હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો પાસેથી એક કરોડની મત્તા જપ્ત કરી ૯૦ લોકોને પરત અપાવી
સુલતાનપુર પોલીસમાં લલીત ટારીયાની ફરિયાદને આધારે સોહિલ મેમણ, ઇરફાન મેમણની અટકાયત કરી ૧.૨૦ લાખની મત્તા પરત અપાવાઇઃ બાદમાં તપાસમાં બીજા ૯૦ લોકો પણ આ વ્યજાખોરોની ચુંગાલમાં ફસાયાનું ખુલ્યું: એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં કામગીરી : કુલ ૨૭.૪૮ લાખના દાગીન, ૪૯.૩૧ લાખ રોકડા અને ૨૯ લાખના દસ્તાવેજો, વાહનો, ૬ કોરા ચેક પરત અપાવાયા : ૨૦૨૬માં વ્યાજખોરીના ૬૨ કેસમાં ૧૨૫ની ધરપકડ કરવામાં આવી

રાજકોટ તા. ૨૫: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવળત્તિ સદંતર નાબુદ કરવા અને વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવા અને તેમણે વ્યાજખોરીમાં ગુમાવેલી માલમત્તા પરત અપાવવા માટે વધુ એક વખત રાજકોટ ગ્રામ્ય પોલીસે નોંધપાત્ર કામગીરી કરી ૯૧ લોકોને ૧ કરોડથી વધુની રોકડ, દાગીના, દસ્તાવેજો પરત અપાવ્યા છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા વ્યાજખોરીના ગુનામાં એક ફરિયાદીને એક લાખથી વધુની મત્તા પરત અપાવી બે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંનેએ બીજા નેવુ લોકોને પણ વ્યાજખોરીમાં ફસાવી નાણ, દાગીના, દસ્તાવેજો પડાવી લીધાનું ખુલતાં આ તમામ મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરી નાબુદ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગોંડલ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.એ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલી સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજખોરીના ગુનામાં એક કરોડથી વધુની માલમત્તા વ્યાજખોરો પાસેથી કબ્જે કરી ૯૧ ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવી છે. ગુન્હાના આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અને દસ્તાવેજો કબ્જે કરી ભોગ બનનારાઓને પરત અપાવી સફળ કામગીરી કરી છે.
ગોંડલ તાલુકાના મોવીયા ગામના હદવાણી વાળી શેરીમાં રહેતા અને માલઢોરનો ધંધો કરતા લલીત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારીયા (ઉ.વ. ૩૦) નામના યુવકે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, વાસાવડ ગામે રહેતા સોહિલ રફીકભાઈ સલાટ (ઉ.વ. ૨૬) અને ઇરફાન રફીકભાઈ સલાટ (ઉ.વ. ૨૪) પાસે નાણાધીરધારનું લાયસન્સ ન હોવા છતાં લલીતભાઈએ અલગ-અલગ સમયે માસિક ૩ ટકાના ઊંચા વ્યાજે કુલ રૂા. ૪૪,૦૦૦ લીધા હતા. જેની સામે તેમણે રૂા. ૨૦,૦૦૦ જેટલુ વ્યાજ ચુકવી દીધું હતું. ત્યારબાદ આર્થિક ભીંસને કારણે વ્યાજ આપવાનું બંધ કરતાં જ બંને આરોપીઓએ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી લલીતભાઈને ફોન પર ધમકાવી, ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક હેરાનગતિ પહોંચાડી હતી.
આ ફરિયાદના આધારે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૦૮ (૨), ૩૦૮ (૪), ૩૫૧ (૩), ૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ની કલમ ૫, ૩૩, ૪૦, ૪૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓ સોહિલ રફીકભાઈ ઉર્ફે બાબુભાઈ સલાટ અને ઇરફાન રફીકભાઈ ઉર્ફે બાબુભાઈ સલાટ (બંને રહે. ખત્રીવાડ, વાસાવડ, તા. ગોંડલ) ની અટકાયત કરી હતી. ઈ-સાક્ષ્ય એપ મારફતે પંચોની હાજરીમાં પંચનામું કરી આરોપીઓના ઘરેથી શરૂઆતમાં ?૧,૨૦,૨૫૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના (જેમાં સોનાની ચાંદલી, ચાંદીના કડા અને લક્કી) રિકવર કર્યા હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઊંડાણપુર્વક તપાસ હાથ ધરતાં અન્ય ભોગ બનનાર લોકો પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા લાગ્યા હતા. પોલીસે આશરે ૯૦ જેટલા ભોગ બનનાર નાગરિકોની વિગતો મેળવી તેમનો સંપર્ક કરાવ્યો હતો. પરિણામે, આરોપીઓ પાસેથી સ્વખુશીથી ભોગ બનનારાઓના સોના-ચાંદીના દાગીના તથા જમીન-મકાનના દસ્તાવેજો પરત અપાવવામાં આવ્યા હતા. પોલીસે સોનાના દાગીનાઃ કુલ ૧૮૦.૬૫ ગ્રામ કિંમત આશરે રૂપિયા ૨૭,૪૮,૪૫૦, ચાંદીના દાગીનાઃ કુલ ૧૯ કિલો૭૨૪ ગ્રામ કિંમત આશરે ૪૯,૩૧,૦૦૦, દસ્તાવેજોઃ જમીન, મકાન તથા પ્લોટના દસ્તાવેજો તેમજ વાહનની આર.સી. બૂક કિંમત આશરે રૂપિયા ૨૬,૦૦,૦૦૦ તથા સહી કરેલા છ કોરા ચેક મળી કુલ રૂા. ૧,૦૫,૭૯,૪૫૦ (એક કરોડ પાંચ લાખ ઓગણએંસી હજાર ચારસો પચાસ)નો મુદ્દામાલ મુળ માલિકોને પરત અપાવવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી સોહિલ રફીકભાઈ ઉર્ફે બાબુભાઈ સલાટ સામે અગાઉ પણ વાહન અકસ્માતના બે ગુન્હા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન અને આટકોટ પાલીસ સ્ટેશન તથા એક એન.સી. ગુન્હો સુલતાનપુર પાલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. નોંધનીય છે કે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સને-૨૦૨૬માં અત્યાર સુધીમાં વ્યાજખોરીના કુલ ૬૨ ગુન્હા દાખલ કરીને ૧૨૫ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકો વ્યાજખોરો વિરૂધ્ધ સામે આ નંબરો પર ફોન કરી શકશે
પોલીસે અસામાજિક તત્વો, વ્યાજખોરી કે નશીલા પદાર્થો અંગેની કોઈ પણ માહિતી આપવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૧-૨૪૫૫૧૦૦ અથવા નીચે દર્શાવેલ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવાયું છે.
‡વિજયસિંહ ગુર્જર (પોલીસ અધીક્ષક) ૯૯૭૮૪ ૦૫૦૮૦ ઞ્જસિમરન ભારદ્વાજ (એસડીપીઓ ધોરાજી)-૯૨૧૩૦ ૦૦૪૩૪ ઞ્જનવીન ચક્રવર્તી રેપુડી (એસડીપીઓ જસદણ) ૯૪૯૪૬ ૬૫૨૫૯ ઞ્જકે.જી.ઝાલા (ડીવાયએસપી ગોંડલ)-૯૯૭૮૪ ૦૭૦૯૫ ઞ્જઆર.એ.ડોડીયા (એસડીપીઓ જેતપુર)-૯૯૭૮૪ ૦૮૧૮૮










