<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

કાલાવડ રોડ પરથી તોસીફ કાઝીને રૂા. ૧.૬૪ લાખના એમડી ડ્રગ્‍સ સાથે એસઓજીએ દબોચ્‍યો

કોઠારીયા રોડ ગોકુલનગરના શખ્‍સનું રાજસ્‍થાનથી માદક પદાર્થ લાવ્‍યો હોવાનું રટણ : પોતે નશાનો બંધાણી છે અને ખર્ચા કાઢવા એક-એક ગ્રામની પડીકી બનાવી વેંચે છેઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએઅસાઇ વી. વી. ધ્રાંગુની ટીમની કામગીરીઃ ફિરોઝભાઇ રાઠોડ, હાર્દિકસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેરમાં માદક દ્રવ્‍યોની હેરાફેરી અટકાવવા સતત કાર્યરત એસઓજીની ટીમે વધુ એક વખત આવા પદાર્થ સાથે એક શખ્‍સને દબોચી લીધો છે. કાલાવડ રોડ પરથી કોઠારીયા રોડ વિસ્‍તારનો રિક્ષાચાલક શખ્‍સ બાઇક પર બેસી એમડી ડ્રગ્‍સ સાથે નીકળતાં તેને રૂા. ૧.૬૪ લાખના ૫૪.૭૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે ઝડપી લીધો છે. રાજસ્‍થાન તરફથી આ શખ્‍સ ડ્રગ્‍સ લાવ્‍યાનું અને પોતે પણ બંધાણી હોઇ ખર્ચો કાઢવા એક-એક ગ્રામની પડીકી બનાવી વેંચતો હોવાનું રટણ કરતો હોઇ તેની વિશેષ પુછતાછ માટે રીમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં સે નો ટુ ડ્રગ્‍સ મિશન અંતર્ગત નશાના રવાડે યુવાધન ન ચડે તે માટે આવા પદાર્થનું ખરીદ-વેંચાણ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્‍સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી કે અગાઉ ચોરીના કેસમાં પકડાઇ ચુકેલો કોઠારીયા રોડ વિસ્‍તારનો તોૈફિક નામનો શખ્‍સ કાલાવડ રોડ રામેશ્વર પાર્ટી પ્‍લોટના ખુણા પાસે જીજે૦૩પીએલ-૫૯૧૬ નંબરના બાઇક પર પસાર થવાનો છે અને તેની પાસે માદક પદાર્થ છે.

આ બાતમીને આધારે વોચ રાખી તોસીફને પકડી લેવાયો હતો. તેની તલાશી લેતાં તેની પાસેથી શંકાસ્‍પદ પદાર્થ મળ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ એમડી હોવાનું ખુલ્‍યું હતું. વજન કરાવતાં આ પદાર્થ ૫૪.૭૩૦ ગ્રામ હોવાનું જણાયું હતું. જેની કિંમત રૂા. ૧,૬૪,૧૯૦ ગણી કબ્‍જેક રી તોસીફ આરીફભાઇ તુરીયા-કાઝી (ઉ.વ.૨૬-રહે. ગોકુલનગર શેરી નં. ૩, કોઠારીયા રોડ, નીઝામબાપુના મકાનમાં ભાડેથી) સામે તાલુકા પોલીસમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ શખ્‍સ પાસેથી માદક પદાર્થ ઉપરાંત મોબાઇલ ફોન, બાઇક મળી કુલ રૂા. ૨,૫૯,૫૧૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. તે અગાઉ એ-ડિવીઝનમાં ચોરીના ગુનામાં અને અન્‍ય એક ગુનામાં પકડાયો હતો. હાલ તે છુટક રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને પોતે માદક પદાર્થનો બંધાણી પણ છે. તે પહેલી જ વખત કોઇ વચેટીયાનો સંપર્ક કરી રાજસ્‍થાન તરફથી આ એમડી લાવ્‍યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રીમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, મોૈલિકભાઇ સાવલીયા, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(3:43 PM IST)