તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
તલાટીઓ સવારે ૧૦ાાથી સાંજે ૬:૧૦ સૂધી જ ફરજ બજાવશે કલેકટરને પાઠવાતુ આવેદનઃ એકગામ દીઠ એક તલાટીની માંગ
જોબચાર્ટ-બીનજરૂરી બદલીઓ સામે ઉગ્ર વિરોધઃ રજાના દિવસે કોઇ કામગીરી નહિ કરાય..

રાજકોટઃ તા.૨૧: રાજ્યના મહેસૂલી તલાટીઓ અને મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ઉતાવળે નક્કી કરાયેલા નવા જોબચાર્ટ સામે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ‘વર્ક ટુ રૂલ' અને ‘વર્ક વિથ ડિગ્નિટી'ના સિદ્ધાંત મુજબ કામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ પત્ર પાઠવી વાંધાઓ રજૂ કરાયા છે. અને કલેકટરને રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આવેદનપત્ર પાઠવ્યું હતું.
મંડળ દ્વારા જણાવાયું છે કે વિભાગ દ્વારા ઉતાવળે બનાવેલા જોબચાર્ટમાં એવી અનેક વિસંગતતાઓ છે જે મહેસૂલ વિભાગ સાથે સંબંધિત નથી. જ્યાં સુધી આ વિસંગતતાઓ દૂર કરવામાં નહીં આવે અને જોબચાર્ટની પુનઃ સમીક્ષા નહીં થાય ત્યાં સુધી બિન-મહેસૂલી વધારાની કામગીરી ન કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ, બઢતી સમયે કરાયેલા બિનજરૂરી જિલ્લા ફેર તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે.
મહેસૂલી કર્મચારીઓ સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ ના સત્તાવાર સરકારી કલાકો દરમિયાન જ ફરજ બજાવશે.કચેરી સમય પૂર્ણ થયા બાદ તેમજ જાહેર રજાઓના દિવસોમાં સામાન્ય કે ઓનલાઇન કામગીરીથી કર્મચારીઓ અળગા રહેશે. નિયત સમય સિવાય OTP કે Thumb/Biometric આધારિત કોઈપણ કામગીરી કરવામાં આવશે નહીં.પંચાયત કચેરીની માફક ગ્રામ્ય સ્તરે અલગ રેવન્યુ કચેરી ઊભી કરવામાં આવે અને ગામ દીઠ અલગ મહેકમ મંજૂર થાય તો જ નવો જોબચાર્ટ અમલી બનાવવો શકય બનશે.
મહેસૂલી મંડળના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓ પોતાના મૂળ વિભાગની કામગીરી પૂર્ણ નિષ્ઠા અને અંતઃકરણપૂર્વક કરશે, પરંતુ અન્ય વિભાગોનું વધારાનું ભારણ અને કર્મચારીઓની ઉપેક્ષા હવે સહન કરવામાં આવશે નહીં. સરકારે તાત્કાલિક યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બને તેવી શકયતા છે.
(2:49 PM IST)










