<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ડોશી તારે આ ઘરનું પગથીયું ચડવાનું જ નહિ...વૃધ્‍ધાને પુત્રવધૂ કાજલબેને બટકુ ભરી ખૂનની ધમકી દીધી!

રાજકોટના મહિકા ગામનો બનાવઃ આજીડેમ પોલીસે વૃધ્‍ધા નીલમબેન કાચાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યોઃ કાજલબેને રિસામણે જઇ ભરણપોષણનો કેસ કર્યો છેઃ ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી દીધાનો આરોપ

રાજકોટ તા. ૨૬: શહેરના રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા ગામમાં રહેતાં ૭૨ વર્ષના વૃધ્‍ધા પર તેની જ પુત્રવધૂએ હુમલો કરી મારામારી કરી હાથમાં બટકુ ભરી લઇ ડોશી તારે આ ઘરનું પગથીયું ચડવાનું નહિ, નહિતર મારી નાંખીશ કહી ધમકી આપી તેમજ બેભાન થવાનું નાટક કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકા ગામમાં રાધીકા રેસીડેન્‍સી શેરી નં. ૧ બ્‍લોક નં. ૪૬માં રહેતાં નીલમબેન સુરેશભાઇ કાચા (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી તેમની પુત્રવધૂ કાજલબેન કમલેશભાઇ કાચા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

વૃધ્‍ધા નીલમબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારી સાથે પતિ સુરેશભાઇ, નાના દિકરા કમલેશભાઇ, તેની પત્‍નિ કાજલબેન સાથે રહુ છું. જ્‍યારે મોટા દિકરા અલ્‍પેશભાઇ અલગ તેના પરિવાર સાથે રહે છે. પુત્રવધૂ કાજલબેન બે વર્ષથી રિસામણે છે અને તેણીએ મારા દિકરા કમલેશભાઇ પર ભરણપોષણનો કેસ કર્યો છે. તા. ૨૨/૮ના હું મારા મોટા દિકરા અલ્‍પેશભાઇના ઘરે ગઇ હતી. રાતે નવેક વાગ્‍યે હું પરત મારા દિકરા કમલેશભાઇના ઘરે આવી હતી. આ વખતે તેની પત્‍નિ કાજલ આવી હતી.

તેણી મારા દિકરાને કહેવા લાગી હતી કે હું તારા માતા-પિતાને મારી સાથે રાખીશ નહિ, મારે તેની સાથે રહેવું નથી. જેથી તેને કહો કે અહિથી ચાલ્‍યા જાય. આ બાબતે મારા દિકરાએ તેમજ મેં કાજલને સમજાવવાનો પ્રયાસ કરતાં તે ઉશ્‍કેરાઇ ગઇ હતી અને ગાળો દેવા માંડી હતી. મારા દિકરાએ ગાળો દેવાની ના પાડતાં તેણે અચાનક મારામારી ચાલુ કરી દીધી હતી. તેણે ઢીકાપાટુનો માર મારી મારા ડાબા હાથના કાંડા પર બટકુ ભરી લીધુ હતું. મારી મોટી ઉમરને કારણે હું તેને રોકી શકી નહોતી. હું નીચે પડી જતાં મારા દિકરાએ અને પોૈત્રી વિશ્વા જે સાત વર્ષની છે તે તેણે વચ્‍ચે પડી મને બચાવી હતી.

આ પછી પણ પુત્રવધૂ કાજલે -ડોશી તારે ઘરનું પગથીયું ચડવાનું નહિ, નહિતર તને પતાવી દઇશ તેમ કહી ધમકી દીધી હતી. આ પછી તેણે મારા દિકરા સાથે પણ મારામારી કરી હતી અને દેકારો કરી કહ્યું હતું કે-હમણા હું બેભાન થઇને હોસ્‍પિટલમાં દાખલ થઇ તારુ અને તારા દિકરાનું નામ લખાવી દઇશ, ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની છું, જીવા જેવી રહેવા નહિ દઉં, આખા પરિવારનું નામ લખાવી દઇશ તેમ કહી ૧૦૮ બોલાવી હતી અને તેમાં બેસી હોસ્‍પિટલે ગઇ હતી.મને પણ મારા દિકરાએ સારવાર માટે ખસેડી હતી. જ્‍યાં સારવાર બાદ મને ડોક્‍ટરે રજા આપી હતી. આ પછી અમે પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં  નીલમબેન કાચાએ જણાવતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. કે. વી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:14 PM IST)