તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 27th August 2026
બે વૃધ્ધના નંબર ટેલીગ્રામ ચેનલમાં નાંખી-‘આ કોલ ગર્લ છે' એવું લખ્યું!: દેવેન પંત સામે ગુનો
એક સંસ્થા સાથે જોડાયેલા બે વૃધ્ધ સાથે અંગત રાગદ્વેષ હોઇ હેરાન કરવા તેમના નંબર-એડ્રેસ પણ ફલીપકાર્ટ પર નાંખી અલગ અલગ પાર્સલો મોકલતો : શહેર સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવી, રાઇટર સુધીરભાઇએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭ : સોશિયલ મિડીયા માધ્યમનો ઘણા લોકો બીજાને હેરાન કરવા માટે દુરૂપયોગ કરતાં હોય છે. આવો જ એક સાયબર ક્રાઇમનો કિસ્સો શહેર સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો છે. જેમાં એક શખ્સે એક સંસ્થામાં જોડાયેલા બે વયોવૃધ્ધના ફોન નંબર ટેલીગ્રામમાં વલ્ગર સાહિત્ય પીરસતા ગ્રુપ-ચેનલમાં વહેતા કરી આ કોલગર્લના નંબર છે તેવું લખી નાંખતા આ વૃધ્ધોને અલગ અલગ શખ્સો ફોન કરી હેરાન કરતાં હોઇ તેમજ આ બંનેના ફોન નંબર, એડ્રેસ ઓનલાઇન ડિલીવરી કરતી ફલીપકાર્ટમાં પણ નાંખી દઇ અલગ અલગ પાર્સલો મોકલી તેમને હેરાન કરવામાં આવતાં હોઇ ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનેલા બે પૈકી ૬૫ ર્ષ્વાના એક વૃધ્ધની ફરિયાદને આધારે હાલ રાજકોટ રહેતાં મુળ અન્ય રાજ્યના વતની દેવેન પંત વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર વૃધ્ધ અને અન્ય એક વૃધ્ધ શહેરની એક સંસ્થામાં જોડાયેલા છે. આ વૃધ્ધની સાથે જ આરોપી દેવેન પંત પણ સંસ્થા સાથે સામેલ હોઇ કોઇપણ કારણોસર અંગત રાગદ્વેષ ઉભો થતાં દેવેન પંતે આ બંને વૃધ્ધના ફોન નંબર ટેલીગ્રામ ચેનલમાં વહેતા કરી દીધા હતાં અને આ બંને નંબર કોલ ગર્લના છે એવુ લખી નાંખ્યું હતું. જેથી અલગ અલગ શખ્સો દ્વારા આ વૃધ્ધોને ફોન કરી સેક્સ માટેના ભાવતાલ પુછી હેરાન કરવામાં આવતાં હતાં.
આ ઉપરાંત બંને વૃધ્ધને અવાર-નવાર ફલીપકાર્ટ તરફથી પાર્સલો પણ મળતાં હોઇ અને ઓટીપી પણ આવતાં આ અંગે તપાસ કરતાં અહિ પણ તેમના નામ નંબર ઘરના એડ્રેસ એડ કરીને દેવેન જ તેમને હેરાન કરવા કોઇપણ ચીજવસ્તુના પાર્સલો તેમના ઘરે મોકલતો હોવાનું ખુલ્યું હતું. અંતે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. ગઢવી, રાઇટર સુધીરભાઇ સહિતે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(2:47 PM IST)










