તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
મેળાની તડામાર તૈયારીઓ શરૂઃ ૪૯ વોચ ટાવર, ૧ર૦૦ જવાનો તૈનાત રહેશે
તા.ર સપ્ટેમ્બર બુધવારે લોકમેળો ખુલ્લો મુકાશેઃ શુક્ર, શનિ, રવિ પુષ્કળ જનમેદની ઉમટી પડશેઃ કલેકટર તંત્ર દ્વારા મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ : વીજ પુરવઠા માટે ૯૦ કિલોવોટના ૧૭.પ૦ કિલોવોટનું ૧ કનેકશન મેળવાશે, રર જેટલા ટ્રાન્સફોર્મર મુકાશેઃ પોલીસ હેડકવાટર ખાતે પીજીવીસીએલના કન્ટ્રોલરૂમમાં ૧૦૦ જેટલો સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે : લોકો માટે ૧૭ સ્થળોએ ફ્રિ પાર્કીંગ સુવીધાઃ દરરોજ સાંજે ૪ થી ૭ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, ગીતાબેન રબારી, રાજભા ગઢવી તથા અમદાવાદનું અઘોરી ગ્રુપ ધૂમ મચાવશે

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે સ્ટોલ બંધાવા લાગ્યા છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મેળો યોજવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
મેળાના પ્રથમ દિવસે એટલે કે ૨ સપ્ટેમ્બરના રોજ સવારે ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે.સંભવિતપણે મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે રિબન કાપીને લોકમેળાને વિધિવત ખુલ્લો મુકાશે. ઉદ્ધાટન પ્રસંગે સ્થાનિક સાંસદો, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પાંચ દિવસ યોજાનારા આ મેળામાં ૧૫ લાખ લોકો ઉમટે તેવી શકયતા છે તેમાં પણ ખાસ કરી આઠમને શુક્રવાર અને વિકેન્ડમાં સૌથી વધુ ક્રાઉડની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાને લઇ રાજકોટ કલેકટર તંત્ર અને પોલીસ તંત્રના સયુંકત ઉપક્રમે લોકમેળા કુલ ૨૬ સહિત ૪૯ વોચ ટાવર ઉભા કરવામા આવશે. જેના પરથી સમગ્ર મેળા પર બાજ નજર રાખવામાં આવશે. જેમાં ૧૮ વોચ ટાવર પર પોલીસ તંત્રનો સ્ટાફ જયારે મેળાની સેન્સેટિવ જગ્યા પર અન્ય પાંચ વોચ ટાવરમાં એસડીઆરએફ, એનડીઆરએફ, હેલ્થ, ફાયરના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની સૂચના મળે તો ઝડપથી તે જગ્યાએ ટીમ પહોંચી જશે.ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈનો ઉપયોગ કરાશે. ડિઝાસ્ટર પોઇન્ટથી વાત કરીએ તો ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં જે જગ્યાએ સૌથી વધુ ક્રાઉડ એકઠું થાય છે તેવી પાંચ જગ્યાએ વોચ ટાવર ઊભા કરવામાં આવશે. તે ઉપરાંત કોઇ ઘટના બનેતો તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને બાઇક એમ્બ્યુલન્સ માટે બે કોરીડોર ખાસ તૈયાર કરાશે.
મેળાની સુરક્ષાને લઇ ૧૨૦૦ પોલીસ જવાનનો સ્ટાફ તેમજ ૧૦૦ જેટલા ખાનગી સિકયુરિટીનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે.આ ઉપરાંત મેળામાં કલેકટર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનર તેમજ જીઇબીનો અલગથી કન્ટ્રોલ રૂમ રાખવામાં આવશે.
સમગ્ર મેળામાં ૯૦ કિલોવોલ્ટના ૧૭ કનેકશન અને પ૦ કિલોવોલ્ટનું એક કનેકશન રાખી વીજ સપ્લાય પુરી પાડવામાં આવશે.મેળામાં આકસ્મિક લાઈટ ગુલ થવાના પ્રશ્નો કે કોઈ ઇમરજન્સી ઘટના બને તો પોલીસ હેડક્વાર્ટર ગેટ પાસે પીજીવીસીએલનો કંટ્રોલરૂમ તૈનાત રાખવામાં આવશે જેમાં એચટીટુ ડિવિઝન, બેડીનાકા અને અન્ય સબડિવિઝનમાંથી કુલ ૧૦૦થી વધુ કર્મીઓ તૈનાત રાખવામાં આવશે.
આ સાથે જ મેળાના પ્લાનિંગ માટે ડેડીકેટેડ ઇવેલ્યુશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકમેળામાં તૈનાત તમામ મુખ્ય અધિકારીઓને વોકીટોકી આપવામાં આવશે. જેથી એકબીજા સાથે ઝડપથી કોમ્યુનિકેશન થઈ શકે. આ ઉપરાંત ૧૭ જગ્યાએ ર્પાકિંગની ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકમેળામાં અઘોરી ગ્રુપ, રાજ ગઢવી, ગીતાબેન સહિતના કલાકારો મનોરંજન પીરસશે. આ દરમિયાન અનેક નામાંકિત કલાકારોના કાર્યક્રમો યોજાશે. જેમાં ડ્રામા, ફોક ડાન્સ, ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિકલ ઇવેન્ટ યોજાશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉભરતા ગાયક કલાકારો છે તેઓને લોકમેળામાં પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ મળે તેવો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમ્યાન આ કલાકારો પોતાની કલા લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.
લોકમેળામાં ૨૨૮ સ્ટોલ પૈકી રમકડાંના ૧૦૦ સ્ટોલ, ખાણીપીણીના ૪૦ સ્ટોલ તેમજ અન્ય સામાજિક સંસ્થાના સ્ટોલ સિવાય મોટી ૩૪ યાંત્રિક રાઇડ્સ અને નાની ચકરડી આકર્ષણનું કેન્દ્ર બનશે.
લોકમેળામાં સુરક્ષા અને જાહેર સલામતી માટે ‘રાઉન્ડ ધ ક્લોક' નિગરાનીની વ્યવસ્થા કરવામાં માટે કલકેટર દ્વારા કુલ ૧૦૦ જેટલા કર્મીઓની નિમણુંક કરવામાં આવશે. તેમના દ્વારા દ્વારા ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
સૌરાષ્ટ્રમાંથી અંદાજે ૧૫ લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં ફજત - ફાળકા થોડા જ દિવસોમાં સજ્જ થઈ જશે.
(2:36 PM IST)










