તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ચમત્કાર વગર નમસ્કાર નહિઃ સામાન્ય લોકો જ નહી રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓ પણ દંડાયા
ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે સતત થતી કાર્યવાહી વચ્ચે નંબરપ્લેટ વગરના વાહનોને પેટ્રોલ- ડિઝલ- ગેસ ભરી આપવા પર પોલીસ કમિશનરના પ્રતિબંધની ધારી અસરોઃ ફટાફટ નંબરપ્લેટો લાગવા લાગીઃ કેટલાકે નંબર વગરના વાહનો ઓફીસ- ઘરના ગેરેજમાં પુરી દિધા : નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ લગાવી ફરતા ફોરવ્હીલર્સ અને હેલ્મેટના કાયદાનો સરેઆમ ભંગ કરતા ટેવાયેલા વાહનચાલકોની શાન ઠેકાણે લાવવા મહિનાઓથી ઘર આંગણેથી (પોલીસ હેડકવાર્ટર- પોલીસ કમિશનર કચેરી- પોલીસ સ્ટેશનો) દંડાત્મક કાર્યવાહી શરૂ થયા બાદ હવે રાજકારણીઓને પણ ઝપટે લેવાયા

નંબરપ્લેટ વગર પેટ્રોલ-ગેસ-ડીઝલ પુરાવા આવતા વાહનોએ તૈનાત પોલીસને જોઇ યુ-ટર્ન લીધા! : રાજકોટઃ નંબરપ્લેટ વગરના વાહનોમાં ઇંધણ પર પ્રતિબંધ ફરમાવતા પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાના કડક અમલ માટે આજથી દરેક પેટ્રોલપંપ ઉપર પોલીસ તૈનાત કરી દેવાતા નંબરપ્લેટ વગરના વાહનચાલકોને પંપ પરથી યુ-ટર્ન લઇ ભાગવુ પડયુ હતું. આમ કાયદાનો સંકજો વધુ કસાતા આજે પેટ્રોલપંપ ઉપર નંબરપ્લેટ વગરના વાહનો નહિવત જોવા મળ્યા હતા અને જે વાહનો નજરે પડયા તે પોલીસની નજરમાંથી બચી પેટ્રોલપંપ ઉપરથી નવ-દો-ગ્યારાહ થતા જોવા મળ્યા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૨૨: આર.ટી.ઓ. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા ટેવાયેલા રાજકોટના વાહનચાલકોને કાયદાનું પાલન કરતા કરવા માટે વર્ષોથી હાઇકોર્ટના આદેશ અને કાયદાની જોગવાઇઓ મુજબ દંડાત્મક કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ તેના ધાર્યા પરિણામો મળતા ન હતા. સમજુ લોકો દંડ ભરી પોતાની ભુલ સુધારી લેતા હતા જયારે લાગવગીયા લોકો રસ્તો કરી લેતા હતા. જેને લઇને ધીમે-ધીમે ગુન્હાહીત પ્રવૃતિઓને પણ સીધુ કે આડકતરૂ પ્રોત્સાહન મળી રહયુ હતું. આ વચ્ચે નંબરપ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાવી ફરતા વાહનોનો સોૈથી વધુ નિયમભંગ જોવા મળતો હતો. અંતે ‘‘ચમત્કાર વગર નમસ્કાર નહિ''ની ઉકિત મુજબ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાએ કાયદાનો સંકજો વધુ કસવા નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલપંપ પરથી પેટ્રોલ-ડિઝલ કે ગેસ મળવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યુ હતું જેની ધારી અસરો ગણતરીના દિવસોમાં જ પડતી જોવા મળી છે. સામાન્ય લોકો જ નહી પરંતુ પોલીસ કર્મચારીઓ અને રાજકારણીઓ પણ ડાહ્યા ડમરા થઇ દંડ ભરતા અને ભૂલ સુધારતા થઇ ગયા છે.પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને એડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે ટ્રાફિક ડ્રાઇવનો ઉદેશ દંડ વસુલવાનો નહી પરંતુ રસ્તા પરના અકસ્માતો અને ગુનાઓ નિવારવાનો હોવાનું જણાવ્યુ હતુ.
ગઇકાલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ એક નંબરપ્લેટ વગરના સ્કુટર પર મહિલા કાર્યકર સાથે કોઇ કાર્યક્રમમાં સામેલ થયાના ફોટોગ્રાફસ વાયરલ થયા બાદ આજે જે તે વાહનના માલીકે નિયમ મુજબ દંડ ભરી નંબરપ્લેટ લગાવી લેવાનું વલણ અપનાવ્યુ હતું. આવી જ રીતે જીલ્લા પંચાયતના મૃદુભાષી સિનિયર આગેવાન નાગદાનભાઇ ચાવડાની કાર પણ નંબરપ્લેટ વગર રસ્તે જોવા મળ્યાનો વિડીયો ફરતો થયા બાદ નાગદાનભાઇએ માધ્યમોને અકસ્માતના કારણે રીપેરીંગમાં કાર જવાના કારણે નંબરપ્લેટ નહિ હોવાનો ખુલાસો કર્યો હતો. એટલુ જ નહી ‘‘કાયદો બધા માટે સરખો'' તેમ જણાવી તુરંત નંબરપ્લેટ લગાવી દંડ ભરવાની તૈયારી દર્શાવી દીધી હતી. આમ રાજકીય વ્યકિતઓ દ્વારા જાણે-અજાણે થયેલા નિયમભંગને પણ સુધારી લેવાયો હતો.
આ બારામાં ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાનો સંપર્ક કરી કેટલા પોલીસ કર્મચારીઓ સામે નંબરપ્લેટ, હેલ્મેટ, કાળી ફિલ્મોના નિયમોના ભંગ બદલ પગલા લેવાયા? તેવુ પુછતા શ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે, કોઇપણ સ્વચ્છતા અભિયાનની શરૂઆત જેમ ઘરઆંગણેથી કરવામાં આવે તે મુજબ વર્ષોથી પોલીસ કમિશનર કચેરી, પોલીસ હેડકવાર્ટર અને પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી સતત થઇ રહી છે. છેલ્લા મહિનામાં પોલીસ કે પોલીસ પરિવારોના ૧૦૦ થી ૨૦૦ વાહનો ડિટેઇન કરાયા છે. આજે પણ બપોર સુધીમાં લગભગ પોલીસના ૫ વાહનો ડિટેઇન કરાયા છે. આમ કાયદો બધા માટે સરખો...નું સુત્ર સાર્થક કરવા માટે ટ્રાફિકબ્રાંચ સતત પ્રયત્નશીલ છે. પોલીસ કમિશનરશ્રીના તાજેતરના જાહેરનામાની ધારી અસરો જોવા મળી છે. પરમદિવસે નંબરપ્લેટ વગર ઇંધણ પુરાવાના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી થતાની સાથે જ પેટ્રોલપંપો ઉપર નંબરપ્લેટ વગર આવતા વાહનો અટકી ગયા છે. બે મહિના માટે બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાના કડક અમલ માટે દરેક પેટ્રોલપંપ ઉપર પોલીસમેન ગોઠવી દેવાયા છે.
નંબરપ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોનો લૂંટ-ધાડ, ચોરી, ચીલઝડપ, ઘાતક હૂમલામાં બહોળો ઉપયોગ થતો હોવાથી પોલીસ કમિશનરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ધારી અસરો વર્તાય રહી છે
(3:34 PM IST)










