News of Tuesday, 25th August 2026
માધાપર ચોકડી પાસે ધ સ્પેસ બિલ્ડીંગમાં ૧૨ માળેથી કિશોરભાઇ મશરૂએ પડતું મુકતાં મોત
૬૪ વર્ષના વૃધ્ધને પચ્ચીસ વર્ષથી માનસિક બિમારી હોઇ કંટાળીને પગલુ ભર્યાની વિગતો ખુલીઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એન. પીઠીયા અને ટીમે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: શહેરની માધાપર ચોકડી પાસે રહેતાં વૃધ્ધે એપાર્ટમેન્ટના બારમા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવને પગલે પરિવારજનો અને બિલ્ડીંગના રહેવાસીઓમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેસ બિલ્ડીંગ ઇ-વીંગ ૧૦૨૪માં રહેતાં એક વૃધ્ધે બારમા માળેથી પડતું મુકતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયાની જાણ ૧૦૮ના ઇએમટી રૂપલબેન સોલંકી મારફત થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પીએસઆઇ એમ. એન. પીઠીયાની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરી લેનારા વૃધ્ધનું નામ કિશોરભાઇ દેવચંદભાઇ મશરૂ (ઉ.વ.૬૪) ધ સ્પેશ બિલ્ડીંગમાં જ બારામ માળે રહેતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. દિકરો પ્રાઇવેટ નોકરી કરે છે. વૃધ્ધને પચ્ચીસેક વર્ષથી માનસિક બિમારી હોઇ તેની દવા સારવાર ચાલુ હતાં. આ કારણે કંટાળીને તેમણે પડતું મુકી દીધુ હતું. બનાવથી પરિવારજનો, બિલ્ડીંગના રહેવાસીઓમાં શોક છવાઇ ગયો હતો.
(2:31 PM IST)










