<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પત્‍નીને પાછી મેળવવા નરબલિ? જમવાના બહાને બોલાવી યુવકને પતાવી દીધો

ઓડિશાના બોલાંગીર જિલ્‍લામાં એક યુવકની હત્‍યા અને તેનું માથું ધડથી અલગ કરી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્‍યો પોલીસે આ કેસમાં મુખ્‍ય આરોપી સહિત પાંચ લોકોની ધરપકડ કરી

બોલાંગીર તા.૨૨: ઓડિશાના બોલાંગીર જિલ્‍લામાં હત્‍યાનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. ૪૦ વર્ષીય યુવકને જમવાના બહાને બોલાવી તેની હત્‍યા કરી માથું ધડથી અલગ કરી દેવાયું. પોલીસને આશંકા છે કે આ હત્‍યા અંધશ્રદ્ધા અને કથિત તંત્ર-મંત્ર સાથે જોડાયેલી છે. પત્‍નીને પાછી મેળવવા માટે નરબલિ આપવામાં આવી હોવાના આરોપમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્‍યા અનુસાર ૪૦ વર્ષીય સંતોષ ખારસેલને ૧૮ ઓગસ્‍ટે જમવાના બહાને બોલાવવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેની હત્‍યા કરી લાશને ગામની બહાર આવેલા તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. જ્‍યારે તેનું કપાયેલું માથું આરોપીના ઘરના પૂજા રૂમમાં છુપાવવામાં આવ્‍યું હતું. પોલીસને શંકા છે કે આ સમગ્ર હત્‍યા અંધશ્રદ્ધા અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે.

બોલાંગીર જિલ્‍લાના દેવગાંવ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના બગડા ગામમાં આ ઘટના બની હતી. મૃતક સંતોષ ખારસેલ તુસુરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના તેબદામુંડા ગામનો રહેવાસી હતો. પોલીસના જણાવ્‍યા પ્રમાણે મુખ્‍ય આરોપી શત્રુઘ્‍ન સાહુએ ૧૮ ઓગસ્‍ટે સંતોષને પોતાના ઘરે જમવા માટે બોલાવ્‍યો હતો. સંતોષ ઊંઘી ગયા બાદ સાહુ અને તેના કેટલાક સાથીઓએ તેના પર હુમલો કર્યો હોવાની પોલીસને શંકા છે. ત્‍યારબાદ તેની હત્‍યા કરીને માથું ધડથી અલગ કરી દેવામાં આવ્‍યું હતું.

હત્‍યા બાદ આરોપીઓ સંતોષની લાશને ગામની બહાર લઈ ગયા હતા અને તેને એક તળાવમાં ફેંકી દીધી હતી. બીજી તરફ સંતોષનું કપાયેલું માથું આરોપી શત્રુઘ્‍ન સાહુના ઘરના પૂજા રૂમમાં છુપાવવામાં આવ્‍યું હતું. ગુરુવારે સ્‍થાનિક લોકોને તળાવ પાસે માથા વગરની લાશ જોવા મળી હતી. ત્‍યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા દેવગાંવ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્‍યું કે સંતોષને છેલ્‍લે શત્રુઘ્‍ન સાહુ સાથે જોવામાં આવ્‍યો હતો. આ માહિતીના આધારે પોલીસની ટીમ સાહુના ઘરે પહોંચી ત્‍યારે તે કથિત રીતે ઘરની અંદર મેડિટેશન કરી રહ્યો હતો. શરૂઆતની પૂછપરછમાં તેણે દારૂ પીવાની બાબતે થયેલા વિવાદ બાદ સંતોષની હત્‍યા કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું. જોકે વધુ પૂછપરછ દરમિયાન તેણે સંતોષનું કપાયેલું માથું પૂજા રૂમમાં છુપાવ્‍યું હોવાની કબૂલાત કરી હોવાનો પોલીસનો દાવો છે. ત્‍યારબાદ આરોપીએ પોલીસને માથું છુપાવેલી જગ્‍યા બતાવી હતી.પોલીસે આરોપી દ્વારા બતાવવામાં આવેલી જગ્‍યાએ ખોદકામ કર્યું હતું. ત્‍યાંથી સંતોષનું કપાયેલું માથું મળી આવ્‍યું હતું. આ ઉપરાંત હત્‍યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીવાળું ધારદાર હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. પોલીસે મુખ્‍ય આરોપી શત્રુઘ્‍ન સાહુ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

(3:26 PM IST)