તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th August 2026
૧લીથી ચાની ‘‘ચુસ્કી'' મોંઘીઃ અડધી ચાની પ્યાલીમાં રૂા. ૫ થી ૮નો ભાવવધારો ઝીંકાશે
ખાંડના ભાવ વધતા બોજો ગ્રાહકો ઉપર : ખાંડ અને દૂધના ભાવવધારાની અસર સીધી કિટલી ઉપર પડીઃ ચાના પ્રેમીઓ બોલ્યા ‘‘રૂપિયા વધારે દેવા પડશે પણ ચા તો નહિ જ છૂટે!!''

રાજકોટઃ રંગિલા રાજકોટવાસીઓ માટે સવારની શરૂઆત જેની સાથે થાય છે તે ચા હવે ખિસ્સા પર ભારે પડી રહી છે. બજારમાં ખાંડ અને દૂધ સહિતની કાચી સામગ્રીના ભાવમાં થયેલા વધારાના કારણે શહેરની હોટલો અને કિટલીઓ પર ચાના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અડધી ચા (કટિંગ ચા) ના ભાવમાં ૫ રૂપિયાથી લઈને ૮ રૂપિયા સુધીનો સીધો વધારો નોંધાયો છે. આ ભાવવધારો ૧ સપટેમ્બરથી લાગુ પડશે તેમ જાણવા મળે છે.
રાજકોટના લોકો માટે ચા એ માત્ર પીણું નથી પરંતુ એક લાગણી અને સંસ્કૃતિ છે. ભાવવધારા અંગે જ્યારે સ્થાનિક ચાસુસીઓ (ચા પ્રેમીઓ) નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની ખાસ રાજકોટી શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી. લોકોનું કહેવું છે કે, ભાવ વધ્યા છે તો શું થયું? ૫ કપ પીતા હશું તો ૩ કપ પીશું, પણ ચા વગર તો આપણું રાજકોટ નહીં જ ચાલે!
ચાના સંચાલકોના જણાવ્યા મુજબ, ખાંડના ભાવ વધી જતાં અને ચા ની ભૂકી તથા દૂધના ભાવ ઉંચા જતાં તેમના માટે જૂના ભાવે ચા વેચવી મુશ્કેલ બની ગઈ હતી. જેને પગલે મજબૂરીમાં ભાવવધારો કરવો પડ્યો છે. ભાવ વધવા છતાં સવાર-સાંજ કિટલીઓ પર લાગતી ચા પ્રેમીઓની ભીડ એ વાતની સાક્ષી પૂરે છે કે રાજકોટવાસીઓ માટે ચાની ચુસ્કી આગળ મોંઘવારી પણ ફિક્કી સાબિત થઈ છે.(૩૮.૪૪)
(3:09 PM IST)










