<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રાજકોટ શહેરના ૨૪ મુખ્‍ય રાજમાર્ગો હોકર્સ ફ્રી જાહેર કરાશે : રાજકોટની ટ્રાફિક સમસ્‍યા ઉકેલવા તંત્રએ આળસ ખંખેરીઃ ત્રણ ઝોનમાં રેકડી-કેબીન ધારકો માટે અલાયદી જગ્‍યા

નવા હોકર્સ ઝોનમાં ચા-પાન, ઈંડા-નોનવેજને ‘નો એન્‍ટ્રી' : ૮૦ ટકા જગ્‍યા શાકભાજી-ફ્રૂટ-કટલેરી માટે અનામતઃ હોકર્સ ફ્રી રોડ પર દબાણ દેખાશે તો જવાબદાર કર્મચારીની જવાબદારી ફિક્‍સ થશે : રસ્‍તા પર રેકડી-કેબીનના દબાણો સામે તંત્ર કડકઃ જામનગર રોડ, યુનિવર્સિટી રોડ અને મોરબી રોડ પર રાઈડ માટે અલાયદા ઝોનઃ સાપ્તાહિક બજારોને પણ ચાર નિヘતિ સ્‍થળે ખસેડાશે : રાજકોટની સકલ બદલવા મેયર નેહલભાઇની નિર્ણાયક સક્રિયતાઃ હોકર્સ ઝોનની ખાસ પોલીસીની અરજન્‍ટ વિમીનેશ દરખાસ્‍ત રજૂ

રાજકોટ, તા. ર૦: શહેરમાં ટ્રાફિકની સમસ્‍યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાએ રેકડી-કેબીન, ફેરિયા અને રાઈડના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્‍યાને નિયંત્રણમાં લેવા માટે મહત્‍વના અને કડક નિર્ણયો કર્યા છે. શહેરના ધમધમતા ૨૪ મુખ્‍ય રાજમાર્ગોને ‘હોકર્સ ફ્રી રોડ' જાહેર કરવાની સાથે ત્રણેય ઝોનમાં રાઈડધારકો માટે અલાયદા હોકર્સ ઝોન અને સાપ્તાહિક બજારો માટે ચાર નિヘતિ સ્‍થળ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

આજે મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં મેયર નેહલ શુકલ અધ્‍યક્ષ સ્‍થાનેથી અરજન્‍ટ બિઝનેસ દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. માર્કેટ સમિતિની ભલામણ અને અભ્‍યાસ બાદ શહેરના સેન્‍ટ્રલ, વેસ્‍ટ અને ઈસ્‍ટ એમ ત્રણેય ઝોનમાં રાઈડધારકો માટે એક-એક ખાસ હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

હોકર્સ ઝોનની નવી પોલીસીના ઠરાવમાં જણાવ્‍યા મુજબ શહેરમાં વર્ષ ૨૦૧૪થી શહેરી ફેરિયાઓ માટે હોકર્સ ઝોન બનાવવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ તેમાં વધારો પણ કરવામાં આવ્‍યો છે. જોકે રાઈડધારકો માટે અલગ વ્‍યવસ્‍થા ન હોવાથી તેઓ વિવિધ સ્‍થળોએ રાઈડ ઊભી કરતા ટ્રાફિક સહિતની સમસ્‍યાઓ સર્જાતી હતી. હવે તેમને નિヘતિ સ્‍થળ આપીને આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ત્રણ ઝોનમાં રાઈડ માટે હજારો ચો.મી. જમીન ફાળવાશે

સેન્‍ટ્રલ ઝોનમાં જામનગર રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૯માં વાંકાનેર સોસાયટી પાસે ૨૭૦૯ ચો.મી., વેસ્‍ટ ઝોનમાં યુનિવર્સિટી રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૧૬ (રૈયા)ના ફાઈનલ પ્‍લોટ નં. ૮૬/સીજેમાં યુનિવર્સિટી ગેઈટની બાજુએ ૬૯૫૩ ચો.મી. તથા ઈસ્‍ટ ઝોનમાં મોરબી રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૧૨ના ફાઈનલ પ્‍લોટ નં. ૧૦૪માં ૩૩૮૮ ચો.મી. જમીન ઉપર રાઈડધારકો માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવશે.

આ જગ્‍યાઓ બે વર્ષ માટે ફાળવવામાં આવશે અને ખ્‍બ્‍ભ્‍ મારફત પ્‍લોટની ફાળવણી તથા સંચાલન કરવામાં આવશે. AOPના હોદ્દેદારો હોકર્સ ઝોનનું સંચાલન કરશે અને સભ્‍યદીઠ રૂ. ૫,૦૦૦ ડિપોઝિટ લેવામાં આવશે.

એક રાઈડ માટે ઓછામાં ઓછી ૧૦૦ ચો.ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ચો.ફૂટ સુધી જગ્‍યા ફાળવવામાં આવશે. ૧૦૦ ચો.ફૂટ માટે માસિક રૂ. ૫૦૦, ૧૦૧થી ૨૦૦ ચો.ફૂટ માટે રૂ. ૧,૦૦૦, ૨૦૧થી ૩૦૦ ચો.ફૂટ માટે રૂ. ૨,૦૦૦, ૩૦૧થી ૪૦૦ ચો.ફૂટ માટે રૂ. ૨,૫૦૦ અને ૪૦૧થી ૫૦૦ ચો.ફૂટ માટે રૂ. ૩,૦૦૦ માસિક ભાડું નક્કી કરવામાં આવ્‍યું છે. વિશેષ કિસ્‍સામાં મોટી રાઈડ માટે વધુ જગ્‍યા આપી શકાશે, પરંતુ એક વ્‍યક્‍તિને કુલ ૧,૦૦૦ ચો.ફૂટથી વધુ જગ્‍યા નહીં મળે. ભાડા ઉપરાંત લાગુ પડતો GST અને પ્રતિમાસ રૂ. ૫૦૦ સફાઈ ચાર્જ પણ વસૂલવામાં આવશે.

સાપ્તાહિક બજારો હવે મનફાવે ત્‍યાં નહીં ભરાયઃ ચાર સ્‍થળ નક્કી

શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ભરાતા સાપ્તાહિક બજારોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાને લઈને હવે આવા બજારો માટે પણ નિヘુિત સ્‍થળ નક્કી કરવામાં આવ્‍યા છે. ત્રણેય ઝોનમાં કુલ ચાર સ્‍થળે સાપ્તાહિક બજાર માટે જમીન ફાળવવામાં આવશે અને વેપારીઓ પાસેથી માસિક રૂ. ૨૦૦ વહીવટી ચાર્જ લેવામાં આવશે.

સેન્‍ટ્રલ ઝોનમાં એડીબી હોટલ સામે રિંગરોડ-રેલનગર વિસ્‍તારમાં ટી.પી. સ્‍કીમ નં. ૨૪ના ફાઈનલ પ્‍લોટ નં. ૧૨૧/એની ૨૭૦૯ ચો.મી. જમીન, વેસ્‍ટ ઝોનમાં કાલાવડ રોડ-ન્‍યારી ડેમ રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૯ (મોટામવા-મુંજકા)ના ફાઈનલ પ્‍લોટ નં. ૧૬/એની ૫૩૮૮ ચો.મી. જમીન તેમજ ટી.પી. સ્‍કીમ નં. ૨૮ (મવડી)ના ફાઈનલ પ્‍લોટ નં. ૪૬/એમાં પિરામીડ પાર્ટી પ્‍લોટ નજીક કણકોટ રિંગરોડ-૨ પાસે ૯૬૭૮ ચો.મી. જમીન અને ઈસ્‍ટ ઝોનમાં મોરબી રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૧૨ના ફાઈનલ પ્‍લોટ નં. ૧૦૦ની ૩૩૮૮ ચો.મી. જમીન સાપ્તાહિક બજારો માટે ફાળવવામાં આવશે.

૨૪ ધમધમતા રાજમાર્ગો પર રેકડી-કેબીનને ‘નો એન્‍ટ્રી'

શહેરની ટ્રાફિક વ્‍યવસ્‍થામાં સૌથી મોટો ફેરફાર લાવતા નિર્ણયમાં મહાનગરપાલિકાએ ૨૪ મુખ્‍ય રાજમાર્ગોને હોકર્સ ફ્રી રોડ જાહેર કર્યા છે. હવે આ રસ્‍તાઓ ઉપર કોઈપણ પ્રકારના હોકર્સને ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી યુનિવર્સિટી ગેઈટ), રૈયા રોડ (કિસાનપરા ચોકથી સાધુ વાસવાણી રોડ), નાના મવા રોડ (લક્ષ્મીનગર નાલાથી મોકાજી સર્કલ), પુષ્‍કરધામ મેઈન રોડ, નાણાવટી ચોકથી મીરાનગર મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, સોનીબજાર

રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ, ઘીકાંટા રોડ, પરાબજાર રોડ, કેનાલ રોડ, યાજ્ઞિક રોડ, જંક્‍શન સ્‍ટેશન રોડ, ગુંદાવાડી મેઈન રોડ, ઢેબર રોડ, કસ્‍તુરબા રોડ, કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારિયા રોડ, આડો પેડક રોડ, કોઠારિયા સોલવન્‍ટ રોડ, અમીન માર્ગ અને અક્ષર માર્ગ સહિતના મુખ્‍ય રસ્‍તાઓને હોકર્સ ફ્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આ રસ્‍તાઓ પૈકી જ્‍યાં હાલમાં હોકર્સ ઝોન કાર્યરત હશે ત્‍યાં આગામી ત્રણ મહિનામાં નજીકમાં વૈકલ્‍પિક પ્‍લોટ શોધીને થડાધારકોને સ્‍થળાંતરિત કરવામાં આવશે.

હોકર્સ ફ્રી જાહેર થયેલા રસ્‍તાઓ ઉપર દબાણ હટાવ શાખાના કર્મચારીઓને સતત કામગીરી કરવાની રહેશે. આવા રોડ ઉપર રેકડી-કેબીનનું દબાણ જોવા મળશે તો સંબંધિત કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવશે.

હાલ જે હોકર્સ ઝોનના કારણે મુખ્‍ય રસ્‍તાઓ ઉપર ટ્રાફિકની સમસ્‍યા સર્જાય છે તેને આગામી એક વર્ષમાં નજીકના વૈકલ્‍પિક પ્‍લોટમાં સ્‍થળાંતરિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

શાસક પક્ષના દંડક અને નેતા તેમજ માર્કેટ સમિતિના ચેરમેન અને સભ્‍યો હોકર્સ ઝોનની સ્‍થળ મુલાકાત લઈ સ્‍થિતિની ચકાસણી કરશે. મુલાકાત દરમિયાન આપવામાં આવતાં સૂચનોનું સંબંધિત તંત્રએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. આમ, શહેરના મુખ્‍ય માર્ગોને દબાણમુક્‍ત કરવા અને ફેરિયા-રાઈડધારકોને વ્‍યવસ્‍થિત જગ્‍યા આપવા મનપાએ એકસાથે અનેક નિર્ણયો અમલમાં મૂકવાની દિશામાં પગલું ભર્યું છે.

(3:30 PM IST)