તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 27th August 2026
‘હમણા આવું' કહીને નીકળેલા મનહર સોસાયટીના સાગર ભગલાણીની લાલપરી તળાવમાંથી લાશ મળી
ઇલેક્ટ્રીશયન યુવાન કાકાનું હોન્ડા લઇને નીકળ્યા બાદ ગૂમ થતાં પોલીસને જાણ કરાઇ હતીઃ તળાવ પાસેથી મળેલા હોન્ડા પરથી ઓળખ થઇઃ ૧ાા વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૭: શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે રહેતો ઇલેક્ટ્રીશીયન યુવાન બે દિવસ પહેલા કાકાનું હોન્ડા લઇને હમણા આવું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી પોલીસને ગૂમ થયાની જાણ કર્યા બાદ આજે આ યુવાનની લાશ લાલપરી તળાવમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તળાવ નજીકથી મળેલા હોન્ડા મોટરસાઇકલના નંબરને આધારે પોલીસે સગાની શોધખોળ કરી હતી.
જાણવા મળ્યા મુજબ લાલપરી તળાવમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસની ટીમ પહોંચી હતી. મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન તળાવ પાસે હોન્ડા રેઢુ પડયું હોઇ તે મૃતકનું જ હોવાનું તારણ નીકળતાં તેના નંબરને આધારે પોલીસે સર્ચ કરતાં આ બાઇક કલ્પેશભાઇ મનુભાઇના નામનું હોઇ પોલીસે તેને બોલાવી તપાસ કરાવતાં મૃતદેહ તેમના ભત્રીજા સાગર રાજેશભાઇ ભગલાણીનો હોવાનું સ્પષ્ટ થયું હતું. સાગરે કોઇ કારણોસર આત્મહત્યા કર્યાની પ્રાથમિક શક્યતા છે. જો કે કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી.
મૃત્યુ પામનાર સાગર ૨૫મીએ ઘરેથી હમણા આવુ કહીને નીકળ્યા બાદ ગૂમ થતાં તે ગૂમ થયાની પોલીસને જાણ પણ કરાઇ હતી. તે ઇલેક્ટ્રીશીયન તરીકે કામ કરતો હતો અને ત્રણ ભાઇમાં બીજો હતો. સંતાનમાં દોઢ વર્ષનો દિકરો છે. પિતા આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે.
(2:46 PM IST)










