<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ઓપરેશન થાય તો મોઢુ ચીરી નાખે, અંતે મોત તો છે જ...ચિઠ્ઠી લખી રમેશભાઇ અમરેલીયાનો આપઘાત

મને મોઢાનું કેન્‍સર છે, તડપીને મરવા નથી માંગતો...એટલા માટે આ પગલુ ભરુ છું : રૈયા લાઇટ હાઉસમાં બનાવઃ સીટી બસમાં કંડકટર તરીકે નોકરી કરતાં ચાલીસ વર્ષિય યુવાને ઝેરી દવા પી જિંદગી ટુંકાવી લેતાં બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૯: આત્‍મહત્‍યાના વધુ એક બનાવમાં એક પરિવારે યુવાન અને આધારસ્‍તંભ પુત્ર  ગુમાવી દીધો હતો. રૈયા લાઇટ હાઉસમાં રહેતાં અને સીટી બસમાં કંડકટર તરીકે નોકરી કરતાં યુવાને ઝેરી દવા પી જિંદગી ટુંકાવી લીધી છે. તેણે સ્‍યુસાઇડ નોટમાં લખ્‍યું છે કે-મને મોઢાનું કેન્‍સર છે, તડપીને મરવા નથી માંગતો, મને માફ કરજો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા લાઇટ હાઉસ વીંગ-૨ પહેલા માળે ૧૦૩ નંબરના ફલેટમાં રહેતાં રમેશભાઇ કાંતિલાલ અમરેલીયા (ઉ.વ.૪૦) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. આપઘાત કરનાર રમેશભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના પત્‍નિનું નામ નયનાબેન છે. તેણી રક્ષાબંધન હોઇ જુનાગઢ  માવતરે ગયા હતાં.

વહેલી સવારે રમેશભાઇએ માતા મંગળાબેનને પોતે દવા પી લીધાનું કહેતાં તુરત જ સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ રમેશભાઇએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.રમેશભાઇએ આપઘાત પુર્વે ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્‍યું છે કે હું રમેશ આ પગલુ એટલા માટે ભરુ છું કે મને મોઢામાં ચાંદી  છે અને લોહીની ઉલ્‍ટી થઇ હતી. મારુ મોઢુ નથી ખુલતું, મને મોઢાનું કેન્‍સર છે, હું તડપીને મરવા નથી માંગતો, માટે આ કરુ છું. મને માફ કરજો.

આગળ લખ્‍યું છે કે મને કાલે દાઢ બહુ દુખી, સહન કરી શકતો નહોતો. ઓપરેશન કરે તો મોઢુ ચીરી નાંખે, અને અંતે મોત તો છે જ. માટે હું આ પગલુ ભરુ છું. પૂજા, જૈમિન બા, દાદા, અને તારી મમ્‍મીને હેરાન કરવા નહિ. નયના આઇ એમ સોરી જાન. આ લખાણ પછી તેણે નીચે અંગ્રેજીમાં સહી કરી હતી.

એએસઆઇ જયદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મોઢાના કેન્‍સરથી કંટાળીને રમેશભાઇએ આ પગલુ ભર્યાનું આ ચિઠ્ઠીને આધારે બહાર આવ્‍યું હતું. દિકરાના આ પગલાથી વૃધ્‍ધ માતા-પિતા સહિતના સ્‍વજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(2:35 PM IST)