<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

૬૦ વર્ષની સુવર્ણ સફર : ૬૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન

શ્રી લાલ બહાદુર શાષાી પ્રાથમિક ગુજરાતી માધ્‍યમ વિદ્યાલયમાં ભવ્‍ય એલ્‍યુમ્‍ની રીયુનિયન ૨૦૨૬ સંપન્ન

રાજકોટ : લાલ બહાદુર શાષાી વિદ્યાલય, રાજકોટના પ્રાથમિક ગુજરાતી વિભાગની ૬૦ વર્ષની સુવર્ણ સફરની યાદોને તાજી કરવા તથા વર્ષો પહેલાં શાળામાં સાથે ભણેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને ફરી એકસાથે લાવવાના ઉદ્દેશથી ‘એલ્‍યુમ્‍ની રિયુનિયન-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્‍યું હતું. માત્ર ૧૦ દિવસના ટુકા ગાળામાં ૬૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્‍યો હતો. એલબીએસ એલ્‍યુમની વોટસએપ ગ્રુપમાં ટુંકાગાળામાં ૧૫૦૦થી વધારે વિધાર્થીઓ  જોડાણા છે. ‘ફરી એકવાર બાળપણના આંગણે'ની લાગણી સાથે યોજાયેલા આ મિલન સમારોહમાં વર્ષોથી અલગ-અલગ શહેરો અને ક્ષેત્રોમાં વસેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના જૂના મિત્રો, શિક્ષકો અને શાળાના આંગણે ફરી એકવાર મળ્‍યા હતા. સમગ્ર પરિસરમાં વર્ષો જૂની મિત્રતા, હાસ્‍ય, લાગણી અને સંસ્‍મરણોનો માહોલ જોવા મળ્‍યો હતો. કાર્યક્રમનું હોસ્‍ટિંગ તથા પ્રારંભિક વક્‍તવ્‍ય ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્વેતાબા બેશ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પોતાના વક્‍તવ્‍યમાં તેમણે શાળા સાથે જોડાયેલી યાદો, શિક્ષકોના જીવનમાં રહેલા મહત્‍વ તથા વર્ષો બાદ ફરી એક જ આંગણે ભેગા થવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી. દીપ પ્રાગટય શાળાના ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, વર્તમાન આચાર્યશ્રી માલતીબેન ચૌહાણ, પૂર્વ આચાર્યશ્રી નીતાબેન વ્‍યાસ, ભારતીબેન ખુંટ તથા ચંદ્રકાંતભાઈ ત્રિવેદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્‍ટીશ્રીઓ, ઉપસ્‍થિત મહેમાનગણ, પૂર્વ શિક્ષકો, વર્તમાન શિક્ષકગણ તથા સહાયક સ્‍ટાફનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વર્ષો સુધી શાળાના ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકો અને કર્મચારીઓ પ્રત્‍યે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર એલ્‍યુમ્‍ની અચીવર્સનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમારોહ દરમિયાન બે વિશેષ સંગીત રજૂઆતો, વિવિધ મનોરંજક રમતો તથા ફન ગેમ્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ડીજે અને ગરબાની રમઝટ સાથે સૌએ આનંદ માણ્‍યો હતો. વર્ષો બાદ મિત્રો સાથે મળીને સંગીત અને ગરબાની મોજ માણતા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફરી પોતાના શાળાકાળના દિવસોમાં પરત ફર્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ માટે સ્‍નેહભર્યું ડિનર યોજાયું હતું. રિયુનિયન દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી ન શકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્‍યુમ્‍ની રિયુનિયન-૨૦૨૬નું યુ-ટયુબ પર લાઇવ ટેલિકાસ્‍ટ પણ કરવામાં આવ્‍યું હતું. વિવિધ શહેરો તથા દૂરના સ્‍થળોએ વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ આ યાદગાર કાર્યક્રમનો લાઇવ આનંદ માણ્‍યો હતો.

(2:40 PM IST)