તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
પૂરવઠાનું ગાંઠીયા-ફરસાણમાં ભાવ બાંધણુઃ એ સરકારી તંત્રનો અણઘડ નિર્ણયઃ લોકોને ‘રાહત'ને બદલે ‘ડામ' મળ્યો!!
સીંગતેલ અને કપાસીયા તેલમાં માત્ર ૭ થી ૧૦ રૂા.નો ફરક છેઃ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ સાથે કલેકટરને આવેદન : રાહતદરના ભાવ રખાયા તે પ્રર્વતમાન બજાર ભાવ કરતા પણ ઉંચાઃ વ્યાજબી ભાવ બાંધણું ફરીથી જાહેર કરો

રાજકોટ તા.૨૯: રાજકોટમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફરસાણ અને મીઠાઈના ભાવ બાંધણા સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલા તથા અતુલ રાજાણી દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને સાતમ-આઠમના તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના નક્કી કરાયેલા ભાવ બાંધણા અંગે રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સરકારી તંત્રના અણઘડ નિર્ણયના કારણે મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત મળવાના બદલે વેપારીઓને વધુ ફાયદો થઈ રહ્યો છે.સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મામૂલી તફાવત હોવા છતાં બંને તેલમાં તળાતા ગાંઠિયાના ભાવમાં મોટો તફાવત રાખવામાં આવ્યો છે. બજારમાં સામાન્ય રીતે ગાંઠિયા રૂ. ૩૫૦, ૪૦૦, ૫૫૦ કે ૬૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે તંત્ર દ્વારા જાહેર કરાયેલા રાહત દરના ભાવ રૂ. ૭૪૦/- અને રૂ. ૪૪૦/- રાખવામાં આવ્યા છે, જે પ્રવર્તમાન બજાર ભાવ કરતા પણ ઊંચા છે.
૧ કિલોગ્રામ તેલમાં કેટલા કિલોગ્રામ ફરસાણ તૈયાર થાય છે તેની કોઈ યોગ્ય ગણતરી પુરવઠા વિભાગ કે મામલતદાર તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તહેવારોના દિવસોમાં વેપારીઓના દૈનિક ટર્નઓવરને ધ્યાનમાં રાખીને ગ્રાહક અને વેપારી બંનેને ફાયદો થાય તે રીતે ભાવ નિયંત્રિત કરવાની જરૂર હતી.પુરવઠા વિભાગ અને તંત્રે વાસ્તવિક બજાર સર્વે કર્યા વિના ઉતાવળે નિર્ણય લઈને પ્રજાના વ્યાપક જનહિતને નજરઅંદાજ કર્યું છે.કોંગ્રેસ આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ બાબતે તાત્કાલિક યોગ્ય અને વ્યાજબી ભાવ બાંધણું પુનઃ જાહેર કરવામાં આવે જેથી તહેવારોના સમયે પ્રજાને સાચી રાહત મળી શકે. આ રજૂઆતમાં ગાયત્રીબા વાઘેલા,અશોકસિંહ વાઘેલા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઈ પુજારા, જગુભા જાડેજા અને સી.પી. મકવાણા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા.(૨
(2:36 PM IST)










