News of Wednesday, 19th August 2026
નવનાત વણિક સમાજ દ્વારા ૩૦મીએ પંચામૃત કાર્યક્રમ
સવારે એન્યુઅલ જનરલ મીટીંગ : બપોર બાદ વણિક પુત્રવધુ એવોર્ડ, વણિક માતૃત્વ એવોર્ડ, જીવદયા રત્ન એવોર્ડ વિતરણ સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૯ : નવનાત વણિક સમાજ રાજકોટ દ્વારા આગામી તા.૩૦ ના એક જ દિવસે પાંચ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સંગઠનને ૧૦-૮-૨૦૨૬ના રોજ ૩૨ મહિનામાં નિઃશુલ્ક સદસ્ય ૧૮૦૦૦૦ દેશ વિદેશમાં સ્થાપિત થયા અને ત્યારથી લઇ ૧૦-૧૨-૨૦૨૬ સુધી ચાર મહિનામાં વિવિધ કાર્યક્રમોની હારમાળા સર્જી દેવા ઉત્સવ શરૂ થયો છે.
જેના ભાગરૂપે તા. ૩૦ ના સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી માલવીયા વાડી, ગોંડલ રોડ ખાતે પાંચ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
પ્રથમ કાર્યક્રમ તા. ૩૦ ના સવારે ૯ થી ૧ એન્યુઅલ જનરલ મીટીંગ યોજાશે. જેમાં નવા પ્રોજેકટ વિષે ચર્ચા વિચારણા અને જવાબદારીની વહેંચણી કરાશે. બપોરે ભોજન વ્યવસ્થા છે. બીજો કાર્યક્રમ બપોર બાદ સાંજે ૪ થી ૪.૩૦ સુધી વણિક પુત્રવધુ એવોર્ડનો રાખેલ છે. જે પુત્ર વધુ પ વર્ષથી સાસુ સસરા અને સંયુકત પરિવારમાં રહેતા હોય તેઓને એવોર્ડ આપી સન્માનિત કરાશે.
ત્રીજો કાર્યક્રમ વણિક માતૃત્વ એવોર્ડનો છે. જેમાં જે માતા પરિવાર સાથે બાળકોને સારા સંસ્કાર આપી રહી હોય અને જેમના સંતાનો ૧૦ વર્ષથી લઇ ૨૭ વર્ષ સુધીના હોય અને અપરણિત હોય તેવી માતાને આ એવોર્ડ અપાશે. ચોથો કાર્યક્રમ જીવદયા રત્ન એવોર્ડનો છે.
જેમાં દાતાઓ અને સમાજના સહયોગથી તૈયાર કરાયેલ ડ્રાયફ્રુટ કીડીયારૂ જે વ્યક્તિએ ૧૦૮ કિલો પૂર્યુ હશે તેને આ એવોર્ડ અપાશે. ઉલ્લેખનીય છે કે નવનાત વણિક સમાજ દ્વારા જીવદયાના ભાગરૂપે ડ્રાયફ્રુટ કીડીયારૂ તૈયાર કરવામાં આવે છે.
ચાર મહીનામાં આશરે ૧૧ હજાર કિલો ડ્રાયફ્રુટ કિડીયારૂ બનાવીને હજારો જીવો સુધી પહોંચાડવા સંકલ્પ કરાયો છે. દાતાઓના સહયોગથી તૈયાર થતુ આ કીડીયારૂ રૂ.૨૫૦ નું કિલો લેખે આપવામાં આવે છે. જે લોકો આ પૂણ્યકાર્યમાં નિમિત બની ૧૦૮ કિલો કીડીયારૂ પુરશે તેમને આ એવોર્ડ મળવા પાત્ર છે.
છેલ્લો પાંચમો કાર્યક્રમ ફિલ્મ કલાકારો અને હાસ્ય કલાકારો સાને મનોરંજન માણવાનો ગોઠવાયો છે. બાદમાં ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે.
સભ્યો માટે જ યોજવામાં આવેલ આ કાર્યક્રમની એજીએમ ટોકન ફી રૂ.૪૫૦ પ્રતિ વ્યક્તિ રાખેલ છે. ફકત સંસ્થાના કમીટીના સભ્યો જ લાભ લઇ શકશે. એનએનવીએસ કલબ ટોકન ચાર્જ રૂ.૧૨૦ રાખેલ છે. વધુ માહિતી માટે ઇન્સ્ટોલેશન ઇન્ચાર્જ પ્રશાંતભાઇ શાહ (મો.૯૮૯૮૭ ૫૨૭૬૦)નો સંપર્ક કરી શકાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રશાંત શાહ, યોગેશ બાવીશી, મયુરભાઇ શાહ, જસ્મીનભાઇ દેસાઇ, સ્વીટીબેન મહેતા, કેતનભાઇ દોશી, ફલકભાઇ અજમેરા, નમ્રતાબેન શાહ, નરેન્દ્રભાઇ સોરઠીયા, રાકેશભાઇ ડેલીવાળા, ઉત્સવબેન મહેતા, રીપલભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:32 PM IST)










