તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
હીરાસર એરપોર્ટને જોડતા નવા ગ્રીન ફિલ્ડ સિકસલેન રોડ સામે હવે અણીયારા ગામના ખેડૂતોનો વિરોધઃ હિતની અવગણનાના આક્ષેપો
૧૮૦૦ વીઘા જમીન સંપાદન કરાઇ રહી છેઃ ૧પ૦૦થી વધુ ખેડૂત-પરિવારો અસરગ્રસ્ત બનશે કલેકટર અને ખાસ જમીન સંપાદન અધિકારીઓને આવેદનઃ યોગ્ય વળતર આપ્યા વગર જમીન લેવાનો પ્રયાસ

રાજકોટ, તા. ર૪: જિલ્લામાં રીબડાના પાટિયાથી નવા હીરાસર એરપોર્ટને જોડતા ગ્રીનફિલ્ડ ૬-લેન રોડ પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આજે અણીયારા ગામના ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રાજકોટ કલેક્ટર તેમજ ખાસ જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર પાઠવી વાંધા અરજી નોંધાવી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોના હિતોની સંપૂર્ણ અવગણના થઈ રહી છે અને યોગ્ય બજારભાવ કે વળતર આપ્યા વગર જમીન લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂત આગેવાને પત્રકારોને જણાવ્યું હતું કે રીબડાથી લઈને હીરાસર સુધીના વિસ્તારમાં આશરે ૧૮૦૦ વીઘા જેટલી ખેતીની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જેના કારણે ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા ખેડૂત પરિવારો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે.અસરગ્રસ્તોમાંથી આશરે ૯૦% ખેડૂતો સંપૂર્ણપણે ખેતી આધારિત જીવન જીવે છે અને તેમની પાસે આજીવિકાનો બીજો કોઈ વિકલ્પ નથી. ખેતરોના બે ભાગ પડતા ભવિષ્ય અંધકારમય ખેડૂતોની મુખ્ય રજૂઆત એ છે કે રોડ તેમના ખેતરોની વચોવચથી પસાર થતો હોવાથી જમીનના બે ટુકડા થઈ જાય છે. બંને બાજુ વધતી જમીન કદ અને આકારમાં એટલી નાની થઈ જશે કે ભવિષ્યમાં ન તો ત્યાં ખેતી થઈ શકશે કે ન તો અન્ય કોઈ ઉપયોગ. જો સરકાર તરફથી યોગ્ય માર્કેટ વેલ્યુ, વિભાજનથી થતા નુકસાન તેમજ ખેતરમાં રહેલા બોર-કૂવા, વળક્ષો, પાઇપલાઇન અને વીજ જોડાણોનું અલગથી મૂલ્યાંકન કરીને યોગ્ય વળતર નહીં અપાય તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે.
જમીન સંપાદન અને વળતર નક્કી કરવા ખેડૂત હિત રક્ષક સમિતિને સાથે રાખી પારદર્શક સર્વે કરવો. NHAI, મહેસૂલ તંત્ર અને જમીન માલિકની સંયુક્ત હાજરીમાં વિડીયોગ્રાફી સાથે ચોક્કસ માપણી કરવી.
ખેડૂતોના આવાગમનની સુવિધા જળવાય તે માટે રોડની રચના કરવી. નેશનલ હાઇવે એક્ટ ૧૯૫૬ની કલમ ૩સી(૧) હેઠળ વ્યક્તિગત સુનાવણી આપી આગામી ૨૦ વર્ષના ભાવ વધારાને ધ્યાને રાખી વળતર ચૂકવવું. તેવી માંગણી મુકાઇ છે.
ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધારાસભ્ય અને સાંસદ સમક્ષ રજૂઆત કરી કોર્ટમાંથી સ્ટે મેળવવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે
(2:52 PM IST)










