે. ડીસીબીની ટીમે ચાર હથીયાર સાથે એક શખ્સને પકડયા બાદ પીસીબીની ટીમે બે દેશી પિસ્તોલ, જીવતા કાર્ટીસ સાથે બે વેપારીને દબોચ્યા છે. બાલભવન પાસેથી રૈયા રોડ નહેરૂનગરના શખ્સને પિસ્તોલ, કાર્ટીસ સાથે હાથીખાના અને સાવરકુંડલાના બે શખ્સના નામ ખુલ્યા હતાં. જેમાંથી હાથીખાનાના શખ્સને પણ રેસકોર્ષમાંથી પિસ્તોલ-કાર્ટીસ સાથે દબોચી સાવરકુંડલાના શખ્સની શોધખોળ યથાવત રાખી છે.
શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોની જાનમાલનું રક્ષણ થાય તે માટે મિલ્કત સંબંધી ગુના અટકાવવા સુચના મળી હોઇ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઆઇ ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. હરદેવસિંહ રાણાને બાતમી મળતાં બાલભવન ગેઇટ પાસેથી યાકીબ સિકંદરભાઇ મામટી (ઉ.વ.૩૭-રહે. નહેરૂનગર મેઇન રોડ, ફલોર મીલની બાજુમાં રૈયા રોડ)ને દેશી બનાવટની પિસ્તોલ રૂા. ૨૫ હજારની અને રૂા. ૯૦૦ના ૯ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
યાકીબ લાખાજીરાજ રોડ પર રેડીમેઇડ લેડીઝ ડ્રેસીઝની દુકાન ચલાવે છે. તેને જુના મિત્ર સાથે તકરાર ચાલતી હોઇ મિત્ર તેના સ્ટેટસમાં ડાયલોગ મુકતો હોઇ તેના કારણે ડર લાગતાં આ હથીયાર હાથીખાના મેઇન રોડ ચિરાગ પાન સામે આર્ય સમાજ રોડ પર રહેતાં મિત્ર અરબાઝ ઉર્ફ ફિરોઝ મારફત સાવરકુંડલાના અકીલ સૈયદ પાસેથી લીધાનું કબુલ્યું હતું. આથી પીસીબી ટીમે હાથીખાનાના અરબાઝની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન તે રેસકોર્ષ અંદર જ હોવાની બાતમી મહિપાલસિંહ, ઘનુભા, હરદેવસિંહને મળતાં અરબાઝ ઉર્ફે ફિરોઝ અમીનભાઇ કાઝી (ઉ.વ.૨૮)ને પણ પકડી લઇ તેની પાસેથી ૨૫ હજારની પિસ્તોલ અને ૨૦૦ના બે જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતાં. અરબાઝને પણ લાખાજીરાજ રોડ પર કપડાની દુકાન છે.
આ બંનેને હથીયારો સાવરકુંડલાના અકીલ વલીભાઇ સૈયદે આપ્યાનું ખુલતાં અકીલની શોધખોળ થઇ રહી છે. પોલીસના કહેવા મુજબ અરબાઝ અગાઉ ડીસીબી, કુવાડવા પોલીસમાં અલગ અલગ બે ગુનામાં અને અકીલ સાવરકુંડલામાં મારામારી, હત્યા, પ્રીઝન એક્ટના ત્રણ ગુનામાં સંડોવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત આ કામગીરી પસીબી પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજાની ટીમોના એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, અનીલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, તથા પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજાએ કરી છે.
(11:56 AM IST)










