હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંદર વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યાએ ચાર વખત દૂષ્કર્મ
સાથે કામ કરતી વખતે ચબરખીમાં નંબર લખીને આપ્યા બાદ વાતચીત કરી ફસાવીઃ ભોમેશ્વર વિસ્તારના શખ્સ વિરૂધ્ધ થોરાળા પીઆઇ એસ. પી. સોઢાએ પોક્સો, ધાકધમકીનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૬: શહરેમાં સગીરાઓને મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જવાના અથવા તો દૂષ્કર્મ આચરી લેવાના બનાવો અવાર-નવાર પોલીસ ચોપડે ચડતાં રહે છે. વધુ એક આવા બનાવમાં થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી એક પંદર વર્ષની બાળાને પોતે કામ કરવા જતી હોઇ ત્યાં પરિચય થતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સે તેણીને ફોન નંબર લખેલી ચબરખી આપી વાતચીતની શરૂઆત કરી બાદમાં પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ દિવસે ચાર વખત દૂષ્કર્મ આચરી લીધુ હતું. તેમજ બાળાને મારી નાંખવાની ધમકી પણ આપતો હોઇ અંતે તેણીએ ઘરમાં વાત કરતાં પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં થોરાળા પોલીસે ભોગ બનનાર પંદર વર્ષની સગીરાના વાલીની ફરિયાદને આધારે આરોપી વિરૂધ્ધ દૂષ્કર્મ, ધાકધમકી, પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદની વિગત અનુસાર પાંચેક મહિના અગાઉ બાળા કેટરર્સના કામે જતી હોઇ ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ સાથે થયો હતો. આ પરીચય બાદ એ શખ્સે તેણીને ફોન નંબર દીધા હતાં. બાદમાં તેણી સાથે વાતો ચાલુ કરી હતી અને તેને ફસાવી લીધી હતી. બાદમાં થોરાળા વિસ્તારમાંથી વાહનમાં બેસાડીને લઇ જઇ પોતે જ્યાં કામ કરતો હતો તે સહિતના સ્થળે ચારેક વખત દૂષ્કર્મ આચરી લીધુ હતું.
બાળાને હવે તે ધાકધમકી આપતો હોઇ તેણી ગભરાઇ જતાં પરિવારજનોને વાત કરતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ એસ. પી. સોઢા, રાઇટર દિવ્યરાજસિંહ સહિતે બાળાની માતાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આરોપી સગીર વયનો છે કે પુખ્ત વયનો? તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. (૧૪.૯)










