<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

શિક્ષણ સમિતિમાં એન્‍ટ્રી માટે ભાજપની ‘પાંચ મુદ્દાની ગાઈડલાઈન': નો-રિપિટ થિયરીથી નવા ચહેરાઓને તક

સ્‍નાતક સુધીનો અભ્‍યાસ જરૂરી, કોર્પોરેશનની ચૂંટણી હારેલાને સ્‍થાન નહીં: વડીલો અને અનુભવી કાર્યકરોને પણ મળશે તકઃ ૧૨ સભ્‍યોમાં ઓછામાં ઓછા ચાર મહિલાઓનો સમાવેશ કરવો જરૂરીઃ ૩૦૦થી વધુ દાવેદારો મેદાનમાં, સાતમ-આઠમના તહેવારો બાદ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સંભાવના

રાજકોટ, તા. ૨૯: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. શિક્ષણ સમિતિમાં સભ્‍ય બનવા ઇચ્‍છતા ભાજપના કાર્યકરો અને આગેવાનો માટે પક્ષના પ્રદેશ સ્‍તરેથી પાંચ મુદ્દાની મહત્‍વપૂર્ણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. શૈક્ષણિક લાયકાતથી લઈને વયમર્યાદા, ચૂંટણી હારેલા ઉમેદવારો, મહિલાઓનું પ્રતિનિધિત્‍વ અને ‘નો-રિપિટ થિયરી' સુધીના માપદંડોને આ માર્ગદર્શિકામાં સ્‍થાન આપવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે.

રાજ્‍યની મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ પદાધિકારીઓની નિયુક્‍તિ થઈ ચૂકી છે, પરંતુ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનાની પ્રક્રિયા બાકી છે. રાજકોટમાં પણ શિક્ષણ સમિતિની રચના કયારે થશે અને તેમાં કોને સ્‍થાન મળશે તેને લઈને છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્‍સુકતા જોવા મળી રહી છે. હવે સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રક્રિયા આગળ વધે તેવી શકયતા વ્‍યક્‍ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ શિક્ષણ સમિતિના સભ્‍યપદ માટે સૌથી મહત્‍વપૂર્ણ માપદંડ શૈક્ષણિક લાયકાતનો રાખવામાં આવ્‍યો છે. સભ્‍ય બનવા ઇચ્‍છુક વ્‍યક્‍તિએ ઓછામાં ઓછું તાાતક સુધીનું શિક્ષણ મેળવેલું હોવું જરૂરી રહેશે. શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલી સમિતિ હોવાથી સભ્‍યોની શૈક્ષણિક લાયકાતને વિશેષ મહત્‍વ આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હોવાનું માનવામાં આવે છે.

વયમર્યાદામાં અનુભવી અને વડીલ કાર્યકરોને પણ તક મળે તેવો અભિગમ અપનાવવામાં આવ્‍યો છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલા વયના માપદંડની સરખામણીએ શિક્ષણ સમિતિમાં વડીલ અને અનુભવી આગેવાનોનો સમાવેશ થઈ શકે તે માટે વધુ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નિર્ણયથી લાંબા સમયથી પક્ષ અને સંગઠન માટે કામગીરી કરતા વરિષ્ઠ કાર્યકરો માટે શિક્ષણ સમિતિમાં સ્‍થાન મેળવવાની તક ઊભી થશે.

આ ઉપરાંત અગાઉ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડીને પરાજિત થયેલા ઉમેદવારોને શિક્ષણ સમિતિમાં સભ્‍ય તરીકે સ્‍થાન નહીં આપવાનો માપદંડ નક્કી કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા પરંતુ છેલ્લી ચૂંટણીમાં એક અથવા બીજા કારણોસર પક્ષની ટિકિટથી વંચિત રહેલા આગેવાનો માટે શિક્ષણ સમિતિના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્‍યા છે. પરિણામે ચૂંટણીમાં ટિકિટ કપાયા બાદ સંગઠનમાં સક્રિય રહેલા કેટલાક પૂર્વ કોર્પોરેટરોને શિક્ષણ સમિતિમાં સમાવી રાજકીય રીતે સાચવવામાં આવે તેવી શકયતા છે.

નવી શિક્ષણ સમિતિની રચનામાં ‘૧૦૦ ટકા નો-રિપિટ થિયરી'ને પ્રાધાન્‍ય આપવામાં આવે તેવી પણ ચર્ચા છે. એટલે કે અગાઉની સમિતિમાં રહેલા સભ્‍યોને ફરી તક આપવાને બદલે નવા ચહેરાઓને સ્‍થાન આપવામાં આવી શકે છે. આમ થશે તો શિક્ષણ સમિતિમાં મોટા પાયે નવા કાર્યકરો અને આગેવાનો માટે તક ઊભી થશે.

મહિલા પ્રતિનિધિત્‍વને પણ વિશેષ મહત્‍વ આપવામાં આવ્‍યું છે. મહાનગરપાલિકા દ્વારા ચૂંટવામાં આવનારા ૧૨ સભ્‍યો પૈકી ઓછામાં ઓછા ચાર સભ્‍યો મહિલા હોવા જોઈએ તેવો માપદંડ ગાઈડલાઈનમાં રાખવામાં આવ્‍યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આથી શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતી અને સંગઠનમાં સક્રિય મહિલા કાર્યકરો વચ્‍ચે પણ સભ્‍યપદ મેળવવા માટે દાવેદારી તેજ બની છે.

શિક્ષણ સમિતિમાં સ્‍થાન મેળવવા માટે ભાજપમાં દાવેદારોની લાંબી કતાર હોવાનું જાણવા મળે છે. અંદાજે ૩૦૦થી વધુ કાર્યકરો અને આગેવાનો શહેર ભાજપ પ્રમુખ સમક્ષ શિક્ષણ સમિતિના સભ્‍ય બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી ચૂકયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સામે માત્ર મર્યાદિત બેઠકો હોવાથી કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે મુદ્દે પક્ષમાં ભારે ઉત્‍સુકતા છે.

સામાન્‍ય રીતે શિક્ષણ સમિતિની રચના થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે. ગત ટર્મ દરમિયાન સમિતિના આંતરિક મતભેદો અને ચેરમેન સામે થયેલા વિવિધ આક્ષેપોના પગલે શિક્ષણ સમિતિને કાર્યકાળની વચ્‍ચે વિસર્જિત કરીને નવી સમિતિની રચના કરવાની સ્‍થિતિ સર્જાઈ હતી. આ અનુભવને ધ્‍યાનમાં રાખીને આ વખતે સભ્‍યોની પસંદગીમાં સંગઠન વધુ સાવચેતી રાખે અને શિક્ષિત, અનુભવી તથા સંગઠન સાથે સંકલન સાધી શકે તેવા ચહેરાઓને પ્રાધાન્‍ય આપે તેવી ચર્ચા છે.

હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનો માહોલ હોવાથી શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા તહેવારો બાદ શરૂ થવાની સંભાવના છે. તહેવારો પૂર્ણ થયા બાદ મેયર ડો. નેહલ શુક્‍લ દ્વારા શિક્ષણ સમિતિની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી શકયતા વ્‍યક્‍ત થઈ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં હાલના પક્ષબળને ધ્‍યાને લેતાં મહાનગરપાલિકા દ્વારા ચૂંટવામાં આવનારા ૧૨ સભ્‍યો પૈકી ૧૧ સભ્‍યો ભાજપના અને એક સભ્‍ય કોંગ્રેસના ફાળે આવે તેવી ગણતરી છે. આ ઉપરાંત ત્રણ સભ્‍યોની નિયુક્‍તિ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ કુલ ૧૫ સભ્‍યોની શિક્ષણ સમિતિની રચના થશે.

નવી શિક્ષણ સમિતિની રચના પહેલાં જ ભાજપ દ્વારા શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોને તક નહીં, નો-રિપિટ થિયરી અને મહિલા પ્રતિનિધિત્‍વ જેવા માપદંડો નક્કી કરવામાં આવ્‍યા હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવ્‍યો છે. હવે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ દાવેદારી અને લોબિંગ વધુ તેજ બનશે અને અંતે ભાજપના ૩૦૦થી વધુ દાવેદારોમાંથી કયા ૧૧ ચહેરાઓને શિક્ષણ સમિતિમાં સ્‍થાન મળે છે તેના પર સૌની નજર રહેશે.

(2:48 PM IST)