તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
જનરલ બોર્ડમાં હવે ‘અધૂરી માહિતી' નહીં ચાલે : ૭ દિવસમાં વિગતો આપવી પડશે
સામાન્ય સભામાં મેયર નેહલ શુકલની તાકિદ બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો કડક પરિપત્ર : જનરલ બોર્ડમાં જવાબ ઉપરાંત માંગવામાં આવતી વધારાની માહિતી સંબંધિત શાખાધિકારીએ સાત દિવસમાં અચૂક આપવી પડશેઃ પ્રશ્નોત્તરીમાં અધૂરી માહિતી અને ખોટા જવાબોની ફરિયાદો વચ્ચે તંત્રને તાકીદ : પરિપત્રનો તાત્કાલિક અસરથી ચુસ્ત અમલ કરવા આદેશ

રાજકોટ ,તા.૨૪ : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવતા પ્રજાલક્ષી પ્રશ્નોના જવાબોમાં અધૂરી માહિતી આપવામાં આવતી હોવા ઉપરાંત કેટલાક પ્રશ્નોના ખોટા જવાબો અપાતા હોવાની ફરિયાદો વચ્ચે હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. જનરલ બોર્ડમાં કોઈ કોર્પોરેટર પ્રશ્નના જવાબ ઉપરાંત વિશેષ માહિતી કે વધુ વિગતો માંગે અને તે માહિતી બોર્ડમાં તાત્કાલિક ઉપલબ્ધ ન હોય તો સંબંધિત શાખાધિકારીએ સાત દિવસમાં અચૂકપણે તે માહિતી સંબંધિત કોર્પોરેટરને મોકલવાની રહેશે.
મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યો દ્વારા વિવિધ વિભાગો અને શાખાઓની કામગીરીને લગતા લોકહિતના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના તથ્યલક્ષી અને મુદ્દાસર જવાબો સંબંધિત શાખાધિકારીઓ દ્વારા તૈયાર કરીને સામાન્ય સભામાં સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ જવાબોને લઈને સભા દરમિયાન સભ્યો દ્વારા ચર્ચા અને પૂરક વિગતોની માંગ પણ કરવામાં આવતી હોય છે.
મ્યુનિસિપલ કમિશનરના પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય સભામાં સંબંધિત શાખાધિકારી દ્વારા રજૂ કરાયેલા જવાબ ઉપરાંત કોઈ સભ્ય પ્રશ્ન અંગે વધુ વિગતો કે વિશેષ માહિતી માંગે તો સંબંધિત અધિકારીએ તે માહિતી તૈયાર કરીને ૭ દિવસની અંદર સંબંધિત સભ્યને અચૂક મોકલવી પડશે.
આ પરિપત્રનો અમલ તાત્કાલિક અસરથી અને ચુસ્તપણે કરવા તમામ સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. પરિણામે હવે જનરલ બોર્ડમાં કોઈ પ્રશ્નની સંપૂર્ણ વિગતો તાત્કાલિક ઉપલબ્ધ ન હોય તો પણ અધિકારીઓ માત્ર જવાબ આપીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં; માંગવામાં આવેલી વિશેષ વિગતો નિયત સમયમર્યાદામાં કોર્પોરેટર સુધી પહોંચાડવી પડશે.
(3:11 PM IST)










