<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ધંધુકામાં ૨૦ વર્ષના રાહુલને ઝેરી અસરઃ રાજકોટમાં મોતઃ ઝેરી દવા પીધી કે કફ શીરપ? તે અંગે તપાસ

સગાએ કહ્યું-ગામમા દશામાના ધ્‍વજાનો પ્રસંગ હોઇ તેમાં જોડાયા બાદ બે ત્રણ મિત્રોએ ઉધરસ-કફની દવાની બોટલો પીધી હતીઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા.૨૫: અમદાવાદ જીલ્લાના ધંધુકામાં મીરાવાડી વિસ્‍તારમાં રહેતાં વીસ વર્ષના યુવાનનું ઉધરસની દવાની બોટલો પીધા બાદ તબીયત બગડતાં મોત થયું છે. આ યુવાન છ દિવસ પહેલા ગામમાં દશામાની ધ્‍વજાનો પ્રસંગ હોઇ શેરીયાત્રા નીકળી તેમાં બીજા મિત્રો સાથે જોડાયો હતો. ત્‍યારબાદ તેણે મિત્રો સાથે મળી મેડીકલમાંથી મળતી ઉધરસ-કફને લગતી દવાની બોટલો લઇ બધાએ પીધી હતી. જેમાંથી આ યુવાનની તબીયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ધંધુકા મીરાવાડીમાં રહેતાં રાહુલ દિનેશભાઇ ચારોલીયા-ખારવા (ઉ.વ.૨૦) નામના યુવાને ૧૯/૮ના રોજ ઝેરી અસર થતાં ધંધુકા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ ગઇકાલે તેનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધંધુકા પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણે ઝેરી દવા પીધાનું કહેવાતાં તે મુજબની નોંધ કરાવાઇ હતી.

દરમિયાન રાહુલના સગાએ ફોન પર વાતચીતમાં જણાવ્‍યું હતું કે રાહુલ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. સગાએ કહ્યું હતું કે ૧૯મીએ ગામમાં દશામાની ધ્‍વજાનો પ્રસંગ હોઇ શેરી યાત્રા નીકળી હતી. એ પછી બે ત્રણ મિત્રોએ મળી કોઇ ઉધરસ-કફની દવાની બોટલો લઇને પીધી હતી. જે પીધા પછી રાહુલ અને બીજા એક છોકરાને તકલીફ થઇ હતી. ધંધુકા સારવાર બાદ રાહુલને રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. જો કે ખરેખર રાહુલે શું પીધુ હતું? તે અંગે ધંધુકા પોલીસ વધુ તપાસ કરે છે.

(10:52 AM IST)