તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
૧૧૨ : નંબર એક, ઇમરજન્સી સેવા અનેક મનપાની ફાયર-ઇમરજન્સી સેવા એકિકૃત કરવા
૧૧૨ સાથે જોડી દેવાશેઃ રૂા.૭.૯૯ કરોડનો ખર્ચ મંજુરએક જ નંબર પરથી પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ બનશેઃ GPS લોકેશન ટ્રેકિંગથી નજીકના ઇમરજન્સી વાહનને તુરંત મળશે કોલ : ૨૪ કલાક, ૩૬૫ દિવસ ઝડપી મદદનો હેતુ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કેન્દ્ર અને રાજ્ય સરકારની એકીકળત ડાયલ-૧૧૨ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) સાથે જોડવા અંગેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ વ્યવસ્થા અમલી બન્યા બાદ શહેરના નાગરિકોને આગ, અકસ્માત કે અન્ય આપત્તિ સમયે અલગ-અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાના બદલે એક જ ૧૧૨ નંબર પરથી તાત્કાલિક મદદ મેળવવાની સુવિધા મળશે.
ડાયલ-૧૧૨ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા તથા આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવા શરૂ કરવામાં આવેલી એકીકળત ઇમરજન્સી હેલ્પલાઇન સેવા છે. આ સિસ્ટમ હેઠળ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ સાથે સાંકળવામાં આવે છે.
ડાયલ-૧૧૨ની મહત્વની વિશેષતા GPS અને લોકેશન ટ્રેકિંગ છે. મદદ માંગનાર વ્યક્તિ અથવા ઘટનાસ્થળનું ચોક્કસ લોકેશન ટેકનોલોજીની મદદથી મેળવી શકાશે. સેન્ટ્રલાઇઝ્ડ કમાન્ડ સેન્ટર દ્વારા ઘટનાસ્થળની સૌથી નજીક ઉપલબ્ધ ઇમરજન્સી વાહનને લોકેશન ટ્રાન્સફર કરીને રવાના કરી શકાશે. પરિણામે ઇમરજન્સી સમયે પ્રતિસાદનો સમય ઘટાડીને શકય તેટલી ઝડપથી મદદ પહોંચાડવાનો હેતુ છે.
ઇમરજન્સી વાહનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવે છે. તેમાં 4G AIS-140 GPS ટ્રેકર MDT (મોબાઇલ ડેટા ટર્મિનલ) અને MDVR કેમેરા સિસ્ટમ જેવી સુવિધાઓના માધ્યમથી વાહનોનું લાઇવ સ્ટ્રીમિંગ અને રિયલ ટાઇમ ટ્રેકિંગ કરી શકાય છે.
મોટી આગ, ગંભીર અકસ્માત કે અન્ય મોટી આપત્તિના સમયે પોલીસ, ફાયર અને મેડિકલ ટીમ વચ્ચે ઝડપી સંકલન જરૂરી બનતું હોય છે. ડાયલ-૧૧૨ની એકીકળત વ્યવસ્થાથી અલગ-અલગ વિભાગો એકસાથે અને ઝડપી રીતે કામગીરી કરી શકશે.
આ સેવા વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ઉપલબ્ધ રહે છે. ઉપરાંત અલગ-અલગ ભાષામાં વાતચીત કરીને મદદ મેળવી શકાય તે માટે બહુભાષી સહાયની સુવિધા પણ ઉપલબ્ધ છે.
મહિલા અને નાગરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘112 India' મોબાઇલ એપમાં પેનિક બટન અને SOS જેવી સુવિધા ઉપલબ્ધ છે. જેના મારફતે જરૂરિયાતના સમયે લોકેશન સાથે ઇમરજન્સી એલર્ટ મોકલી શકાય છે.
આમ, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સેવાને ડાયલ-૧૧૨ સાથે સાંકળવાની દરખાસ્ત મંજૂર થતાં ભવિષ્યમાં શહેરમાં આગ, અકસ્માત અને અન્ય આપત્તિ સમયે એક જ નંબર, ઝડપી લોકેશન ટ્રેકિંગ અને વિવિધ ઇમરજન્સી એજન્સીઓના સંકલન સાથે ઝડપી પ્રતિસાદ આપવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.
(3:44 PM IST)










