<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

અસંભાઉઉઉ' : શ્વાન પ્રેમ ઉજાગર કરતી ગુજરાતી ફિલ્‍મ ૪ સપ્‍ટેમ્‍બરે થશે રીલીઝ

સર્જનાત્‍મકતા અને સંવેદનાનો સંગમ : ચારેક ગીતો ધૂમ મચાવે છે : માણસ અને અબોલ જીવ વચ્‍ચેના પ્રેમની પરિભાષા અનોખી રીતે વ્‍યકત : મુંબઇના ડોગ ટ્રેનરોની કાબીલેદાદ કમાલ જોવા મળશે : રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્‍સત મુનશીએ ‘અકિલા' સમક્ષ વર્ણવી રસપ્રદ વિગતો

 

 

રાજકોટ તા. ૨૫ : શ્વાન પ્રેમ ઉજાગર કરતી મનોરંજન અને સંવેદનાસભર ગુજરાતી ફિલ્‍મ ‘અસંભાઉઉઉ' આગામી તા. ૪ સપ્‍ટેમ્‍બરથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્‍ટારકાસ્‍ટ ટીમના રોનક કામદાર, મિત્ર ગઢવી  અને તત્‍સત મુનશીએ જણાવ્‍યુ હતુ કે માણસ અને અબોલ જીવ વચ્‍ચેના પ્રેમની પરિભાષ  અનોખી રીતે વ્‍યકત કરતા આ ફિલ્‍મમાં મનોરંજનની સાથે સંવેદના પણ પ્રગટતી જોવા મળે છે. એક અબોલ જીવ કેવી વફાદારી નિભાવી શકે અને તેને વાચા પણ ફુટે તો તે શું ઇચ્‍છે તેની રસપ્રદ વાત કંડારવામાં આવી છે.

ફિલ્‍મમાં શ્વાન સાથે મિત્રતાનો કિરદાર નિભાવ્‍યો છે તેવા રોનક કામદાર કહે છે કે શ્વાન સાથે ફિલ્‍મ કરવાનો આ મારો પહેલો જ અનુભવ રહ્યો છે. ખુબ મજા આવી કામ કરવાની. મારા પાત્રનું નામ ચિંતન છે અને શ્વાનનું નામ ચિન્‍ટુ છે. ચિંતન અને ચિન્‍ટુની જોડી જામે છે.

બાદમાં પ્રણયના વિષય પર ફિલ્‍મ આગળ વધે છે. લગ્નનો પ્રસંગ આવે છે ત્‍યારે શ્વાન ચિન્‍ટુ અણવર તરીકે સાથે રહેવાની જીદ પકડે છે અને પછી જે ઘટનાઓ સર્જાય છે તે ફિલ્‍મમાં જોવી જ રહી.

ર કલાક ૧૫ મીનીટની અવધીની આ ફિલ્‍મમાં ‘ભાઉ ભાઉ', ‘પાછો આવી ગયો', ‘ઓ મારા ભેરૂ', ‘જીરે જીરે..' સહીત ચારેક ગીતો છે. જેને જીગરદાર ગઢવી અને સિધ્‍ધાર્થ અમિત ભાવસારે સ્‍વર આપ્‍યો છે. ફિલ્‍મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદમાં  કરાયુ છે.

ડોગના દ્રશ્‍યો કંડારવા ખાસ મુંબઇના ટ્રેનરોએ સેવા આપી હતી. જેમાં ગોલ્‍ડન રીટ્રીવર સહીત અલગ અલગ ૭ બ્રીડના શ્વાનોએ ફિલ્‍મમાં કામ આપ્‍યુ છે.

ફિલ્‍મના દિગ્‍દર્શક અને લેખક પાર્થ ત્રિવેદી છે. નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ છે. અભિનય રોનક કામદાર, મિત્ર ગઢવી, શિવાની ભારદ્વાજ અને તત્‍સત મુનશીએ આપ્‍યો છે. મ્‍યુઝક ડાયરેકટર તરીકેની સેવા કેદાર ભાર્ગવે આપી છે.

ખાસ કરીને જન્‍માષ્‍ટમીના તહેવારોમાં ૪ સપ્‍ટેમ્‍બરથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહેલ આ ફિલ્‍મ દરેક વર્ગને પસંદ પડશે તેવો આશાવાદ ‘અસંભાઉઉઉ'ની ટીમે વ્‍યકત કર્યો હતો.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ સાથે ‘અસંભાઉઉઉ'ની સ્‍ટારકાસ્‍ટ ટીમના રોનક કામદાર, મિત્ર ગઢવી અને તત્‍સત મુન્‍શી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:34 PM IST)