<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ઓવરટેક અને હોર્ન વગાડવા મામલે રતનપરના રવિરાજસિંહ પરમારને ધમકીઃ કારમાં તોડફોડ

સ્‍કોર્ર્પિયો ચાલક રાજકોટના મનસુખ ગોહેલ અને પ્રવિણ સુસરા સામે કુવાડવા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધા

રાજકોટ તા. ૨૧: રાજકોટ મોરબી રોડ પર આવેલા રતનપરથી બેડી ગામ વચ્‍ચે ઓવરટેક કરવા બાબતે હોર્ન વગાડવાની સામાન્‍ય બાબતમાં તકરાર થતાં સ્‍કોર્પિયો કારના ચાલક અને તેના સાથીદારે અન્‍ય કાર ચાલક સાથે ગાળાગાળી કરી, કારના આગળના કાચ પર મોબાઇલ મારી નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાોદ થઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રતનપર ગામની રામધામ સોસાયટીમાં રવેચી પાન પાસે રહેતાં અને ટ્રેડીંગનું કામ કરતાં રવિરાજસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧૦માં રહેતાં સ્‍કોર્ર્પિયો ગાડી નં. જીજે૦૩કયુડી-૬૪૪૪૪ના ચાલક મનસુખ વીરજીભાઇ ગોહેલ અને તેની સાથેના મંછાનગરમાં રહેતાં પ્રવિણ ઓઘડભાઇ સુસરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ  રવિરાજસિંહ પરમાર પોતાની ટોયોટા ગ્‍લાંઝા ગાડી જીજે૦૪ઇઇ-૦૫૬૭ લઈને રાજકોટ જઈ રહ્યા હતા. ગવરીદળ ગામ પાસે પહોંચતા આગળ જતી એક કાળા કલરની સ્‍કોર્પિયો ગાડીને ઓવરટેક કરવા માટે તેમણે હોર્ન માર્યો હતો. પરંતુ સ્‍કોર્પિયો ચાલકે સાઈડ આપી ન હતી અને પોતાની ગાડી રવિરાજસિંહની કાર તરફ દબાવી સાઈડ આપવાનું ટાળ્‍યું હતું.

આ પછી મારવાડી કોલેજ સામે રવિરાજસિંહે ૧૧૨ પર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. દરમિયાન બેડી ગામ પાસે મામા સાહેબના મંદિર નજીક ટ્રાફિક જામ હોવાથી બંને વાહનો ઊભા રહી ગયા હતા. ટ્રાફિકમાં ગાડી ઊભી રહેતાં સ્‍કોર્પિયો ચાલકે રવિરાજસિંહ પાસે આવીને ૅકેમ પાછળથી હોર્ન મારતો હતો?‘ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. સાથોસાથ તેણે અન્‍ય એક શખ્‍સને પણ બોલાવી લીધો હતો. સ્‍કોર્પિયો ચાલકે ગુસ્‍સામાં પોતાના મોબાઇલ વડે રવિરાજસિંહની ગ્‍લાંઝા કારના આગળના કાચ પર પ્રહાર કરતા કાચમાં તિરાડ પડી ગઈ હતી.

ત્‍યારબાદ ગાડીમાંથી નીચે ઉતરવાનું કહી જો નીચે નહીં ઉતરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન અગાઉ રવિરાજસિંહે ફોન કરેલો હોવાથી ઘટના સ્‍થળે ૧૧૨ની પોલીસ પેટ્રોલીંગ ગાડી આવી પહોંચતાં પોલીસે બંને હુમલાખોરોને પકડી પાડ્‍યા હતા. પોલીસ તપાસમાં સ્‍કોર્પિયો ગાડીના ચાલકનું નામ મનસુખભાઈ  ગોહેલ અને બીજા શખ્‍સનું નામ પ્રવીણભાઈ સુસરા હોવાનું ખુલ્‍યું હતું. ઓવરટેઇક કરતી વખતે હોર્ન વગાડવા મામલે આ બંનેએ માથાકુટ કરી હતી. કુવાડવા પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં એએસઆઇ સંજયભાઇ કુમારખાણીયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(3:48 PM IST)