હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રામનાથ પરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૦: રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી હેરોઈન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રહેતો વસીમ અશરફ મુલતાની માદક પદાર્થનો જથ્થો લઈને પોતાના ઘરે આવતો હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સા અને ચંપલમાંથી રૂ.૧૬,૬૫૦ની કિંમતનું ૩.૩૩૦ ગ્રામ હેરોઈન અને રૂ.૫,૨૭,૬૦૦ની કિંમતનું ૫૨.૭૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ અંગે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૧(સી) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેલ હવાલે રહેલા આરોપી વસીમ મુલતાનીની ચાર્જશીટ બાદ જેલ મુક્ત થવા બીજી વખત રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ પરાગ એન. શાહે જામીન અરજીનો વિરોધ કરતી દલીલો કરી હતી કે, આરોપી પાસેથી મળી આવેલ મેફેડ્રોનનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટી (૫૦ ગ્રામ) કરતાં વધુ છે.
આરોપી સામે અગાઉ પણ કુવાડવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ, વાહન ચોરી અને દારૂ પીવાના અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ડ્રગ્સનું સેવન અને આર્થિક લાભ માટે તેનું વેચાણ કરવું એ અત્યંત ગંભીર બાબત છે. નાર્કોટિક્સ ડ્રગ્સ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા સમાજને બરબાદ કરે છે. આ સિવાય ચાર્જશીટ ફાઈલ થવાથી કે જેલવાસ ભોગવવાથી સંજોગો બદલાતા નથી સહિતની દલીલો ધ્યાને લઇ અદાલતે આરોપી વસીમ મુલતાનીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એ પી પી પરાગ શાહ રોકાયા હતા
પરાગ શાહ
સરકારી વકીલ










