<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

રાજકોટ શહેરમાં ડ્રાઇવ દરમિયાન ડીટેઇન કરાયેલા વાહનો ચોરીના હોવાનો પર્દાફાશ

ટ્રાફિક પોલીસની કાર્યવાહી: ત્રણ વાહન ચોરાઉ હોવાનું ખુલ્યું: ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજા, એસીપી એમ.એમ. લાલીવાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસ કરતાં પણ વધુ સમયથી શહેરમાં નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) ડૉ. હરપાલસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફિક શાખા) એમ.એમ. લાલીવાલા તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલી આ ખાસ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ ડીટેઇન કરાયેલા વાહનોની ઉંડાણપૂર્વક ચકાસણી કરતા તેમાંથી ત્રણ વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તા. ૦૩/૦૮/૨૦૨૫ ના રોજ ચેકીંગ દરમિયાન એક સફેદ કલરનું હોન્ડા એક્ટિવા ડીટેઇન કરવામાં આવ્યું હતું. આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર GJ-03-PE-7273 અને ચેસીસ નંબર ME4JK361CSW022669 છે. તપાસ કરતા આ વાહનના માલિક ગોંડલ (જી. રાજકોટ)ના રહીશ ઋષિત હાંસલીયા હોવાનું માલૂમ પડ્યું હતું અને આ અંગે તા. ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ F.I.R. NO. 11213094250TA હેઠળ ચોરીની ફરિયાદ નોંધાયેલી હતી. તપાસ દરમિયાન બીજું કાળા કલરનું હોન્ડા એક્ટિવા પણ ચોરીનું નીકળ્યું હતું, જેને તા. ૦૬/૦૮/૨૦૨૫ ના રોજ ચેકીંગ દરમિયાન ડીટેઇન કરાયું હતું. આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર GJ-37-P-0582 અને ચેસીસ નંબર ME4JK158GRG000084 છે. તેના મૂળ માલિક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના રહીશ પુજાબેન પાંડે છે. આ વાહન ચોરી અંગે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૦૭/૨૦૨૫ ના રોજ F.I.R. NO. 11208052250483 નોંધાઈ હતી.

તેમજ આ જ ડ્રાઇવ દરમિયાન તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ વધુ એક કાળા કલરનું હોન્ડા એક્ટિવા ડીટેઇન કરવામાં આવ્યું હતું. આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર GJ-03-NJ-0857 અને ચેસીસ નંબર ME4JK156BRW497468 છે. આ વાહનના માલિક રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીના રહીશ કૈલાસબા કરણસિંહ ઝાલા છે. આ વાહન બાબતે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૨/૦૫/૨૦૨૪ ના રોજ E.F.I.R. દાખલ કરવામાં આવી હતી.

ચોરીના ત્રણેય વાહનો મળી આવતા રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા આ અંગે જરૂરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૂળ વાહન માલિકોને જાણ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

(12:32 PM IST)