તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ૫૦ લાખ સોલારે રૂફટોપ
ઇન્સ્ટોલેશન પૂર્ણ, ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી યોજનાનો લાભ લ્યો

રાજકોટઃ દેશભરમાં સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરમાં આશરે ૫૦ લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા યોજનાનો લાભ વધુમાં વધુ પરિવારો સુધી પહોંચે તે માટે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ પરિવારો પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ્સ સ્થાપિત કરીને વીજળીના ખર્ચમાં ઘટાડો કરી શકે છે.
આ યોજનાના અમલીકરણમાં દેશભરમાં આશરે ૩૪,૦૦૦ વેન્ડર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થાનિક સ્તરે સોલાર સિસ્ટમ્સના વેચાણ, સ્થાપન અને સર્વિસ માટે મોટી સંખ્યામાં રોજગારની તકો પણ ઊભી થઈ રહી છે.
સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે બેન્કો દ્વારા પણ નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે ૨૨ લાખ સોલાર લોનને બેન્કો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લાભાર્થીઓ માટે લોન પર આશરે ૬ ટકા વ્યાજદરની સુવિધા ઉપલબ્ધ હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે સોલાર રૂફટોપ સ્થાપિત કરવું વધુ સરળ બની રહ્યું છે.
સોલાર રૂફટોપથી પરિવાર પોતાની વીજળીની જરૂરિયાતનો મોટો હિસ્સો સૂર્ય ઊર્જામાંથી મેળવી શકે છે, જેના પરિણામે લાંબા ગાળે વીજળીના બિલમાં બચત થઈ શકે છે. સાથે સાથે વધારાની વીજળી ગ્રીડમાં આપવાની વ્યવસ્થા દ્વારા સૌર ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બને છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માત્ર વીજળીના ખર્ચમાં રાહત આપતી યોજના નથી, પરંતુ દેશને સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધારવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સોલાર ક્ષેત્રમાં રોજગારી તથા વ્યવસાયની નવી તકો ઊભી કરવા માટે પણ મહત્વપૂર્ણ પહેલ છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના પરિવારો માટે આ યોજના સોલાર રૂફટોપ અપનાવવાની એક મહત્વપૂર્ણ તક છે. ૩૧ માર્ચ ૨૦૨૭ પહેલાં પાત્ર લાભાર્થીઓએ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી તેનો લાભ લેવા આગળ આવવું જોઈએ. સોલાર સિસ્ટમ લગાવવા માટે સંપર્ક કરો.
મુકેશ પરમાર
મો.૯૮૨૫૧ ૫૮૩૩૧
(4:16 PM IST)










