<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

તમારું પોલીસનું કામ જ સરખુ નથી, વારંવાર ફોન કરું છું કોઇ આવતું નથી!

પાછળના મકાનવાળા વિરૂધ્‍ધ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં ગાડી જતાં અશ્વીન અને પાર્થીવ ગોહેલની પોલીસ કર્મચારીઓની હાજરીમાં ઉગ્ર બોલાચાલી સહકાર સોસાયટીમાં બનાવઃ સમજાવવા વચ્‍ચે પડેલાને પણ તું તારું કામ કર તેમ કહી દીધું: બંને સામે ભક્‍તિનગર પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૯: સહકાર સોસાયટીમાં બે ભાઇઓએ સુલેહશાંતિનો ભંગ થાય એ રીતે પોલીસ સાથે ઉગ્રતાથી વાત કરી માથાકુટ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. મોન્‍ટુભાઇ મકવાણાએ સહકાર સોસાયટી-૮માં રહેતાં અશ્વીન દલપતરાય ગોહેલ અને તેના ભાઇ પાર્થીવ દલપતરાય ગોહેલ વિરૂધ્‍ધ બખેડો કરવાનો ગુનો નોંધ્‍યો છે. મોન્‍ટુભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં અશ્વીન ગોહેલે ફોન કરી જાણ કરી હતી કે પોતાના મકાનની પાછળ આવેલા મકાનવાળા તેની સાથે બોલાચાલી કરે છે. આથી હું તથા હેડકોન્‍સ. જયભાઇ મકવાણા, એએસઆઇ કલ્‍પેશસિંહ ગોહિલ સહિતના ત્‍યાં પહોંચ્‍યા હતાં.

અમે ત્‍યાં પહોંચી ફોન કરનારને બહાર બોલાવી શું થયું છે તે પુછતાં અશ્વીનભાઇ ગોહેલ અને પાર્થીવભાઇ ગોહેલ તથા તેના માતા ચંપાબેન અને અન્‍ય એક મહિલા ઘરની બહાર આવ્‍યા હતાં અને અમે અગાઉ અરજી કરી હતી, તમારુ પોલીસનું કામ સરખુ જ નથી, વારંવાર પોલીસ કન્‍ટ્રોલ રૂમ સહિતની જગ્‍યાએ ફોન કરુ છું કોઇ આવતું નથી. અમે બે વખત પોલીસની ગાડી બોલાવી હતી. તેમ કહી શેરીમાં જ જેમ ફાવે તેમ બોલવા લાગ્‍યા હતાં.

આ દરમિયાન ધર્મેન્‍દ્રભાઇ છગનભાઇ રાદડીયા આવેલા અને અશ્વીનભાઇને સમજાવવા લાગ્‍યા હતાં. ત્‍યારે અશ્વીનભાઇ અને તેના ભાઇ પાર્થભાઇએ ધર્મેન્‍દ્રભાઇને પણ તું તારુ કામ કર તેમ કહી તેની સાથે ઝપાઝપી કરવા માંડયા હતાં. અમે પોલીસે પણ બંને ભાઇઓને સમજાવવા છતાં બંને બેફામ વાણીવિલાસ કરી અમારી સાથે પણ યોગ્‍ય વર્તન કરતાં ન હોઇ અમારી સાથેના બીજા કર્મચારીઓ પણ શાંત પાડવા વચ્‍ચે પડયા હતાં. પરંતુ માથાકુટ કરનારા આ બંને સમજતાં ન હોઇ બીજા સ્‍ટાફને બોલાવતાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ, સુજાતાબેન, મમતાબેન સહિતના આવી ગયા હતાં. આ પછી બંને ભાઇઓને પોલીસે કાબુમાં કરી પોલીસ સ્‍ટેશને લાવી કાર્યવાહી કરી હતી. 

(3:57 PM IST)