<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

મિલાદ ઉન નબી પર દાઉદી બોહરા સમુદાયે પયગંબર મોહમ્‍મદ (સ.અ.વ.)ના વારસાને નમન કર્યુ

રાજકોટ : શહેરના દાઉદી બોહરા સમુદાયે સમગ્ર વિશ્વના મુસ્‍લિમો સાથે જોડાઈને પયગંબર મોહમ્‍મદ (સ.અ.વ.)ના જન્‍મદિન ‘મિલાદ ઉન નબી'ની ઉજવણી કરી હતી. આ શોભાયાત્રામાં રાજકોટના વિવિધ વિસ્‍તારોનું પ્રતિનિધિત્‍વ કરતા સમુદાયના સભ્‍યોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શોભાયાત્રા જ્‍યુબિલી ગાર્ડનથી શરૂ થઈને શહેરના મુખ્‍ય સ્‍થળો જેવા કે જવાહર રોડ, ત્રિકોણબાગ, બાપુના બાવલા અને લાખાજીરાજ રોડ પરથી પસાર થઈને નૂર મસ્‍જિદ ખાતે સંપન્ન થઈ હતી. સમુદાયના સ્‍વયંસેવકોએ ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવી સ્‍થાનિક લોકોને ઓછી અસુવિધા થાય તે માટે સહયોગ આપ્‍યો હતો. પરંપરાગત કોમ્‍યુનિટી બેન્‍ડ્‍સ અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ શોભાયાત્રાનો ભાગ બન્‍યા હતા. સમગ્ર શહેરમાં તેમજ વિશ્વભરમાં દાઉદી બોહરા સમુદાયના લોકોએ પોતાની સ્‍થાનિક મસ્‍જિદો અને કોમ્‍યુનિટી સેન્‍ટર્સમાં એકત્ર થઈને દિવંગત ૫૨મા ધર્મગુરુ હિઝ હોલીનેસ સૈયદના મોહમ્‍મદ બુરહાનુદ્દીનનું રેકોર્ડ કરેલું પ્રવચન (વાઅઝ) સાંભળ્‍યું હતું. પયગંબર મોહમ્‍મદ (સ.અ.વ.)ના જીવન અને ઉપદેશો પર આધારિત આ પ્રવચનમાં પોતાના વારસા અને ઓળખ સાથે જોડાયેલા રહીને શિક્ષણ મેળવવાના ફાયદાઓ, ખાસ કરીને દૈનિક નમાઝ અને કુરાનની તિલાવત દ્વારા ચરિત્ર નિર્માણ કરવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. રાજકોટના સમુદાયના સભ્‍ય જોહરકાર્ડવાળા હસનેનભાઇએ જણાવ્‍યું હતું કે, કરુણા, ન્‍યાય અને માનવતાના મૂલ્‍યો પર કેન્‍દ્રિત પયગંબર સાહેબ (સ.અ.વ.)નું જીવન અને તેમના ઉપદેશો દરેક મુસ્‍લિમ માટે માર્ગદર્શક પ્રકાશ સમાન છે. અમારા રોજિંદા જીવનમાં આ ઉપદેશોનું પાલન કરવા અને એક સક્ષમ નાગરિક તરીકે વ્‍યાપક સમાજમાં સકારાત્‍મક યોગદાન આપવા માટે અમને સતત પ્રેરણા મળતી રહે છે. શ્રી જગદીશ બાંગરવા (ડીસીપી - ક્રાઈમ અને સ્‍પેશિયલ બ્રાન્‍ચ)નો તેમના મૂલ્‍યવાન સહયોગ,  બદલ હાર્દિક આભાર વ્‍યકત કરાયો હતો. એ ડિવિઝનના પી.આઇ.શ્રી જયેશ વાઢિયા, પીએસઆઇ શ્રી સોલંકી અને પીએસઆઇ શ્રી ચાવડા અને તમામ પોલીસ સ્‍ટાફનો પણ આભાર વ્‍યકત કરાયો હતો.

(2:53 PM IST)