વેરા બાકીદારોને મોટી રાહતઃ હવે મુદ્દલથી વધુ વ્યાજ નહીં વસૂલી શકે મનપા
મનપાના બોર્ડમાં વ્યાજમાફી યોજનાની દરખાસ્તમાં મહત્ત્વપૂર્ણ સુધારો : મુદ્દલ કરતાં વધુ વ્યાજ ભરાઈ ગયું હોય તો વધારાની રકમ નવા નાણાકીય વર્ષના વેરાબિલમાં મજરે અપાશે : રૂ.૫૦ હજાર મુદ્દલ સામે રૂ.૮૦ હજાર વ્યાજ હોય તો હવે માત્ર રૂ.૫૦ હજાર જ વ્યાજ વસૂલાશે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાએ મિલકતવેરા અને પાણીવેરાના વર્ષો જૂના બાકીદારોને મોટી રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે કોઈપણ સંજોગોમાં બાકી વેરાની મૂળ મુદ્દલ રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ કરી શકાશે નહીં. એટલું જ નહીં, અગાઉ કોઈ કરદાતાએ મુદ્દલ કરતાં વધુ વ્યાજની રકમ ભરપાઈ કરી દીધી હોય તો નિયમ મુજબ વધારાની રકમ આગામી નાણાકીય વર્ષના વેરાબિલમાં મજરે જમા આપવાનો નિર્ણય પણ જનરલ બોર્ડમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા હાલ મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફી યોજના અમલમાં છે. આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી રહેણાક અને બિનરહેણાક હેતુની તમામ મિલકતો તેમજ નળ કનેક્શન કે સમ્પ કનેક્શનનો સંપૂર્ણ બાકી વેરો ભરવામાં આવે તો ચડત વ્યાજમાંથી મિલકતવેરામાં રૂ. ૫,૦૦૦ અને પાણીવેરામાં રૂ. ૫,૦૦૦ એમ રાહત આપવામાં આવે છે. જોકે વર્ષો જૂના બાકી વેરાના કેટલાક કિસ્સામાં મુદ્દલ કરતાં વ્યાજની રકમ અનેકગણી થઈ જતી હોવાથી કરદાતાઓ માટે વેરો ભરવો મુશ્કેલ બનતો હતો.
આ સમસ્યાના ઉકેલ માટે આજની જનરલ બોર્ડ બેઠકમાં કોર્પોરેટર મનીષભાઈ ભટ્ટ દ્વારા વ્યાજમાફી યોજનામાં સુધારો કરતી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને કોર્પોરેટર કેતન પટેલે ટેકો આપ્યો હતો. ચર્ચા બાદ દરખાસ્તને બોર્ડમાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
નવા સુધારાની સૌથી મોટી અસર વર્ષો જૂના બાકીદારોને થશે. ઉદાહરણ તરીકે કોઈ મિલકતનો રૂ. ૫૦ હજાર મૂળ વેરો બાકી હોય અને તેના પર રૂ. ૮૦ હજાર વ્યાજ ચડી ગયું હોય, તો અત્યારની યોજનામાં મિલકતવેરા અને પાણીવેરાની મળીને મર્યાદિત વ્યાજમાફી મળતી હતી. પરંતુ નવા નિર્ણય બાદ આવા કિસ્સામાં મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલાશે નહીં. એટલે કરદાતાએ રૂ. ૫૦ હજાર મુદ્દલ સામે વધુમાં વધુ રૂ. ૫૦ હજાર વ્યાજ એમ કુલ રૂ. ૧ લાખ જ ભરવાના રહેશે.
આ નિર્ણયથી વર્ષોથી મોટી રકમનું વ્યાજ ચડી જવાના કારણે વેરો ભરવાથી દૂર રહેતા મિલકતધારકોને રાહત મળશે અને વધુમાં વધુ બાકીદારો વેરો ભરવા આગળ આવે તેવી મનપાને આશા છે.
અગાઉ વધુ વ્યાજ ભર્યું હોય તો ૨૦૨૭-૨૮ના
બિલમાં મજરે મળશે
વ્યાજમાફી યોજનામાં વધુ એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ દરમિયાન જે મિલકતધારકોએ વ્યાજ સહિત સંપૂર્ણ રકમ ભરપાઈ કરી દીધી હોય તેમને વ્યાજમાફી યોજનાનો લાભ નવા નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ના વેરાબિલમાં મજરે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એટલે કે, યોજના જાહેર થાય તે પહેલાં જ નિયમિતતા દાખવી સંપૂર્ણ વેરો ભરી દેનારા કરદાતાઓને નુકસાન ન થાય તે માટે તેમને મળવાપાત્ર રાહતની રકમ આગામી વર્ષના મિલકતવેરા તથા વોટર ચાર્જીસમાં એડજસ્ટ કરવામાં આવશે.
હવે આ નિયમ કાયમી ધોરણે અમલી રહેશે
જનરલ બોર્ડના નિર્ણયમાં મહત્વની જોગવાઈ એ પણ કરવામાં આવી છે કે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા અન્ય કોઈ ઠરાવ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ મિલકતના મિલકતવેરા કે પાણીવેરાની ચડત મુદ્દલ રકમ કરતાં વધુ વ્યાજ કોઈપણ સંજોગોમાં વસૂલ કરી શકાશે નહીં.
આ સાથે આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ કરદાતાઓને વેરાબિલની બજવણી પૂર્ણ કરી દેવા પણ બોર્ડ દ્વારા તંત્રને તાકીદ કરવામાં આવી છે. નવા સુધારાથી એક તરફ વર્ષો જૂના વેરા બાકીદારોને વ્યાજના ભારમાંથી મોટી રાહત મળશે તો બીજી તરફ મનપાની અટવાયેલી વેરા વસૂલાતમાં પણ વધારો થવાની શકયતા છે.










