<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સંત કબીર રોડ પર બાઇક સ્‍લીપ થઇ જતાં શિવમ્‌ સોસાયટીના ઇમિટેશનના ધંધાર્થી યુવાનનું મોત

૩૦ વર્ષનો ઉમેશ ડાભી ઇમિટેશનનો સામાન લેવા-દેવા માટે નીકળ્‍યો ત્‍યારે માસૂમ સ્‍કૂલ નજીક બગીચા પાસે બનાવઃ દિકરીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક

 

 

રાજકોટ તા. ૨૮: વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્‍યુ થયું છે. આરટીઓ કચેરી પાસે રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં ત્રીસ વર્ષના યુવાનનું સંત કબીર રોડ પર બાઇક સ્‍લીપ થતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે. ઈમીટેશનનો માલસામાન દેવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ આરટીઓ પાસે શિવમ્‌ સોસાયટી-૨માં રહેતો ઉમેશભાઇ નાનજીભાઇ ડાભી (ઉ.વ.૩૦) નામનો યુવાન  બાઇક હંકારીને ઘરેથી સંત કબીર રોડ પર જતો હતો ત્‍યારે માસુમ સ્‍કૂલ પાસે બગીચા નજીક કોઇપણ કારણોસર બાઇક સ્‍લીપ થઇ જતાં તે વાહન સહિત ફંગોળાઇ જતાં માથા, શરીરે ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ઉમેશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. તે ઘરે બેઠા ઇમિટેશન અને વેક્‍સનું કામ કરતો હતો. સંતાનમાં એક દિકરી છે. પોતે ઇમિટેશનનું કામ લેવા-દેવા માટે નીકળ્‍યો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેના પિતા હયાત નથી. પોતે માતા અને ભાઇ, પત્‍નિ, દિકરી સહિતના પરિવાર સાથે રહેતો હતો.

(2:24 PM IST)