<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

વંદે માતરમ અને તિરંગા યાત્રા વિવાદઃ દર વર્ષે ફરજીયાતપણે દેશભકિતના બાટલા ચડાવવા પડે??

કોઇ નિષ્‍ઠાવાન દેશભકત વ્‍યકિતનો નિશબ્‍દ દેશપ્રેમ પણ હોય

તાજેતરમાં આપણા ભારતનો કે હિન્‍દુસ્‍તાનનો સ્‍વાતંત્રદિન ધામધુમથી પરિપૂર્ણ થયો. દેશ માટે લાખો અનામી અને ગુમનામ લોકોએ આપેલી કુરબાની અને આવા સાચા અને જવામર્દ લોકોના બાકી બચેલા પરિવારોની વેદના, વ્‍યથા, લાચારી સમય જતા આજે હાંસિયામાં ધકેલાઇ ચુકયા છે. આ કમનસીબી છે જ

હવે સવાલ એ છે કે આવી દેશ માટેની ફનાગીરી ને ભુલાવીને (અલબત પોતાની સગવડતાપૂર્વક) આપણે કયા પ્રકારના અને કેવા સ્‍તરના નાગરિકો ગણાવા જોઇએ? દર વર્ષે એકની એક ‘‘રિવાઇન્‍ડ ટેપ''ની જેમ થોડા ક્રાંતિકારીઓના નામ પુરતા (એક જ દિવસ માટે) લઇને દેશભકત ગણાવાની ફેશન ચાલુ થઇ જાય છે. આકાશવાણી કે એફ.એમ. વાળા એકના એક જુના ગીતો ઠપકારે જાય છે. ટી.વી. ઉપર એ જ જુની ફિલ્‍મોનું ‘‘રીપીટ ટેલીકાસ્‍ટ'' થાય છે.

આવી એક જ પ્રકારની બિબાઢાળ દેશભકિત વચ્‍ચે જરા જુદા એન્‍ગલથી વિચાર કરીએ તો રાજકીય પક્ષોએ આ સ્‍વાતંત્ર પર્વને રાજકીય સર્વોપરિતા સાબીત કરવાનું સાધન માત્ર બનાવી દિધુ છે. ત્‍યારે વર્તમાન માહોૈલમાં વંદે માતરમ અને તિરંગાયાત્રા વિવાદનું કેન્‍દ્ર બની જાય તે વાત રાજકારણીઓ માટે ભલે તક મનાતી હોય પણ દેશ માટે તો યોગ્‍ય નથી જ નથી.

દેશભકિત અંદરથી ઉદભવતી લાગણી હોય, અને તે કોઇપણ દેશપ્રેમી નાગરિકના જીવનમાં સ્‍થાયી અનુભુતિ હોય. તેને દર વર્ષે દેશભકિતના બાટલા ચડાવવા પડે તે પ્રકારની વૈચારીક અને માનસીક કંગાલીયત દેશમાં છવાઇ ગઇ છે? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર)

આટલુ ઓછુ હોય તેમ વંદે માતરમ માટે ફરજીયાત કાયદો બનાવવો પડે તે જ દેશ માટે ભારે ક્ષોભજનક છે. ખુદ શાસક પક્ષમાં કેટલાને વંદે માતરમ આખુ યાદ છે? પ્રજા પાસે અપેક્ષા રાખવી સહેલી વાત છે. પોતાના અને પબ્‍લીકના માટે અલગ ત્રાજવા ન રખાય તે પણ સમજાવવુ પડશે?

દેશને માતૃ સ્‍વરૂપ તરીકે કલ્‍પીને સ્‍વતંત્રતા આંદોલનનો વિચાર મુળ તો બંગાળી નવલકથા ‘આનંદ મઠ'માંથી પ્રેરીત છે. આ કોઇ રાજકીય અખાડાની કુસ્‍તી તો નથી જ. છતા તેને દંગલની કક્ષાએ પહોંચાડીને કે તેનો વિરોધ કરીને પોતાની રાજકીય ખીચડી પકાવવામાં વ્‍યસ્‍ત રાજકીય પક્ષો દોષીત છે. એક ઉમદા વિચારને આ કક્ષાએ ઉતારનારા તમને વિશ્વમાં કયાંય જોવા નહી મળે!! (મેરા ભારત મહાન)

તિરંગા યાત્રાનો પ્રચાર તો ખુબ થાય છે. પણ તેની પાછળની ઉમદા ભાવના અને પરીપકવતા તેમાં ભાગ લેનારાઓમાં છે ખરી? ફોટા પડાવવા, ડી.જે.ના કાન ફાડી નાખે તેવા સાઉન્‍ડ વચ્‍ચે તીરંગો લહેરાવવો આ કોઇ દેશભકત હોવાનું પ્રમાણ તો નથી જ. મોટે ભાગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફરજીયાત હાજરી વચ્‍ચે જ યોજાતા આવા કાર્યક્રમોના થોડા કલાકો પછીનો સન્નાટો જુદી જ હકિકત બયાન કરે છે (દેશભકિતને ફરજીયાત મજુરીમાં તબ્‍દીલ કરી નાખવાની લાયકાત (?) આપણે મેળવી લીધી છે!

વિદ્યાર્થીઓ કે અન્‍યોએ ત્‍યાર બાદ જયાં ત્‍યાં ત્‍યજી દીધેલા રાષ્‍ટ્રધ્‍વજો ધણુ બધુ મૌનરૂપે સમજાવી બયાન કરે છે. આ વખતે જામનગરમાં તિરંગા યાત્રા પછી ફેંકી દેવાયેલા કે વપરાશમાં જ ન લેવાયેલા રાષ્‍ટ્રધ્‍વજની સ્‍થિતિના સચીત્ર ફોટો અખબારોમાં પ્રકાશીત થયેલા જોઇને એક જ સવાલ થાય કે દેશપ્રેમ આવો તકલાદી હોય? કે પછી ગરજ સરી એટલે વૈદ્ય વેરી ગણવુ પડે?

દર વર્ષે ખાદીભવન- ભંડારો દ્વારા મોટે ઉપાડે રાષ્‍ટ્રધ્‍વજના વેંચાણના આંકડા જાહેર કરી પોરસાતા ખાદી સંસ્‍થાના સંચાલકો એ વાત સ્‍વીકારતા નથી કે મોટાભાગનું કે પછી લગભગ ખરીદી સરકારી સંસ્‍થાઓ સરકારી ખર્ચે જ કરે છે (કોઇ શક?) આમા પ્રજાકીય ભાગીદારી કેટલી?

રાષ્‍ટ્રધ્‍વજ ખરીદવો તે જ દેશભકિતનું પ્રમાણ નથી. દિલથી આ અહેસાસ થવો જોઇએ. આ જ વસ્‍તુ દંભ અને દેખાડાનું પ્રતિક બની જાય ત્‍યારે પાછળ અફસોસ સીવાય કંઇપણ બાકી રહેતુ નથી. ખાદી સંસ્‍થાઓ વેંચાણ કરી સંતોષ દેખાડે છે. ઘણા ફરકાવીને અને ઘણા દેખાડો કરે છે. (ઘણા ગદ્દારો પણ આ પ્રસંગે તીરંગો ફરકાવી સીનસપાટા કરી જ લે છે)

આવા માહોૈલમાં જે ખરો દેશભકત છે છતા મજબુરીમાં વ્‍યકત નથી કરી શકતો, બહુવિધ સમસ્‍યાઓથી ત્રસ્‍ત થઇને પોતાને અને પોતાના પરિવાર માટે માર્ગ શોધવા લાચાર આમ ઇન્‍સાનો શું કરે? પોતાને કયાં વ્‍યકત કરે? (છે કોઇ જવાબ?)

છેલ્લે એક વાતઃ ભાજપ હોય કે કોંગ્રેસ કે બીજા રાજકીય કે સામાજીક સંગઠનો તિરંગા કે વંદે માતરમનો ‘‘ઓવરડોઝ'' (!!!) એટલો બધો ન આપતા કે પ્રજાનો રહયો સહયો આદર અને વિશ્વાસ પણ ઉઠી જાય (!!) (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર)

આ વિષયના અનુસંધાને જાણીતા ગાયક સ્‍વ. અશોક ચંચલનું એક ગીત યાદ આવે છે.

યારા ઓ યારા, ઇશ્‍કને મારા, હો ગયા મેં તો તુજ મેં સમા, લે રહે હૈ સભી તેરા નામ, મેં બેનામ હો ગયા

સાચી, અખંડ અને અનિવાર્ય દેશભકિત ચૌકકસ રાજકીય પક્ષની અંદર વિલીન થઇને ગુમ થઇ ગયાનો અહેસાસ હવે થાય છે. દેશભકિતને પોતાના ફાયદા માટે ‘યુઝ' કરવાના પ્રયાસો કદી પણ આવકારદાયક બને ખરા ? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર)

છેલ્લે એક વાતઃ આ વર્ષે રાજકોટમાં થયેલી સ્‍વાતંત્ર દિવસની ઉજવણીમાં પ્રજાકીય ખર્ચે ગરમાગરમ શુધ્‍ધ ઘીની જલેબી, વણેલા ગાંઠીયા, મરચા, સંભારો, ચા, કોફી, બટેટાની ચિપ્‍સ મહેમાનો (?!) ને પીરસી (?) શકાતી હોય તો રાજકોટના સામાન્‍ય જનોને ‘અડધી ચા' તો પીવડાવવી હતી ભલામાણસ ! કે પછી દેશભકિત જયારે પક્ષભકિત કે વ્‍યકિતભકિતમાં સમાઇ જાય તો જ આવો ફાયદો મળે ?? સામાન્‍ય જનતા માટે કંઇ નહી? (બહોત નાઇન્‍સાફી યે!!) સામાન્‍ય લોકોને પણ આ સુવિધા (?) નો લાભ મળ્‍યાનું બહાર આવ્‍યું છે. પણ અટલ સરોવરના પ્રોગ્રામમાં ભાગ લેનારા થોડાક જ ને, બાકીના લાખો નાગરિકો માટે તો કંઇ વિચારવું હતું (ખોટી વાત છે?)

આશિષ યોગેન્‍દ્ર દવે રાજકોટ

(2:37 PM IST)