News of Wednesday, 26th August 2026
ગાંધીગ્રામના ધાર્મિકના નામે રેલનગરના નિશીતે બે લોન કરાવી લઇ રૂા. ૧ાા લાખનો ચુનો લગાવ્યો
નિશીતે મારો સિબીલ સ્કોર ખરાબ છે તું તારા નામે લોન કરાવી દે તો તને હું રોકડા આપીશ કહી એક્ટીવા, આઇફોન ખરીદી લીધાઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: રાજકોટ તા. ૨૬: ગાંધીનગર સોસાયટીમાં રહેતાં અને કપડાની દુકાનમાં કામ કરતાં યુવાનનો સંપર્ક પર્સલન લોન લેતી વખતે રેલનગરના યુવાન સાથે થયો હોઇ આ શખ્સે પરિચયનો ગેરલાભ ઉઠાવી પોતાનો સિબિલ સ્કોર ખરાબ હોઇ આ યુવાનના નામે દોઢ લાખની લોન કરાવી ટુવ્હીલર અને આઇફોન ખરીદી લઇ બાદમાં દોઢ લાખ રોકડા પરત ન આપી ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.
તાલુકા પોલીસે આ બનાવમાં ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી-૫ અમથીબા વિદ્યાલયની બાજુમાં રહેતાં અને કોટેચા ચોકથી અમીન માર્ગના રસ્તા પર સદ્દગુરૂ નામે કપડાની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ધાર્મિક મહેશભાઇ મોરવાડીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રેલનગરના નિશીત મહેતા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધાર્મિક પિતા મહેશભાઇ, મોટા ભાઇ ઉમંગ, ભાભી હીરલબેન અને દાદી લીલાબેન સાથે રહે છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે આજથી આશરે બે વર્ષ પહેલા મારે લોનની જરૂર પડતા હું યાજ્ઞિક રોડ પર રામકળષ્ણમંદિરની સામે આવેલ દુકાને લોન લેવા માટે ગયેલો ત્યારે મારી ઓળખાણ રેલનગરના નિશીત મહેતા સાથે થઇ હતી. તેણે મને લોન કરાવી આપેલ હતી. ત્યારબાદ ગઈ તા.૦૩/૦૭/૨૦૨૬ના રોજ હુ મારા ઘરે હાજર હતો અને મારે પૈસાની જરૂર પડતા લોન લેવી હોઇ જેથી મે નિશીતને ફોન કરતાં તેણે કહેલુ કે મારો સિબીલ સ્કોર ખરાબ છે અને મારે લોન થતી નથી તુ તારા નામે લોન કરી એકટીવા મોટર સાયકલ તથા એક આઈફોન ફોન મને લઈ આપ હું તને રૂ. ૧,૫૦,૦ ૦૦ આપીશ. મારે પૈસાની જરૂર હોઇ મેં હા પાડેલ અને નિશીતે મને કહેલ કે પેહેલા તું મને લોન કરાવી આપ ત્યારબાદ હું તને રૂ.૧,૫૦,૦૦૦ આપીશ.
આ પછી૧૦/૭ ના સવારના હુ મારા ઘરે હાજર હતો ત્યારે નીશીતનો ફોન આવેલ અને કહેલ કે કે.કે.વી.હોલ પાસે આવેલ પંજાબ હોન્ડાના શો રૂમ પાસે તારા ડોકયુમેન્ટ લઇને આવ મારે એકટીવા લેવાનું છે. જેથી હું મારા ડોકયુમેન્ટ લઈ શો રૂમ ખાતે ગયેલો અને ત્યા નિશિત તથા તેની પત્નિ ભારતી પરમાર હાજર હતા. ત્યાં મારા નામે રૂ. ૭૯, ૮૫૮ની લોન કરાવી મારા નામે એક્ટીવા ખરીદ કર્યુ હતું. નિશિતે મને કહેલ કે તુ અહિ બેસ હું ગોંડલ રોડ પર આવેલ શો રૂમમાં મોબાઇલ ફોન લેવા માટે જાઉ છું. તારા ફોનમાં ઓટીપી આવે એટલે તુ મને આપજે. બાદમાં નિશીત તેની પત્નિને લઇ નીકળ્યો હતો. મને બપોરે સાડાબારેક વાગ્યે ઓટીપી આવતાં મેં નિશીતને આપ્યો હતો.
નિશીતે કેશીફાઈવ મોબાઈલ શો રૂમ ખાતેથી મારા નામે લોન કરાવી આઇફોન-૧૫ પ્રો રૂા. ૭૯,૨૯૧માં ખરીદ કર્યો હતો. જેના ડાઉન પેમેન્ટના ૨૮ હજાર તેણે રોકડા આપ્યા હતાં. તેણે ત્યારે કહેલું કે મોબાઇલના અને હોન્ડા એક્ટીવાના હપ્તા હું ભરીશ. આ પછી પતિ-પત્નિ ફરી કેકેવી ચોકમાં આવેલા અને એક્ટીવા આઇફોન લઇ જતા રહ્યા હતાં. મારે તેની પાસેથી પૈસા લેવાના હોઇ તેને ફોન કરતાં રાતે તે અમીન માર્ગ પર હોઇ મેં તેની સાથે વાત કરતાં તેણે બેંક એકાઉન્ટ નંબર, આઇએફએસી કોડ વ્હોટ્સએપ કરવાનું કહેતાં મેં તેને મોકલ્યા હતાં. આ પછી હું ઘરે ગયો હતો. બાદમાં ૧૩/૮ના રોજ પંજાબ હોન્ડા શો રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે તમારા એક્ટીવાની નંબર પ્લેટ આવી ગઇ છે. જેથી હું ત્યાં ગયો હતો અને જીજે૦૩યુએફ-૧૮૩૯ નંબરની પ્લેટ મને આપી હતી. જો કે નિશીતે મારા નામે લોન કરાવી એક્ટીવા, આઇફોન કરી લીધા બાદ મને રૂપિયા આપ્યા નથી. આ રીતે તેણે ઠગાઇ કરી હતી. તેમ વધુમાં ધાર્મિકે જણાવતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. વાય. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(2:18 PM IST)










