<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાજકોટના લોકપ્રિય લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ સર્જાશે : ભારતીય નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો જમાવશે સૂર-સંગીતની હેલી

જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમ : ગોપાલ ભરવાડ, રાજભા ગઢવી સહિતના જાણીતા કલાકારો મનોરંજન પીરસશે

રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના પ્રખ્યાત લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગોનો અનોખો સંગમ જોવા મળશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પાંચેય દિવસ દરમિયાન રાજકોટવાસીઓ અને મેળામાં આવતા મુલાકાતીઓ લોકસંસ્કૃતિ અને મનોરંજનના રંગે રંગાશે.

આ વર્ષના મેળાનું મુખ્ય આકર્ષણ દેશનું પ્રખ્યાત 'નેવી બેન્ડ' રહેશે. તા. ૦૨/૦૯/૨૦૨૬ અને ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ નેવી બેન્ડ દ્વારા ખાસ પર્ફોર્મન્સ આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, દરરોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

પાંચ દિવસીય મહોત્સવમાં ગુજરાતના નામાંકિત કલાકારો પોતાની રજૂઆતો આપશે. કાર્યક્રમોની વિગત મુજબ, તા. ૦૨/૦૯/૨૦૨૬ ના રોજ પ્રખ્યાત કલાકાર ગોપાલ ભરવાડ, તા. ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા. ૦૪/૦૯/૨૦૨૬ ના રોજ સાંત્વની ત્રિવેદી, તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ ઉદય ધાંધલ અને અંતિમ દિવસે તા. ૦૬/૦૯/૨૦૨૬ ના રોજ સાગર કાચા તથા દિવ્યેશ જેઠવાની જોડી સૂર-સંગીતની રમઝટ બોલાવશે. નેવી બેન્ડની સુરાવલીઓ અને લોકપ્રિય કલાકારોનો આ સુમધુર સંગમ રાજકોટની જનતા માટે યાદગાર બની રહેશે.

(9:28 PM IST)