હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સહકાર રોડ મંદિરના પૂજારી ૭૭ વર્ષિય વૃધ્ધ પર બાઇકચાલક હુમલો કરી ભાગ્યો
ઠોકરે ચડાવતાં ધ્યાન રાખવાનું કહેતાં ઉશ્કેરાઇને તૂટી પડયો : રામેશ્વર મંદિરમાં પુજારી તરીકે સેવા આપે છેઃ કિશોરદાસ અગ્રાવતને ઢીકાપાટુ મારી માથામાં ચાવીના ઘા માર્યાઃ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૨૫: સહકાર નગર રોડ પર હસનવાડીમાં રહેતાં ૭૭ વર્ષના પુજારી વૃધ્ધ સવારે ઘરેથી ચાલીને નજીકના મંદિરે જતાં હતાં ત્યારે રસ્તામાં એક બાઇકચાલકે ઠોકરે લેતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુ અને બાઇકની ચાવીથી માથામાં માર મારતાં ઇજા થતાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે.
જાણવા મળ્યા મુજબ હસનવાડી ત્રિશુલ ચોકમાં રહેતાં કિશોરદાસ ગણેશદાસ અગ્રાવત (ઉ.વ.૭૭) સવારે સાડા નવેક વાગ્યે ઘરેથી ચાલીને નજીકમાં આવેલા શ્રીરામેશ્વર મંદિર ખાતે જતાં હતાં. આ વખતે અજાણ્યા બાઇકના ચાલકે તેનું વાહન કિશોરદાસને અડાડી દેતાં તેમણે તેને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં ચાલકે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બાઇકની ચાવી કાઢી તેનાથી માથામાં ઇજા કરી હતી.
દેકારો મચી જતાં બાઇકચાલક ભાગી ગયો હતો. લોકોએ વૃધ્ધના પરિવારજનોને જાણ કરતાં તેઓ આવી ગયા હતાં અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ભક્તિનગર પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી. કિશોરદાસ મંદિરમાં સેવાપૂજા કરે છે અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તેઓ પાંચ ભાઇ અને બે બહેનમાં બીજા છે. ૧૧૨માં કોલ કરતાં પોલીસ આવી હતી. એ દરમિયાન હુમલાખોર ભાગી ગયો હતો.










