<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રાજકોટમાં દેશના બાવીસ રાજ્યોની હસ્તકળાનો મહાકુંભઃ ૮૦થી વધુ કારીગરો સાથે પાંચ દિવસનું વિશાળ પ્રદર્શન

પરંપરા અને આધુનિક જીવનશૈલીનો અનોખો સંગમઃ કારીગરોને રૂબરૂ મળવા, જીવંત હસ્તકલા નિદર્શન નિહાળવા અને સીધી ખરીદીની તક : પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતના પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવાનો, તેમની કુશળતા અને વારસાગત કળાને નવી ઓળખ આપવાનો તથા આ કારીગરોની કળાને શહેરી ગ્રાહકો સુધી સીધી પહોંચાડવાનો છેઃ અનારબેન પટેલ

રાજકોટઃ દેશના વિવિધ પ્રાંતોની પરંપરાગત હસ્તકલા, લોકકળા અને કારીગરીને એક જ સ્થળે નજીકથી માણવાની તક રાજકોટવાસીઓને મળી રહી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભવાનીનગર ખાતે એસ.એન.કે. સ્કૂલની સામે આવેલા કવિ શ્રી અમૃત ઘાયલ હોલમાં આજથી તા. ૧૯ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી પાંચ દિવસીય હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં ભારતના ૨૨ રાજ્યોમાંથી ૮૦થી વધુ કારીગરો ભાગ લઈ રહ્ના છે અને તેઓ પોતાની ૮૦થી વધુ પરંપરાગત હસ્તકળાઓ રજૂ કરશે. મુલાકાતીઓને દેશના જુદા જુદા પ્રદેશોની લોકકળા, પરંપરા અને કારીગરીનો જીવંત પરિચય મળશે. ખાસ કરીને કારીગરોને રૂબરૂ મળવા, તેમની કળા પાછળ રહેલી મહેનત અને પરંપરા જાણવા તથા સ્થળ પર જ જીવંત હસ્તકલા નિદર્શન નિહાળવાની તક મળશે.

પ્રદર્શનમાં ફેશન, આભૂષણ અને અન્ય ઉપયોગી સામગ્રી, ઘર સજાવટ, ઘરગથ્થુ સજાવટી કપડાં, જીવનશૈલી તથા ત્વચા સંભાળ સહિત વિવિધ શ્રેણીમાં હાથથી બનાવાયેલી વિશિષ્ટ અને અનોખી ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે રાખવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં ભારતની પરંપરાગત કળા અને આજની આધુનિક જીવનશૈલી વચ્ચેનો સુંદર સંગમ જાવા મળશે.

આયોજક સંસ્થાના પ્રતિનિધિ શ્રીમતી અનારબેન પટેલે જણાવ્યું હતું કે પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતના પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવાનો, તેમની કુશળતા અને વારસાગત કળાને નવી ઓળખ આપવાનો તથા આ કારીગરોની કળાને શહેરી ગ્રાહકો સુધી સીધી પહોંચાડવાનો છે. સાથે જ ગ્રાહકોને કારીગરોની સર્જનાત્મકતા અને મહેનતને નજીકથી સમજવાની તથા તેમની બનાવેલી વસ્તુઓ સીધી ખરીદવાની તક પૂરી પાડવાનો પણ પ્રયાસ છે.

આ પ્રદર્શન માત્ર ખરીદીનું સ્થળ નહીં, પરંતુ ભારતની વિવિધ પ્રાદેશિક કળા, સંસ્કૃતિ અને કારીગરીનો જીવંત અનુભવ કરાવતો સાંસ્કૃતિક ઉત્સવ બની રહેશે. રાજકોટ ઉપરાંત આસપાસના શહેરોના કલા અને હસ્તકલા પ્રેમીઓને પરિવાર અને મિત્રો સાથે પ્રદર્શનની મુલાકાત લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રદર્શન દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સ્થળ કવિ શ્રી અમૃત ઘાયલ હોલ, ભવાનીનગર, યુનિવર્સિટી રોડ, એસ.એન.કે. સ્કૂલની સામે, રાજકોટ રાખવામાં આવ્યું છે.

 વધુ માહિતી અને સંકલન માટે લીના રાવલ  ૯૮૨૫૬ ૬૫૧૮૩ તથા વિજય જાદવ  ૯૨૭૬૮ ૧૭૨૫૨નો સંપર્ક કરી શકાશે.

(11:18 AM IST)