<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

‘સારા-સારા જવાબો નહીં, અમારી સાથે ફિલ્‍ડમાં આવો': સતત ત્રીજા બોર્ડમાં સભ્‍યોએ અધિકારીઓને પરસેવો પડાવ્‍યો

જનરલ બોર્ડમાં ‘ઓલ ઈઝ વેલ'ના જવાબો સામે શાસક સભ્‍યો જ લાલઘૂમ : રોડ-રસ્‍તાથી લઈ એનિમલ હોસ્‍ટેલ સુધીની કામગીરીના જવાબો સામે શાસક સભ્‍યોના જ ઉધડા : મોહિતસિંહ જાડેજાએ સીટી એન્‍જિનિયરને પડકાર્યો : ‘બોર્ડ પૂરું થાય એટલે મારી સાથે વોર્ડમાં આવો, રસ્‍તાની સાચી સ્‍થિતિ બતાવું': અધિકારીઓના દાવા સામે મેયર ડૉ. નેહલ શુક્‍લ પણ કડક : રોડ સારા હોવાનો ખોટો રિપોર્ટ આપનાર એજન્‍સી સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરી બોર્ડમાં રિપોર્ટ રજૂ કરવા તાકીદ

રાજકોટ, તા. ર૦ :  જનરલ બોર્ડમાં સતત ત્રીજી વખત વિપક્ષ કરતાં શાસક ભાજપના જ કોર્પોરેટરો અધિકારીઓની કામગીરી અને જવાબોથી અસંતુષ્ટ જોવા મળ્‍યા હતા. સભ્‍યો દ્વારા પૂછાતા પ્રજાલક્ષી પ્ર‘ોમાં માત્ર કાગળ ઉપરના ‘સારા-સારા' જવાબો આપવાને બદલે અધિકારીઓ ફિલ્‍ડમાં આવીને વાસ્‍તવિક સ્‍થિતિ જુએ તેવી આકરી ટકોર કરવામાં આવી હતી. રોડ-રસ્‍તાની સ્‍થિતિથી લઈને એનિમલ હોસ્‍ટેલ જેવા પ્રોજેક્‍ટ સુધીના મુદ્દે ભાજપના સભ્‍યોએ જ અધિકારીઓને ભીંસમાં લેતા બોર્ડમાં અનેક વખત ગરમાવો જોવા મળ્‍યો હતો.

બોર્ડમાં સૌથી વધુ ચર્ચા શહેરના રોડ-રસ્‍તાની સ્‍થિતિને લઈને થઈ હતી. વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા ચાલુ ચોમાસામાં કેટલા રોડ તૂટયા, કેટલા રસ્‍તાઓ પર ખાડા પડ્‍યા અને ગેરંટીવાળા રોડની હાલત શું છે તે અંગે પ્રશ્‍ન પૂછવામાં આવ્‍યો હતો.

તેના જવાબમાં સેન્‍ટ્રલ ઝોનના સીટી એન્‍જિનિયરે  જણાવ્‍યું હતું કે ચાલુ વર્ષે રાજકોટમાં નોંધપાત્ર કે ધોધમાર વરસાદ થયો નથી, જેથી રોડ-રસ્‍તાને ખાસ નુકસાન થયું નથી. એક પણ રસ્‍તાનું મોટું ધોવાણ થયું નથી અને મોટાભાગના રસ્‍તાઓની સ્‍થિતિ સારી છે. વોર્ડ નં. ૧૩ના વિવિધ રસ્‍તાઓ પણ સારી સ્‍થિતિમાં હોવાનો જવાબ અધિકારી દ્વારા આપવામાં આવ્‍યો હતો.

અધિકારીનો આ જવાબ સાંભળતા જ વોર્ડ નં. ૧૩ના ભાજપના યુવા કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ પોતાના જ તંત્રના દાવા સામે સવાલ ઉઠાવી દીધો હતો. તેમણે સ્‍પષ્ટ કહ્યું હતું કે વોર્ડ નં. ૧૩ના રસ્‍તાઓની સ્‍થિતિ સારી હોવાનો દાવો હકીકતથી વિપરીત છે.

‘માત્ર ઓફિસમાં બેસીને સારા રિપોર્ટ અને સારા જવાબ ન આપો. જનરલ બોર્ડ પૂરું થાય એટલે મારી સાથે ફિલ્‍ડમાં આવો. અશોક ગાર્ડન રોડ, ખીજડાવાળો રોડ, ખોડિયારનગર સહિતના વિસ્‍તારોમાં લઈ જઈને રસ્‍તાની સાચી હાલત બતાવું.' તેવી ટકોર મોહિતસિંહ જાડેજાએ કરતાં અધિકારીઓ માટે સ્‍થિતિ અસહજ બની હતી.

શાસક પક્ષના જ કોર્પોરેટરે અધિકારીઓના જવાબને જાહેરમાં પડકારતાં મામલો ગંભીર બન્‍યો હતો. મેયર ડૉ. નેહલ શુક્‍લએ પણ સીટી એન્‍જિનિયરને પૂછયું હતું કે રસ્‍તાઓની સ્‍થિતિ સારી હોવાનો રિપોર્ટ આખરે કોણે આપ્‍યો છે? તેના જવાબમાં અતુલ રાવલે એજન્‍સી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.

આ જવાબથી મેયર પણ નારાજ થયા હતા અને રોડ-રસ્‍તાની સ્‍થિતિ સારી હોવાનો ખોટો કે હકીકતથી વિપરીત રિપોર્ટ આપનાર જવાબદાર એજન્‍સી સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા તેમજ કાર્યવાહીનો રિપોર્ટ બોર્ડ સમક્ષ રજૂ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

કાગળ પર ‘ઓલ ઈઝ વેલ', ફિલ્‍ડમાં સ્‍થિતિ જુદી હોવાનો સભ્‍યોનો સૂર

છેલ્લા ત્રણ જનરલ બોર્ડથી એક બાબત ખાસ ડીને આંખે વળગી રહી છે કે પ્રજાલક્ષી પ્ર‘ોમાં અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતી માહિતી સામે હવે શાસક પક્ષના સભ્‍યો જ સવાલો ઉઠાવી રહ્યા છે. માત્ર આંકડા અને રિપોર્ટના આધારે બધું સારું હોવાનો ચિતાર રજૂ કરવાને બદલે અધિકારીઓ જાતે ફિલ્‍ડમાં જાય, કોર્પોરેટરો સાથે સ્‍થળ મુલાકાત કરે અને લોકોની મુશ્‍કેલીનો પ્રત્‍યક્ષ અનુભવ કરે તેવી ટકોર બોર્ડમાં થઈ હતી.

કોર્પોરેટરો પોતાના વોર્ડમાં રોજ પ્રજાની વચ્‍ચે રહેતા હોવાથી રોડ, ગટર, પાણી, સફાઈ કે વિકાસકામોની વાસ્‍તવિક સ્‍થિતિથી માહિતગાર હોય છે. ત્‍યારે અધિકારીઓ દ્વારા રજૂ થતા જવાબ અને ફિલ્‍ડની હકીકત વચ્‍ચે તફાવત સામે આવે તો જવાબદારી નક્કી થવી જોઈએ તેવો સૂર પણ બોર્ડમાં જોવા મળ્‍યો હતો.

આ વખતના જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ૧૮ કોર્પોરેટરો દ્વારા ૪૨ પ્રશ્‍નો રજૂ કરવામાં આવ્‍યા હતા. વિવિધ પ્રશ્‍નોના જવાબ દરમિયાન સભ્‍યો દ્વારા પેટા પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવતા અધિકારીઓએ અનેક મુદ્દે સ્‍પષ્ટતા કરવી પડી હતી.

આ સવાલના જવાબમાં અધિકારીઓ સ્‍પષ્ટ જવાબ આપી શકયા નહોતા. આમ રોડ-રસ્‍તાથી લઈને વિકાસ પ્રોજેક્‍ટ સુધીના મુદ્દે શાસક પક્ષના જ સભ્‍યોએ અધિકારીઓને માત્ર કાગળ ઉપરના જવાબો આપવાને બદલે ફિલ્‍ડની હકીકત મુજબ જવાબ આપવા અને કામગીરીમાં જવાબદારી નક્કી કરવા સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો હતો.

(3:43 PM IST)