News of Monday, 24th August 2026
લગ્નની લાલચ દઇ શોષણઃ મંદિરમાં લઇ જઇ સેંથો પુર્યો, છેલ્લે વ્હોટ્સએપમાં મેસેજ કરી માફી માંગી તરછોડી દીધી
કોલેજમાં સાથે ભણતાં હોઇ પરિચય અને પ્રેમ થયો પછી વારંવાર દેહ સંબંધ બાંધ્યો : જેતપુરના ડેડરવાના ચિંતન વિરૂધ્ધ રાજકોટ એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટતા. ૨૪: લગ્નની ખોટી લાલચ આપી યુવતીનું સતત શારીરિક શોષણ કરવા, ગર્ભપાત કરાવવા તથા બાદમાં લગ્ન કરવાની ના પાડી વિશ્વાસઘાત કરવા મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેતપુરના ડેડરવા ગામના વતની યુવક સામે એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ બનાવમાં પોલીસે મુળ જેતપુર પંથકની ૨૬ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી ડેડરવાના ચિંતન ભરતભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યુવતિએ ફયિરાદમાં જણાવ્યું છે કે હાલ તે રાજકોટ રહે છે. અગાઉ વર્ષ ૨૦૨૧માં સાથે અભ્યાસ કરતી વખતે તેણીનો પરિચય ચીંતન મકવાણા સાથે થયો હતો. આ પછી પરિચય વધતાં અવારનવાર ફોન કોલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ થઈ હતી, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી.
આ પછી જૂન-૨૦૨૨માં પીડિતા વધુ અભ્યાસ અર્થે રાજકોટ આવ્યા બાદ પણ આરોપી ચીંતન તેને મળવા રાજકોટ આવતો હતો. આરોપીએપોતે માસ્ટર પુરૂ કરી પછી બંને લગ્ન કરી લઈશું તેવી ખાતરી આપી હતી. ફેબ્રુઆરી-૨૦૨૩માં રાજકોટના કિસાનપરા ચોક પાસે આવેલી એક હોટેલમાં લઈ જઈ તેણે યુવતી સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર આ જ હોટેલમાં યુવતીને બોલાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતું. આ કારણે જુલાઈ-૨૦૨૪માં યુવતીને બે માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે આરોપી ચીંતનને જાણ કરાતાં તેણે યુવતીને લગ્ન કરવાનું બહાનું આપી ગર્ભપાત કરવાની દવા મોકલી આપી હતી, જે દવાની અસરથી યુવતીને ગર્ભપાત થઈ ગયો હતો.
ત્યારબાદ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બંને ચોટીલા ખાતે દર્શને ગયા હતા, જ્યાં ચામુંડા માતાજીના મંદિરે ચીંતને યુવતીની માંગમાં સેંથો પૂરી માતાજીની સાક્ષીમાં તેને પત્ની તરીકે સ્વીકારી હતી. પરંતુ ત્યારબાદ જ્યારે પણ યુવતી લગ્ન કરવાનું કહેતી ત્યારે આરોપી અવારનવાર બહાના બતાવી સમય પસાર કરતો હતો. તાજેતરમાં પણ કોર્ટ મેરેજ કરવાની વાત કરી હતી. પરંતુ બાદમાં ચિંતને પીડિતા કે તેના પરિવારજનોને જાણ કર્યા વિના જ તેના મોટાભાઈને ફોન કરીને જેતપુરના સરદાર ચોક ખાતે પીડિતાના પરિવારને બોલાવી લીધો હતો અને યુવતીને ઘરે લઈ જવાને બદલે તેના પરિવારજનોને સોંપી દીધી હતી. પીડિતાએ એકલી ઘરે જવાને બદલે તેની સાથે આવવાની જિદ્દ કરતાં આરોપી ચીંતને જેતપુર ખાતે રહેતા તેના સગાના ઘરે બધા વચ્ચે મને બે-ત્રણ દિવસનો સમય આપો, હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં તેમ કહી સમય માંગ્યો હતો
છેલ્લે ગત તા. ૧૦/૦૮/૨૦૨૬ના રોજ આરોપી ચીંતન મકવાણાએ યુવતીને વોટ્સએપ પર મેસેજ કરી માફી માંગી હતી અને ત્યારબાદ યુવતીનો મોબાઈલ નંબર બ્લોક કરી દઈ તમામ સંપર્કો કાપી નાખ્યા હતા. લગ્નની લાલચ આપી સતત શારીરિક શોષણ કરી ગર્ભપાત કરાવડાવી નાંખ્ય હોઇ અને છેલ્લે લગ્નની ના પાડી દીધી હોઇ અંતે યુવતિએ ફરિયાદ કરતાં પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરવાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:56 PM IST)










