<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

હૃદય ધબકારા ચુકી જવાથી ત્રણના મૃત્‍યુ

લાપાસરીના વિનોદભાઇ કોરાટ, સોહમનગરમાં મનપા કર્મચારી કોૈશિકભાઇ ચોૈધરી, રામવનના મમતાબેન બાંભવાએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૧: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુના વધુ બે બનાવ બન્‍યા હતાં. જેમાં લાપાસરી રહેતાં અને ખેતી કરવા સાથે કોઠારીયા રોલેક્‍સ રોડ પર બેકરી પણ ચલાવતાં યુવાનનું રોલેક્‍સ રોડ પર હૃદય બેસી જતાં મૃત્‍યુ થયું હતું. અન્‍ય બનાવમાં રામવન પાસે રહેતાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયું હતું. તેમજ ત્રીજા બનાવમાં મ્‍યુ. કોર્પોરેશનના કર્મચારીનું પણ હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા નજીક લાપાસરીમાં રહેતાં વિનોદભાઇ ધરમશીભાઇ કોરાટ (ઉ.વ.૩૫) ગઇકાલે બાઇક હંકારી રોલેક્‍સ રોડ પર પોતાની બેકરી ખાતે આટો મારવા જતાં હતાં ત્‍યારે એકાએક તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ ખેતી કરવા સાથે બેકરી ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં મોરબી રોડ સોહમનગરમાં રહેતાં કોૈશિકકુમાર હરસિંગ ચોૈધરી (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેઓ આરએમસીમાં એસઆઇ તરીકે નોકરી કરતાં હતાં. મુળ વ્‍યારાના વતની હતાં. સંતાનમાં બે દિકરા છે.

ત્રીજા બનાવમાં આજીડેમ નજીક રામવન પાસે રામ પાર્કમાં રહેતાં મમતાબેન જીતુભાઇ બાંભવા (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.  પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ પશુપાલન કરે છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.

પરસાણાનગરના જયાબેન સોલંકીનું બેભાન હાલતમાં મૃત્‍યુ

ચોથા બનાવમાં જામનગર રોડ પરસાણાનગર-૬માં રહેતાં જયાબેન બચુભાઇ સોલંકી (ઉ.વ.૬૩) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. ડાયાબીટીશ સહિતની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. આ તમામ બનાવમાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસ, બી-ડિવીઝન અને પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહોના પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા હતાં.

(2:10 PM IST)