<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું રાહતદરે વેચાણ કરાશે

મામલતદારઓ તથા ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ: લાઈવ ગાંઠીયા (સીંગતેલમાં) રૂ.૭૪૦ના કિલો : ૧ કી.ગ્રા. લાડુ, મોહનથાળ અને મૈસુબનાં રૂ. ૨૮૦ નક્કી કરાયા

રાજકોટ : જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.૨૭ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ તથા જિલ્લા પુરવઠા અધિકારીની સુચનાનુસાર યોજાયેલ આ બેઠકમાં મામલતદાર શહેર પશ્ચિમ, મામલતદાર શહેર પુર્વ તથા મામલતદાર શહેર દક્ષિણ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર જોબનપુત્રા તેમજ અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં તા.૦૧ સપ્ટેમ્બરથી તા.૦૬ સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે તેલનાં પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા નીચા ભાવે ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓએ સર્વ સમંતિ આપી હતી.  
આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને અધ્યક્ષસ્થાનેથી વેપારીઓને દુકાનો પર સ્વચ્છતા જાળવવા, દાજીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનિકારક રંગીન દ્રવ્ય વાપરવામાં ન આવે, જનતાને ગુણવતાયુક્ત ફરસાણ અને મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા અંગે વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ફરસાણ અને મીઠાઈનાં નક્કી કરાયેલા ભાવ પ્રમાણે સીંગતેલનાં લાઈવ ગાંઠીયાનાં કિલોનો ભાવ હાલ રૂ. ૮૦૦ છે, જે આ તહેવાર દરમિયાન રૂ. ૭૪૦ તથા ફરસાણનો ભાવ જે હાલ રૂ. ૬૬૦ છે તે રૂ. ૬૨૦ રહેશે. સાથે સાથે કપાસિયા તેલનાં લાઈવ ગાંઠીયા કિલોનાં રૂ. ૫૬૦ તથા ફરસાણ ૪૪૦ રૂપિયા કિલો તથા પામોલીન તેલનાં લાઈવ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલો રૂ. ૪૮૦ તથા ફરસાણનો ભાવ રૂ. ૩૫૦ રહેશે.
આ ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો પ્રવર્તમાન ભાવ રૂ. ૩૨૦ છે, જે તહેવાર દરમિયાન ૨૮૦ રૂપિયાનાં કિલો લેખે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે.
મોહનથાળ અને મૈસુબ ટોપરાના લોટનો રૂ.૩૨૦ તથા ચણાના લોટનો રૂ.૨૮૦માં રાહતદરે વેચાણ કરાશે.



 

(10:59 PM IST)